જી.એસ.ટી. હેઠળ 01 સપ્ટેમ્બર 24થી લાગુ થયા છે આ મહત્વના સુધારા!!

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. રિટર્ન ભરવામાં 01 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલ આ સુધારા કરશે મહત્વની અસર:

તા. 03.09.2024: જી.એસ.ટી. કાયદા હેઠળ 01 સપ્ટેમ્બર 2024 થી અમુક મહત્વના સુધારા લાગુ થયા છે જે સુધારા કરદાતાને પોતાના જી.એસ.ટી. રિટર્ન ભરવામાં ધ્યાને લેવા જરૂરી છે. આ સુધારા પૈકી સૌથી પહેલો સુધારો એ છે કે 01 ઓગસ્ટ 2024 થી જી.એસ.ટી. રિટર્ન ભરવામાં આંતર રાજ્ય વેચાણ સંદર્ભે B2CL એટલેકે ગ્રાહકને કરવામાં આવેલ મોટા વેચાણ વ્યવહારની મર્યાદા 1 લાખની ગણવાની રહશે. આમ, આંતરરાજ્ય વ્યવહારમાં 1 લાખથી વધુના વેચાણ સંદર્ભે “ઇંવોઇસ” ની વિગતો અલગથી દર્શાવવાની રહેશે. અત્યાર સુધી આ મર્યાદા 2.5 લાખની હતી. આમ, 1 લાખ ઉપરના તમામ ગ્રાહકોને કરવામાં આવેલ વેચાણની વિગતો B2CL તરીકે GSTR 1 માં અલગ રીતે દર્શાવવાના રહશે.  B2C માં સામાન્ય રીતે માત્ર વેચાણની રકમ અને જી.એસ.ટી. ના દર દર્શાવવાના રહેતા હોય છે પરંતુ B2CL એટ્લે કે મોટી રકમના B2C વ્યવહારોમાં ખરીદનારની PAN સહિતની વિગતો દર્શાવવાની રહે છે.

આ ઉપરાંત કરદાતા હવે પોતાના GSTR 3B ના વેચાણની વિગતોના વિભાગમાં નેગેટિવ “નેગેટિવ લાયાબિલિટી” પણ દર્શાવી શકશે. કોઈ રિટર્નના સમયગાળામાં માલ પરતના કારણે કે અન્ય કોઈ કારણે જો કરદાતાને વેરો ભરવાનો “નેગેટિવ” રકમમાં રહેતો હોય તો તે પણ હવે GSTR 3B માં દર્શાવી શકશે. આ “નેગેટિવ” જવાબદારી કરદાતાના આગળ ભરવાના ટેક્સ સામે સિસ્ટમ સરભર કઈ આપશે. અગાઉ આ રિટર્નમાં “નેગેટિવ” રકમ નાંખી શકાતી ન હતી. આ સગવડના અભાવે અનેક કરદાતાઓએ અનેક તકલીફો ભોગવી છે. આ સામાન્ય ટેકનિકલ સગવડના અભાવે ઘણા કેસો આકારણીમાં, અપીલમાં કે વિવિધ હાઇકોર્ટ સુધી ગયા હોવાની માહિતી જામિની સ્તરે મળી રહી છે.

01 સપ્ટેમ્બર બાદ ભરવાના આવતા રિટર્ન સંદર્ભે કોઈ કરદાતાએ પોતાના બેન્ક ખાતાની વિગતો જો પોર્ટલ ઉપર નહીં નાંખી હોય અથવા તો આ વિગતો નાંખી હશે પણ તે બઁક ખાતું જી.એસ.ટી. પોર્ટલ ઉપર વેલિડેટ થયું નહીં હોય તો કરદાતાનું હવે પછીનું GSTR 1 અથવા IFF ભરી શકશે નહીં. ઘણા કરદાતા એવા છે જેમણે પોતાના બેન્ક ખાતાની વિગતો તો જી.એસ.ટી. પોર્ટલ ઉપર આપી છે પરંતુ તેઓનું બેન્ક ખાતું જી.એસ.ટી. સિસ્ટમ ઉપર વેલિડેટ થયેલ નથી. આવા કિસ્સામાં પણ જ્યાં સુધી કોઈ એક બેન્ક એકાઉન્ટ વેલિડેટ થયેલ નહીં હોય ત્યાં સુધી કરદાતાને GSTR 1 કે IFF ભરવાં દેવામાં નહીં આવે. આમ, GSTR 1 કે આઇએફએફ ભરતા પહેલા કરદાતાના બેન્ક ખાતા વેલિડેટ થયેલ છે તે ચેક કરી લેવું જરૂરી છે.

 જી.એસ.ટી. પોર્ટલ ઉપર નાણાકીય વર્ષ 2023-24 ના વર્ષના GSTR 9 તથા GSTR 9C પોર્ટલ ઉપર ચાલુ કરી આપવામાં આવ્યા છે. આ ફોર્મ ભરવાની છેલ્લી મુદત 31.12.2024 છે. ઉપરોક્ત સુધારા મોટા પ્રમાણમા કરદાતાઓને અસર કરશે તેવું માનવમ આવી રહ્યું છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!