અપીલમાં વિલંબ હોવા છતાં જી.એસ.ટી. નંબર પુનઃ સ્થાપિત કરો: ગુજરાત હાઈકોર્ટ
સેતુ જીત પ્રા. લિ.નો GST રેજિસ્ટ્રેશન પુનઃ સ્થાપિત કરવા ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
૨૪ નવેમ્બર 2025
રિપોર્ટર: લીગલ ડેસ્ક, ટેક્સ ટુડે
ગુજરાત હાઇકોર્ટની ન્યાયમૂર્તિ એ.એસ. સુપેહિયા અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની ડીવીઝન Setu Joy Private Limited નો રદ કરાયેલી GST નોંધણીને પુનઃસ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદો રાજ્યભરમાં હજારો વેપારીઓ માટે રાહતરૂપ માનવામાં આવે છે. એવા ઘણા વેપારીઓ-કરદાતાઓ છે જેમનો નોંધણી દાખલો “રિટર્ન” ન ભરવા ના કારણે રદ થયેલ હોય.
કેસની પૃષ્ઠભૂમિ
સેતુ જીત પ્રા. લિ. અમ્યુઝમેન્ટ પાર્ક, સિનેમા, રિસોર્ટ વગેરે વ્યવસાય ચલાવતી કંપની છે. કંપનીએ 2017 થી તમામ રિટર્ન નિયમિત રીતે ભર્યા હતા. પરંતુ એપ્રિલ 2024 પછી નાણાકીય મુશ્કેલીઓના કારણે રિટર્ન ભરવામાં વિલંબ રહ્યો હતો. પરિણામે વિભાગે 9.9.2024ના રોજ શો-કૉઝ નોટિસ આપી અને કંપની વતી કોઈ હાજર ન રહ્યો હોવાથી 18.09.2024 ના રોજ નોંધણી દાખલો રદ કરી આપવામાં આવ્યો હતો.
કંપનીએ એપ્રિલ 2025માં અપીલ કરી હતી, પરંતુ અપીલ મુદત બાદ દાખલ થયેલી હોવાથી અપીલ અધિકારીએ અરજી ફગાવી દીધી.
હાઇકોર્ટમાં રજૂ થયેલ મુદ્દાઓ
કંપની વતી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે—
-
તમામ બાકી રહેલી રિટર્ન હવે ફાઈલ કરી દીધી છે
-
બાકી કર, વ્યાજ અને મોડું ફી સહિતનો સંપૂર્ણ પેમેન્ટ કરી દીધો છે
-
આગળથી નિયમિત પાલન કરવા કંપની તૈયાર છે
સરકાર તરફથી રજૂ થયેલા એફિડેવિટમાં પણ આ બાબતની પુષ્ટિ કરવામાં આવી કે ઓગસ્ટ 2025 સુધીની તમામ બાકી કામગીરી કંપની દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.
કોર્ટનો મહત્વપૂર્ણ અવલોકન
કોર્ટએ આ કેસમાં નોંધ્યું કે—
-
કંપનીએ સ્વ-આંકેલ કર, વ્યાજ અને પેનલ્ટી ચુકવી દીધી છે
-
તમામ બાકી રહેલી રિટર્ન ફાઈલ થઈ ગઈ છે
-
સરકાર તરફથી પણ નોંધણી પુનઃસ્થાપિત કરવા કોઈ વાંધો નથી
પરિણામે હાઈકોર્ટએ કંપનીનું GST રેજિસ્ટ્રેશન રદ કરનારા તમામ આદેશો રદ્દ કર્યા અને નોંધણી તરત જ પુનઃસ્થાપિત કરવાનો હુકમ આપ્યો.
ચુકાદાનું મહત્ત્વ
આ ચુકાદો તેવા તમામ બિઝનેસ માટે માર્ગદર્શક છે, જેમના GST રેજિસ્ટ્રેશન માત્ર રિટર્ન ન ભરવાના કારણે રદ થાય છે. જો કરદાતા બાકીગીરી પૂર્ણ કરી દે અને પાલનની ખાતરી આપે, તો કોર્ટ તેમની સામે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી શકે છે. આ કેસમાં કરદાતા વતી રાજકોટના જાણીતા એડવોકેટ અપૂર્વ મહેતા ઉપસ્થિત થયા હતા.
કાયદાશાસ્ત્રીઓનો અભિપ્રાય
લીગલ નિષ્ણાતોના મતે, હાઇકોર્ટનો આ નિર્ણય એ સંદેશ આપે છે કે GST કાયદાનો હેતુ દંડાત્મક નહીં પરંતુ પાલનને પ્રોત્સાહિત કરવાનો છે. તેથી, જ્યારે ટેક્સદાતા સ્વયંભૂ પાલન કરે છે, ત્યારે તેમને વ્યવસાય ચાલુ રાખવાનો યોગ્ય મોકો મળવો જોઈએ. આ બાબતે વાત કરતા શાશ્વત લીગલના પાર્ટનર અને જુનાગઢના જાણીતા એડવોકેટ પ્રતિક મિશ્રાણી ટેક્સ ટુડેને જણાવે છે કે “આ પ્રકારના અનેક કેસો છે જેમાં કરદાતાનો નોંધણી દાખલો રદ્દ થઇ ગયો છે અને તેઓ અપીલનો સમય ચુકી ગયા છે. આમ થવાથી માત્ર કરદાતા જેમનો નોંધણી દાખલો રદ્દ થયો છે તેઓ જ નહિ પરંતુ તેમની પાસેથી B૨B ખરીદી કરનાર વેપારીઓ પણ મુશ્કેલીમાં પડી ગયા છે. આ તમામ કેસો માટે આ ચુકાદો રાહત સમાન ગણી શકાય. મારું માનવું છે કે આ ચુકાદાનું સજ્ઞાન લઇ સરકાર દ્વારા આવા નોંધણી દાખલો રદ્દ થયેલ છે તેવા કરદાતાઓ માટે એક એમનેસ્ટી સ્કીમ લાવવી જોઈએ જેમાં આ કરદાતાઓ માટે રેગ્યુલર થવાની એક તક મળી રહે” . આવા નોંધણી દાખલો રદ્દ થયા હોય તેવા ઘણા કરદાતાઓ છે જેમના માટે હાઈકોર્ટ જવું મુશ્કેલ હોય તેમના માટે આ પ્રકારે એમનેસ્ટી સ્કીમ લાવવામાં આવે તો તેઓની મુશ્કેલીઓનો અંત આવી શકે તેમ છે. બીજી બાજુ એવા કરદાતાઓ જેઓ પોતાના કેસના તથ્યો અને આર્થીક સ્થિતિ જોઈ હાઈકોર્ટ જી શકે તેમ હોય તેઓએ આ કેસનો સજ્ઞાન લઇ હાઈકોર્ટ જવાના વિકલ્પો ચોક્કસ તપાસવા જોઈએ. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે
