જી.એસ.ટી. હેઠળ નોંધણી નંબર મેળવવામાં કરદાતાની પરેશાનીમાં થશે ઘટાડો!!

જી.એસ.ટી. નોંધણી મેળવવી બની જશે સહેલી. આ બાબતે સેંટરલ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી મહત્વની સૂચના!
જી.એસ.ટી. હેઠળ નોંધણી આપનાર અધિકારી દ્વારા આ સૂચનાનો અમલ કરવો રહેશે જરૂરી
તા. 18.04.2025: જી.એસ.ટી. લાગુ થયો ત્યારે શરૂઆતમાં નોંધણી દાખલો મેળવવો ઘણો સહેલો હતો. પરંતુ જેમ જેમ જી.એસ.ટી. હેઠળ મોટા પ્રમાણમાં કરચોરી પકડાઈ, ત્યારથી જી.એસ.ટી. હેઠાણ નોંધણી દાખલો લેવો મુશ્કેલ બનતો ગયો. જી.એસ.ટી. નોંધણી સમયે કરદાતાને અધિકારી દ્વારા અલગ અલગ પુરાવાઓ માંગવામાં આવતા હતા તે અંગે અનેક ફરિયાદો સેંટરલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સ એટ્લે કે CBIC ને મળી હતી. આ ઉપરાંત આ અંગે સોશિયલ મીડિયામાં પણ ઘણી ફરિયાદો ઉઠી રહી હતી. કરદાતાને પડી રહેલી તકલીફ સામે જી.એસ.ટી. નોંધણી દાખલો આપતા અધિકારીની પોતાની તકલીફ અને મજબૂરી એ હતી કે જો પૂરતી વિગતો માંગવામાં ના આવેલ હોય અને કોઈ નોંધણી આપી દેવામાં આવેલ હોય અને કરદાતા બોગસ બિલિંગમાં સંડોવાયેલા પકડાઈ તો તેઓની જવાબદારી આ બાબતે ઊભી થઈ શકે તેવો દર પણ હમેશા રહેતો હતો. અગાઉ CBIC દ્વારા જી.એસ.ટી. હેઠળ નોંધણી બાબતે સૂચના 03/2023, તારીખ 14 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ સૂચના ના સ્થાને હવે CBIC દ્વારા 17 એપ્રિલ 2025 ના રોજ જી.એસ.ટી. નોંધણી અંગે ઇન્સટ્રકશન 03/2025 બહાર પાડવામાં આવેલ છે. આ સુચના બહાર પાડતા જી.એસ.ટી. હેઠળ કરદાતાઓ પાસે ક્યાં પુરાવાઓ માંગી શકાય તે અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ છે. આ સાથે જ કરદાતા પાસે માંગવામાં આવતી અતાર્કિક અને બિનજરૂરી વિગતો અને પુરાવા માંગવાનુ બંધ થઈ જશે તેવું ચોક્કસ માની શકાય. આજે આ લેખમાં આ સૂચનાની મહત્વની બાબતો સમજાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
:ધંધાની માલિકી સ્થળ બાબતેના પુરાવા:
જ્યારે ધંધાની જગ્યા માલિકી ધોરણે હોય ત્યારે:
કરદાતાના ધંધાના સ્થળના પુરાવા તરીકે છેલ્લી મિલ્કત વેરાની પહોચ, મ્યુનિસિપલ ખાતાની કોપી, માલિકના નામનું ઇલેક્ટ્રીક બિલ, પાણી બિલ કે આ પ્રકારના કોઈ પણ એક દસ્તાવેજ માંગવાના રહેશે. આ પૈકી કોઈ એક પુરાવો રજૂ કરવામાં આવ્યો હોય તો અધિકારી દ્વારા આ સિવાય કોઈ પુરાવા માંગવાના રહેશે નહીં. આ સૂચનામાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે અધિકારી દ્વારા આ પુરાવાની ઓરિજિનલ ફીઝીકલ કોપી માંગવાની રહેશે નહીં.
જ્યારે ધંધાની જગ્યા ભાડે હોય ત્યારે:
જ્યારે કરદાતાની જગ્યા ભાડાની હોય તેવા સંજોગોમાં ભાડા કરાર ઉપરાંત મકાન માલિકની ઉપર જણાવેલ માલિકી મુરવા સિવાય કોઈ વધારાનો પુરાવો માંગવાનો રહેશે નહીં. જો રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ હોય તો માત્ર ભાડા કરાર અને મકાન માલિકનો માલિકી પુરાવો અને જો અનરજિસ્ટર્ડ એગ્રીમેન્ટ હોય તો અગાઉ જણાવેલ પુરાવા ઉપરાંત ભાડે આપનારની ઓળખ સ્પષ્ટ કરતો એક પુરાવો માંગવાનો રહેશે.
જ્યારે ધંધાનું સ્થળ જીવનસાથી કે સબંધીના માલિકીનું હોય ત્યારે:
જ્યારે ધંધાનું સ્થળ કરદાતાના જીવનસાથી કે સબંધીના માલિકીનું હોય ત્યારે આ ધંધાના સ્થળ વાપરવા અંગેની સદા કાગળમાં સંમતિ સંમતિ આપનારનો ઓળખનો પુરાવા અને સંમતિ આપનારના ઉપર જણાવવામાં આવેલ માલિકીના દસ્તાવેજ રજૂ કરવામાં રહેશે.
જ્યારે ધંધાનું સ્થળ સંયુક્ત રીતે ધારણ કરવામાં આવતું હોય ત્યારે:
ધંધાનું સ્થળ જ્યારે સંયુક્ત રીતે ધારણ કરવામાં આવેલ હોય ત્યારે કરદાતા દ્વારા શક્ય હોય તો ભાડા કરાર અને ભાડે આપનારના માલિકીનો એક પુરાવો આપવાનો રહેશે. જો ભાડા કરાર ઉપલબ્ધ ના હોય તો સદા કાગળ ઉપર સંમતિ તથા સંમતિ આપનારનો માલિકી પુરાવો તથા સંમતિ આપનારનો ઓળખનો એક પુરાવો કરદાતાએ અપલોડ કરવાનો રહેશે.
જ્યારે ધંધાનું સ્થળ પાઘળી જેવી લાંબા ગાળાના ભાડા પટ્ટે હોય અને ભાડા કરાર ઉપલબ્ધ ના હોય
જ્યારે કોઈ ધંધાની જગ્યા પાઘડીથી અથવા અન્ય કોઈ રીતે લાંબા ગાળાના ભાડા પટ્ટે હોય તો આ અંગેનું સોગંદનામું અને ઉપર જણાવેલ કોઈ માલિકી પુરાવા આપતા અધિકારી દ્વારા આ ચલાવવાનું રહેશે તે અંગે પણ મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સૂચના ના કારણે કરદાતા માટે નોંધણી દાખલો લેવો તો ચોક્કસ સહેલો બનશે પરંતુ નોંધણી દાખલો લીધા બાદ કરવામાં આવતા સુધારાઓ માટે પણ આ સૂચના ઉપયોગી બનશે. ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માટે આ ખુલાસો એક સારું પગલું ગણી શકાય.
:ધંધાના બંધારણ અંગેના પુરાવા:
જ્યારે ધંધો ભાગીદારી પેઢી તરીકે કાર્યરત હોય ત્યારે:
જ્યારે ધંધો ભાગીદારી ધોરણે ચાલતો હોય ત્યારે આ ધંધાનો ભાગીદારી દસ્તાવેજ એ બંધારણ બાબતેનો એક માત્ર પુરાવો અપલોડ કરવાનો રહેશે. આ બાબતે ઉદ્યમ આધાર, શોપ લાઇસન્સ વગેરે માંગવાનુ રહેશે નહીં.
જ્યારે ધંધો કંપની, સોસાયટી, ક્લબ, સરકારી ખાતા તરીકે કાર્યરત હોય ત્યારે:
જ્યારે ધંધો કંપની, સોસાયટી, ક્લબ, સરકારી ખાતા, ટ્રસ્ટ વી. તરીકે કાર્યરત હોય ત્યારે આ અંગેનું બંધારણ અથવા જે તે કાયદા હેઠળ આપવામાં આવેલ નોંધણી દાખલો એ બંધારણ અંગેનો યોગ્ય પુરાવો ગણાશે.
અધિકારીઓને આપવામાં આવેલ સ્પશતા સૂચના:
આ ઇન્સટ્રકશન દ્વારા જી.એસ.ટી. નોંધણી દાખલો આપતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે અરજદાર, મેનેજિંગ ડાયરેક્ટર, અધિકૃત સાહિકર્તા નું રહેઠાણ અને ધંધો એક ગામ નથી કે એક રાજ્યમાં નથી, નોંધણી માં માંગવામાં આવેલ HSN જે તે રાજ્યમાં વેચાણ માટે પ્રતિબંધિત છે, જે ધંધાનો પ્રકાર દર્શાવેલ છે તે પ્રકાર આપેલ જગ્યા ઉપર થઈ શકે નહીં તેવા કાલ્પનિક પ્રશ્નો અધિકારી દ્વારા કરવાના રહેશે નહીં.
અધિકારીઓએ નોંધણી દાખલો આપતા કરવાની થતી કામગીરી:
કરદાતા દ્વારા ઉપર જણાવેલ પુરાવા સાથે અરજી કરવામાં આવે ત્યારે અધિકારી દ્વારા કરદાતાના પૂરવાની ઝીણવટ ભરી ચકાસણી કરવાની રહેશે. આ માટે અધિકારી જે તે સરકારી પોર્ટલ ઉપર પણ પુરાવાને ક્રોસ ચેક કરી શકે છે. જો કરદાતાની અરજી “રિસ્કી” અરજદાર તરીકે “ફ્લેગ” ના થયો હોય તો કરદાતાની અરજીનો નિકાલ અરજી મળ્યેથી 07 કાર્યકારી દિવસોમાં કરી નાંખવાનો રહેશે. નીચેના સંજોગોમાં આ 07 દિવસની મુદતને 30 દિવસની ગણવાની રહેશે:
- કરદાતાએ આધાર ઓથેનટીકેશન કર્યું છે અને તેને પોર્ટલ દ્વારા “રિસ્કી” તરીકે “ફ્લેગ” કરવામાં આવ્યો છે.
- જો કરદાતા આધાર ઓથેનટીકેશન કરવામાં નિષ્ફળ જાય છે.
- જો નોંધણી દાખલો આપતા અધિકારીને એવું જરૂરી જણાય કે કરદાતાના ધંધાના સ્થળની સ્થળ તપાસ જરૂરી છે તો આસીસટંટ કમિશ્નર કે તેનાથી ઉપરના અધિકારીની પરવાનગી લઈ તેઓ સ્થળ તપાસ માટે આગળ વધી શકે છે.
સ્થળ તપાસ માટે પસંદ થયેલ અરજી માટે અધિકારી દ્વારા શક્ય હોય તેટલું જલ્દી સ્થળ તપાસ કરાવવાની કામગીરી કરવવાની રહેશે. આ કામગીરી 30 દિવસની મર્યાદા પૂર્ણ થતી હોય તેના ઓછામાં ઓછા 5 દિવસ પહેલા ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.
સ્થળ તપાસ કરનાર અધિકારી દ્વારા પણ એ બાબતની તકેદારી રાખવાની રહેશે કે પોતાના સ્થળ તપાસ રિપોર્ટમાં તેઓએ પોતાનો ધંધાની જગ્યા અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવાનો રહેશે. જો કરદાતા કે ધંધાનું સ્થળ ખોટું હોવાનું માલૂમ પડે તો આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. સ્થળ તપાસ કરનાર અધિકારીએ GPS સાથે સ્થળના ફોટો પણ અપલોડ કરવાના રહેશે. જો અરાજકારતાનો ARN અન્ય જ્યુરિસડીકશન માં પડતો હોય તો તુરંત જ યોગ્ય અધિકારીને પોર્ટલ ઉપર સ્થળ તપાસ તબદીલ કરવાની રહેશે.
જી.એસ.ટી. અધિકારીને જરૂરી જણાય તો તેઓ કરદાતા પાસે અરજી માટે ખુલાસાઓ પૂછી શકે છે. આ ખુલાસાઓ નીચેના મુદ્દા ઉપર હોય શકે.
- જ્યારે કરદાતા દ્વારા અપલોડ કરવામાં આવેલ પુરાવા સ્પષ્ટ રીતે વાંચી શકાય તેમ ના હોય કે અપૂર્ણ હોય,
- જ્યારે ધંધાના સ્થળનું સરનામું અને પુરાવામાં દર્શાવેલ સરનામું સરખું ના હોય’,
- જ્યારે કરદાતા દ્વારા આપવામાં આવેલ સરનામું ખોટું કે અસ્પષ્ટ હોય,
- જ્યારે કરદાતાનો PAN સાથે લિન્ક થયેલ GST અગાઉ કેન્સલ કે સસ્પેન્ડ થયેલ થયેલ જણાય
ઉપર જણાવેલ બાબત હોય તો જ કરદાતાને ખુલાસો પુછવામાં આવશે. આ ખુલાસો પણ ઉપર મુજબ 07 દિવસ કે 30 દિવસમાં પૂછવાનો રહેશે. ઉપર જણાવેલ પુરાવા સિવાય જો કોઈ પુરાવા અધિકારી દ્વારા માંગવા જરૂરી જણાશે તો તે આસિસ્ટન્ટ કમિશ્નર કે ડે. કમિશ્નર ની પરવાનગી પછી જ માંગી શકશે.
કરદાતાને ખુલાસા બાબતે નોટિસ આપવામાં આવેલ હોય ત્યારે કરદાતા દ્વારા નોટિસ આપવામાં આવેલ હોય ત્યારથી 07 દિવસમાં જવાબ રજૂ કરવાનો રહેશે. આ જવાબ રજૂ થયેથી સાત દિવસમાં અધિકારી દ્વારા આ અરજી નો નિકાલ કરવાનો રહેશે. નોંધણી દાખલો ના આપવાના કિસ્સામાં અધિકારી દ્વારા કારણોની યોગ્ય નોંધ કરવી જરૂરી રહેશે. કરદાતા દ્વારા ખુલાસા બાબતે નોટિસનો કોઈ જવાબ ના આપવામાં આવ્યો હોય તો અધિકારી નોંધણી દાખલાની અરજી નામંજૂર કરી શકે છે અને આ અરજી નામંજૂર કરવાના કારણો આવા સંજોગોમાં પણ દર્શાવવાના રહેશે. આ બાબતે લેખકનું એવું માનવું છે કે ખુલાસા બાબતે નોટિસનો જવાબ ના આપવામાં આવેલ હોય તો પણ આ સૂચના હેઠળ અધિકારી ધારે તો નોંધણી દાખલો આપી શકે છે.
આ સૂચનાઑ દ્વારા પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર તથા ચીફ કમિશ્નરને એવું સૂચન કરવામાં આવ્યું છે કે તેઓ દ્વારા:
- નોંધણી દાખલા અંગે સ્થળ તપાસ સાહિતી તેઓના અધિકારી દ્વારા થતી કામગીરીનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવે,
- કોઈ અધિકારી આ સૂચનાના અમલ કરવામાં ચૂક કરે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે,
- જી.એસ.ટી. નોંધણી વિભાગમાં પૂરતા સ્ટાફ આપવામાં આવે જે થી ઉપરોક્ત કામગીરી સમયસર થઈ શકે,
- સ્થાનિક પરિસ્થિતી અને નિયમોને ધ્યાનમાં લઈ ટ્રેડ નોટિસ બહાર પાડવામાં આવે જેમાં વિવિધ પુરાવાઓ અંગે સ્પષ્ટતા કરવામાં આવે.
આ સૂચના દ્વારા જી.એસ.ટી. નોંધણી અંગેની કામગીરી સરળ બનશે તે બાબત નિર્વિવાદ છે. “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” તરફ આ સરાહનીય પગલું છે તેવું નિષ્ણાંતો માની રહ્યા
By Bhavya Popat, Tax Advocate & Editor Tax Today
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 21 એપ્રિલ 2025 ના રોજ પ્રકાશિત થયેલ છે)