ભાગીદારી પેઢીઓ માટે મહત્વનો ફેરફાર: ભાગીદારોને થતી ચુકવણી પર TDS ફરજિયાત
-By CA Ashish Shah
આવકવેરા કાયદામાં નવી કલમ 194T નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ થી છે અમલમાં
તા. ૦૫.૦૧.૨૦૨૬: કેન્દ્ર સરકાર દ્વારા બજેટ–2025 અંતર્ગત આવકવેરા કાયદામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 01 એપ્રિલ, 2025થી ભાગીદારી પેઢીઓ દ્વારા તેમના ભાગીદારોને કરવામાં આવતી ચોક્કસ ચુકવણીઓ પર હવે TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) લાગુ કરવામાં આવ્યો છે. આ અંગે આવકવેરા નિષ્ણાતો દ્વારા તા. 01 જાન્યુઆરી, 2026ના પરિપત્ર દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઉમેરાયેલ કલમ 194T મુજબ, ભાગીદારી પેઢી દ્વારા ભાગીદારોને ચૂકવવામાં આવતો પગાર, મહેનતાણું, વ્યાજ, કમિશન વગેરે પર હવે નિર્ધારિત શરતોને આધીન TDS કાપવો ફરજિયાત રહેશે.
₹20,000થી વધુ ચુકવણી પર 10% TDS
નાણાકીય વર્ષ દરમિયાન જો કોઈ ભાગીદારને ઉપરોક્ત સ્વરૂપે કુલ ચુકવણી ₹20,000થી વધુ થાય, તો પેઢીએ તે રકમ પર 10% દરે TDS કપાત કરવી પડશે. જોકે, ભાગીદારોને મળતી નફાની ફાળવણી (Profit Share) કે જે ભાગીદારના હાથમાં કરમુક્ત છે તેની ચુકવણી પર આ કલમ લાગુ પડતી નથી, જે બાબત ખાસ નોંધપાત્ર છે.
TAN ફરજિયાત
આ કલમ હેઠળ TDS કાપવા માટે ભાગીદારી પેઢી પાસે TAN (Tax Deduction and Collection Account Number) હોવું ફરજિયાત છે. જો પેઢી પાસે TAN ન હોય, તો તાત્કાલિક અરજી કરવાની જરૂર રહેશે.
ચલણ ભરવાની સમયમર્યાદા
ભાગીદારોને જે મહિનામાં ચુકવણી કરવામાં આવે, તે મહિનો પૂરો થયા પછી 7 દિવસમાં TDSનું ચલણ ભરવાનું રહેશે. માત્ર માર્ચ મહિનાની ચુકવણી માટે ચલણ ભરવાની મુદત 30 દિવસ રહેશે. સમયસર ચલણ ન ભરવામાં આવે તો દર મહિને 1.5% વ્યાજ ચૂકવવું પડશે.
TDS રિટર્ન અને દંડ
દરેક ભાગીદારને થયેલી ચુકવણી અને ભરેલ TDSની વિગતો સાથે 31 મે સુધી TDS રિટર્ન ફાઇલ કરવી ફરજિયાત રહેશે. જો રિટર્ન મોડું ભરવામાં આવે તો દરરોજ ₹200 લેટ ફી ચૂકવવાની જોગવાઈ છે.
TDS ન કાપવામાં આવે તો ભારે નુકસાન
જો પેઢી ઉપરોક્ત ચુકવણી પર TDS ન કાપે, તો તે ચુકવણીનો 30% ખર્ચ આવકવેરામાં માન્ય નહીં ગણાય. પરિણામે પેઢી પર વધારાનો કરભાર તેમજ દંડની જવાબદારી ઊભી થઈ શકે છે.
ભાગીદારોને મળશે લાભ
જેનાં નામે TDS કપાયો હશે તે ભાગીદાર પોતાનું આવકવેરા રિટર્ન ફાઇલ કરીને TDSનું રિફંડ મેળવી શકશે અથવા તે રકમને ચૂકવવાના ટેક્સ સામે એડજસ્ટ કરી શકશે.
PAN–AADHAR લિંક ફરજિયાત
TDS કપાત માટે ભાગીદારનું PAN અને AADHAR લિંક હોવું ફરજિયાત છે. જો PAN–AADHAR લિંક ન હોય, તો પેઢીને 20% દરે TDS કાપવો પડશે.
નિષ્ણાતોની સલાહ
આવકવેરા નિષ્ણાતોનું માનવું છે કે આ નવી જોગવાઈને કારણે ભાગીદારી પેઢીઓની જવાબદારીઓમાં વધારો થયો છે. તેથી નાણાકીય વર્ષ 2025–26 સંબંધિત તમામ વિગતો સમયસર તૈયાર રાખવી અને વ્યાવસાયિક સલાહ લઈને અનુપાલન કરવું અત્યંત જરૂરી બન્યું છે.
(લેખક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને જુનાગઢ ખાતે ઇન્કમ ટેક્સની પ્રેક્ટીસ કરે છે)
