“Incomе Tax Act, 2025” – કાયદામાં સરળતા લાવવાનો મુખ્ય હેતુ!!

0
Spread the love
Reading Time: 4 minutes

નવો ઇન્કમ ટેક્સ કાયદાઓ એ Old Wine in a New Bottle સાબિત થશે કે સરળતા એ કાયદાને સાર્થક બનાવશે?

જુના ઇન્કમ ટેક્સ કાયદામાં રહેલ જોગવાઈઓને મહદ્દઅંશે જાળવી રાખવામાં આવેલ છે. કાયદો વાંચન અને અર્થઘટનમાં સરળ બને તે માટે અમુક બિનઉપયોગી જોગવાઈઓ હટાવી, વિવિધ કલમોને વ્યવસ્થિત કરી કાયદાની રચના કરવામાં આવેલ છે.  

તા. 04.09.2025: ભારતમાં Income Tax Act, 1961 કાયદો હાલ લાગુ છે. આ કાયદો છેલ્લા છ દાયકા જેવા સમયથી અમલી હતો. છ દાયકા જુના આ કાયદામાં સતત ફેરફારો કરી નવી કલમો, નિયમો ઉમેરવામાં આવેલ હતા. વિવિધ પરંતુક ઉમેરી આ કાયદામાં છ દાયકામાં અનેક ફેરફારો કરવામાં આવ્યા હતા. કોર્ટના વિવિધ આદેશ પ્રમાણે તો ક્યારેક બજેટમાં જરૂરી ફેરફાર કરવાના કારણે આ કાયદામાં વારંવાર અને નિરંતર ફેરફારો કરવામાં આવ્યા હતા. છેલ્લા છ દાયકાથી થયેલ આ કાયદાકીય સુધારાઓને કારણે ઇન્કમ ટેક્સ એક્ટ વાંચનમાં તથા અર્થઘટન કરવામાં ખુબ જટિલ બની ગયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી ઇન્કમ ટેક્સ કાયદાને ફરી ઘડવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી હતી. હવે ૨૦૨૫ માં અંતે આ માંગ સ્વીકારી કેન્દ્ર સરકાર દ્વારા ઇન્કમ ટેક્સ એક્ટ ૧૯૬૧ ના સ્થાને ઇન્કમ ટેક્સ એક્ટ ૨૦૨૫ લાગુ કરવામાં આવ્યો છે. નવા ભારતની જરૂરિયાતને અનુરૂપ બનાવવામાં આવેલ આ કાયદામાં રહેલ મહત્વની જોગવાઈને સરળ ભાષામાં સમજવા આ લેખમાં પ્રયાસ કરીશું.

૦૧ એપ્રિલ ૨૦૨૬ થી થશે લાગુ:

ઇન્કમ ટેક્સ એક્ટ ૧૯૬૧ ના સ્થાને પસાર કરવામાં આવેલ આ કાયદો ઇન્કમ ટેક્સ એક્ટ ૨૦૨૬ એ ૦૧ એપ્રિલ ૨૦૨૬ થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.

જુના કાયદાનું પુનઃલેખન– 80૦ થી વધુ કલમપેટા કલમ માંથી માત્ર 536 કલમ

  • જૂના અધિનિયમમાં આશરે 800+ કલમ અને 47 ચેપ્ટર હતા, જ્યારે 2025 ના આ નવા ઇન્કમ ટેક્સ કાયદામાં 536 કલમ, 23 ચેપ્ટર અને 16 શેડ્યુલો છે. આથી કાયદાની શબ્દ સંખ્યામાં લગભગ 40-50% કમી થઈ છે.
  • સંસદમાં ઇન્કમ ટેક્સ બીલ ૨૦૨૫ પ્રથમવાર ફેબ્રુઆરી 2025માં રજૂ કરવામાં આવ્યું હતું. આ કાયદા બાબતે લોકો પાસેથી અનેક સૂચનો આવ્યા હતા. આ અંગે પુખ્ત વિચારણા પછી અને સિલેક્ટ કમિટીનો રિપોર્ટ આવ્યા પછી, ઇન્કમ ટેક્સ બીલના જૂના ડ્રાફ્ટને પાછો લઇ સંસદના ચોમાસું સત્રમાં ફરી નવો ડ્રાફ્ટ રજુ કરવામાં આવ્યો હતો. આ સુધારેલા ડ્રાફ્ટને ચર્ચાના અંતે અમુક સુધારા સાથે 21 ઓગસ્ટ 2025ના રોજ અધિનિયમ તરીકે સ્વીકારવામાં આવ્યો છે.

હવે ટેક્સ ઇયર”; “પ્રિવિયસઅને અસેસમેન્ટ ઈયરનો અંત

  • જૂની પદ્ધતિમાં “Previous Year” અને “Assessment Year” જેવા જુદા શબ્દ દ્વારા ઇન્કમ ટેક્સનો સમયગાળો નક્કી કરવામાં આવતો હતો. આ શબ્દોના કારણે અનેક વાર કરદાતાઓથી ભૂલ થવાની સંભાવના રહેતી હતી. હવે “પ્રીવ્યસ ઈયર” અને “એસેસમેન્ટ ઈયર” ની ગૂંચવડની જગ્યાએ “ટેક્સ ઈયર” ની સરળતા કરદાતા માટે ઉપયોગી બનશે. આ સરળતાના કારણે ઇન્કમ ટેક્સની વિવિધ વિધિઓ, રીટર્ન, પ્રોસેસિંગ વગેરે સરળ બનશે.

મધ્યમ વર્ગને મોટી રાહત

  • નવા ઇન્કમ ટેક્સ કાયદામાં પણ ₹12 લાખ સુધીની આવકને સંપૂર્ણ રીતે કરમુક્ત રાખવામાં આવેલ છે. Standard deduction ₹75,000 ની મર્યાદાઓ પણ પગારદાર માટે અને પેન્શનાર્થીઓને માટે જાળવી રાખવામાં આવેલ છે. કલમ Section 87A હેઠળના રીબેટ કઈ આવક બાબતે મળે અને કઈ આવક બાબતે નાં મળે તે શરતો જુના કાયદાની જેમ આ કાયદામાં પણ ચાલુ રાખવામાં આવેલ છે.

ફેસલેસ કાર્યવાહીઓ, ડિજિટલ પ્રકીર્યાઓ અને વિધિઓને મહત્વ:

  • છેલ્લા ઘણા સમયથી ઇન્કમ ટેક્સ કાયદામાં મોટાભાગની પ્રક્રિયાઓ ફેસલેસ ધોરણે કરવામાં આવી રહી છે. ઇન્કમ ટેક્સ એક્ટ ૨૦૨૫ માં સરકારનો આ અભિગમ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલ છે અને મોટાભાગની વિધિઓ ડીજીટલ અને કાર્યવાહીઓ ફેસલેસ રાખવામાં આવેલ છે. કાયદા હેઠળની પ્રક્રિયાઓ ફેસલેસ કરવા અંગે સરકારનો હેતુ કરદાતાઓને ઇન્કમ ટેક્સ ઓફિસો સુધી ખાવાના થતા ધક્કા ઓછા કરવા અને વિવિધ કાર્યવાહીમાં થતા ભ્રષ્ટાચાર દુર કરવાનો ગણી શકાય.

ઇન્કમ ટેક્સ હેઠળ નવા દરોને બનાવવામાં આવ્યા છે ડીફોલ્ટ: છતાં જુના દરોની સ્કીમનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે શરુ:

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ છેલ્લા ઘણા સમયથી કરદાતાઓને નવા ટેક્સ રેઈટ અને જુના ટેક્સ રેઈટ એમ બે વિકલ્પ આપવામાં આવે છે. કરદાતા નવા ટેક્સ રેઈટ સ્વીકારે તો તેમાં મહદ્દઅંશે કોઈ કપાત-કરમુક્તિઓ બાદ મળતી હોતી નથી પરંતુ આ વિકલ્પ સ્વીકારવામાં ટેક્સના દરો રાહતકારક હોય છે.  જયારે જુના ટેક્સ રેઈટ સ્વીકારવામાં આવે તો કરદાતાને પોતાના રોકાણ અંગે કરકપાતો તથા કરમુક્તિઓ મળતી હોય છે. પરંતુ આ જુના ટેક્સ રેઈટમાં વેરાના દરો થોડા ઉચા હોય છે. આ પ્રકારની પદ્ધતિ છેલ્લા ઘણા વર્ષોથી લાગુ છે. નવા ઇન્કમ ટેક્સ કાયદામાં પણ આ બન્ને વિકલ્પ ચાલુ રાખવામાં આવ્યા છે.

TDS ની જોગવાઈઓ નું સરળીકરણ

હાલ, ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ TDS ની જોગવાઈઓ માટે ઘણી અલગ અલગ કલમ-જોગવાઈઓ લાગુ છે. નવા ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ માત્ર એક જ કલમ (કલમ ૩૯૩) હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, TDS ને લગતી જોગવાઈઓના અનુપાલનમાં કરદાતાઓને સરળતા રહેશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

ડિજિટલ એસેટ્‍સ: વર્તમાન અને ભવિષ્યને ધ્યાને રાખી કરવામાં આવી છે જોગવાઈ

  • નવા કાયદા હેઠળ હવે “Undisclosed income”માં ફક્ત રોકડ, સોનાં કે જ્વેલરી જ નહિ— હવે Virtual Digital Assets (જેમ કે cryptocurrency, NFT) નો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
  • નવા કાયદામાં અધિકારીને ઈ-સમાચાર, સોશિયલ મિડિયા વિશે પણ પુછપરછ કરવાની સત્તા આપવામાં આવી છે. જુના કાયદામાં આ બાબતે સ્પષ્ટ સત્તા આપવામાં આવેલ ના હતી.

સ્પષ્ટ ભાષા કાયદાની ભાષામાં સરળતા

  • ઇન્કમ ટેક્સ કાયદા ૨૦૨૫ લાગુ કરવાનો મુખ્ય હેતુ કાયદાની ભાષામાં સરળતા અને જોગવાઈઓમાં સુમેળ લાવવાનો ગણી શકાય. જુના કાયદામાં રહેલ ટેકનીકલ ભાષાના સ્થાને કાયદાની ભાષા સરળ બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

નવો ઇન્કમ ટેક્સ કાયદો: Old Wine in a New Bottle??

છ દાયકા જુના ઇન્કમ ટેક્સ કાયદાના સ્થાને નવો કાયદો લાગુ કરવાના આ પ્રયાસને ઘણા ટેક્સ નિષ્ણાંતો Old Wine in a New Bottle જ ગણી રહ્યા છે. આ ગણવાનું કારણ એ છે કે આ નવા ઇન્કમ ટેક્સ કાયદામાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી. જૂની-પુરાની કલમો કે જે ખાસ ઉપયોગમાં નહતી તેને હટાવવામાં આવી છે. અમુક જોગવાઈ વધુ તર્ક સંગત રીતે કાયદામાં લખવામાં આવી છે. કાયદાની જટિલ શબ્દોના સ્થાને સરળ શબ્દો ઉપયોગ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. નવા ઇન્કમ ટેક્સ કાયદામાં કલમોની સીરીઝ ચોક્કસ બદલાઈ ગઈ છે પરંતુ આ કાયદામાં કોઈ ખાસ નીતિવિષયક ફેરફારો કરવામાં આવેલ નથી. જો કે અનેક એવા ટેક્સ નિષ્ણાંતો છે જેઓ માને છે કે આ કાયદામાં મૂળભૂત ફેરફારો કરવાના સ્થાને સરળતા લાવવા જે તાર્કિક ફેરફારો કરવામાં આવ્યા છે તે યોગ્ય છે. જો ઇન્કમ ટેક્સ કાયદામાં મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા હોત તો કાયદાના અર્થઘટનમાં ઉપયોગી એવા અનેક જુના કોર્ટના મહત્વના ચુકાદોની અસર સંપૂર્ણ પણે નાબુદ થઇ જાત. હાલ લાવવામાં આવેલ ઇન્કમ ટેક્સ કાયદામાં અગાઉના મહત્વના કોર્ટના ચુકાદો ફાયદારૂપ થશે તેવું ઘણા નિષ્ણાંતો માની રહ્યા છે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 01 સપ્ટેમ્બર 2025 ના રોજ પ્રકાશિત થયેલ છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!