નાણાકીય વર્ષ 2025-26 ના ઇન્કમ ટેક્સ રિટર્નમાં કરવામાં આવ્યા છે આ મહત્વના સુધારાઓ

11 જુલાઇ 2025થી ITR 2 અને 3 ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર થઈ ગયા છે શરૂ
-By Bhavya Popat
તા. 15.07.2025: હાલ સામાન્ય રીતે નાણાકીય વર્ષ 2024-25 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં આવી રહ્યા છે. ITR 1 અને ITR 4 તો ઘણા સમયથી ભરવાના શરૂ થઈ ગયા હતા. ગયા અઠવાડિયે ITR 2 અને ITR 3 જેની રાહ ઘણા સમયથી જોવાઈ રહી હતી તે રિટર્ન પણ પોર્ટલ ઉપર શરૂ થઈ ગયા છે. આ રિટર્ન ભરવામાં અમુક મહત્વના મુદ્દા ધ્યાને રાખવા જરૂરી છે. આ સુધારા આ નાણાકીય વર્ષ 2024 25 ના નાણાકીય વર્ષના રિટર્નમાં લાગુ થયા છે. આ મુદ્દા અંગે આજે આ લેખમાં ચર્ચા કરવામાં આવેલ છે.
ઇન્કમ ટેક્સ દારોની જૂની યોજના સ્વીકારનાર પાસે માંગવામાં આવશે વધુ વિગતો:
ઇન્કમ ટેક્સ હેઠળ હાલ નવા દરોની સ્કીમ અને જૂના દરો એમ બે સ્કીમ માંથી કરદાતાઓને અમુક શરતોને આધીન પસંદગી આપવામાં આવેલ છે. આ પૈકી ઇન્કમ ટેકસની જૂની સ્કીમ પસંદ કરનાર કરદાતા પાસે કપતો અને કરમુક્તિઓ બાબતે વધુ વિગતો આ વર્ષથી માંગવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે ઇન્કમ ટેક્સ કાયદાની કલામ 80 C હેઠળ કપાત મેળવવા ગત વર્ષ સુધી માત્ર કરદાતાઓ દ્વારા LIP (જીવન વીમા પ્રીમિયમ) અંગે માત્ર રકમ જ આપવાની થતી હતી. હવે જ્યારે આ LIP માં રકમ ઉપરાંત પોલિસી નંબરની વિગત પણ આપવાની રહેશે. આવી જ રીતે PPF સંદર્ભે કપાત લેવામાં PPF ના ખાતા નંબરની વિગતો પણ આપવાની રહેશે. મેડીક્લેઇમ પોલિસી સંદર્ભે ઇન્સ્યુરન્સ કંપનીનું નામ તથા પોલિસી નંબર કરદાતાએ આપવાનો રહેશે. આવી જ રીતે એજયુકેશન લોન સંદર્ભે લોન આપનાર બેન્કની વિગતો, એકાઉન્ટ નંબર, કઈ તારીખે લોન મંજૂર થઈ તે તારીખ, મંજૂર થેયલ રકમ, 31 માર્ચે બાકી લોન રકમ જેવી વિગતો આપવાની રહેશે. કોઈ કરદાતા માન્ય મેડિકલ ટ્રીટમેન્ટ કરાવવા માટે કલમ 80 DDB હેઠળ કપાત માંગતા હશે તો જે તે બીમારીનું નામ સહિતનું માન્ય ડિગ્રી ધરાવતા ડોક્ટરનું સર્ટિફિકેટ લેવાનું રહેશે અને તેની વિગતો રિટર્નમાં આપવાની રહેશે. તો કોઈ દિવ્યંગજનો માટે ઇન્કમ ટેક્સની કલમ 80U ની કપાતનો દાવો કરવા ઓનલાઈન ફોર્મ 10-IA ભરવાનું રહેશે. આ સાથે તેઓની પાસે UDID (યુનિક ID) ધરાવતું માન્ય ડોક્ટરનું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે.
ITR 1 અને 4 ભરવા વધુ કરદાતાઓને તક આપવામાં આવી:
નાણાકીય વર્ષ 2024-25 થી મહત્વનો ફેરફાર લાગુ કરી જે કરદાતાઓને ઇક્વિટી મ્યુચલ ફંડ કે ઇક્વિટી શેર માર્કેટમાંથી થયેલ લાંબા ગાળાનો મૂડી નફો 1.25 લાખ સુધી હોય તેઓ ITR 1 અને 4 ભરવાની છૂટ આપવામાં આવેલ છે. આ છૂટ મળવાથી ઘણા કરદાતા આ પ્રમાણમાં સરળ ફોર્મ ITR 1 તથા ITR 4 ભરી પોતાની જવાબદારી પૂર્ણ કરી શકશે.
એસેટ-લયાબિલિટી રિપોર્ટિંગની મર્યાદામાં કરવામાં આવ્યો વધારો:
એસેટ-લાયાબિલિટી રિપોર્ટિંગની મર્યાદા ગત વર્ષે 50 લાખની હતી. નાણાકીય વર્ષ 2024-25 થી આ મર્યાદામાં વધારો કરી 1 કરોડની મર્યાદા કરવામાં આવ્યો છે. આમ, કરદાતા જ્યારે પોતાની ગ્રોસ આવક 1 કરોડ કે તેથી વધુ હોય તો જ એસેટ-લાયાબિલિટી સ્ટેટમેન્ટ (મિલ્કત-જવાબદારી પત્રક) ભરવું ફરજિયાત બનશે. આ સુધારાના કારણે ઘણા નોકરિયાત કરદાતાઓ કે જેઓ પોતાનું સરવૈયું બનાવતા હોતા નથી તેઓને ખાસ રાહત મળશે.
શેર બાયબેકની આવક “ડીમ્ડ ડિવિડંડ” તરીકે દર્શાવવી બનશે જરૂરી:
બજેટ 2024 થી કરવામાં આવેલ મહત્વના ફેરફારમાં ઇક્વિટી શેર બાય બેક જ્યારે કોઈ કંપની દ્વારા કરવામાં આવે ત્યારે શેર હોલ્ડર માટે આ આવક “ડીમ્ડ ડિવિડંડ” ગણવાની રહેશે. આ ફેરફાર પણ હવે ઇન્કમ ટેક્સમાં રિપોર્ટ કરવાનો રહેશે.
કપાત થયેલ TDSની સેક્શન દર્શાવવી બનાવવામાં આવેલ છે ફરજિયાત
કરદાતાએ પોતાના રિટર્નમાં TDS કઈ સેક્શન હેઠળ થયેલ છે અને આ TDS સંદર્ભે આવક ક્યાં સ્ત્રોત હેઠળ દર્શાવેલ છે તેની વિગતો પણ ફરજિયાત આપવાની રહેશે.
ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આધાર કાર્ડ બની ગયું છે ફરજિયાત
01 ઓક્ટોબર 2024 થી વ્યક્તિગત કરદાતા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવી આપવામાં આવ્યું છે. આ ઉપરાંત PAN માટેની અરજી કરવામાં જ આધાર કાર્ડ ફરજિયાત બનાવી આપવામાં આવ્યું છે. આમ, કોઈ પણ કરદાતા માન્ય આધાર નંબર વગર ઇન્કમ ટેક્સ ભરી શકશે નહીં. અગાઉ આધાર કાર્ડ અંગેની એનરોલમેંટ ID દર્શાવી રિટર્ન ભરી શકાતું હતું.
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ દર વર્ષે બજેટમાં સતત ફેરફારો થતાં જ રહેતા હોય છે. આ ફેરફારોને સલગ્ન ફેરફાર રિટર્ન ભરવાની યુટિલિટી થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ સિવાય પણ ઘણા ફેરફારો આ રિટર્ન ભરવાની યુટિલિટીમાં સતત થયા કરતાં હોય છે. આ ફેરફારો ચોક્કસ જરૂરી હશે પરંતુ યુટિલિટીમાં આ ફેરફારો સતત કરતાં રહેવાના બદલે એક સાથે વર્ષની શરૂઆત માંજ આ ફેરફારો કરવામાં આવે તેવી પદ્ધતિ અને જવાબદારી લાગુ કરવામાં આવે તે “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” માટે અનિવાર્ય છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં 14.07.2025 ના રોજ પ્રકાશિત થયેલ છે)