રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલ દસ્તાવેજોની ઇન્કમ ટેક્સ દ્વારા ચકાસણી

મળતી માહિતી મુજબ 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી કરી વ્યવહારોની વિગતો મેળવવામાં આવી.
તા. 31.07.2025: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા રાજકોટ સબ રજીસ્ટ્રાર ઓફિસ રાજકોટ ખાતે નોંધાયેલ દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હોવાની વિગતો બહાર આવી રહી છે. મળતી વિગતો મુજબ 30 લાખ ઉપરની રકમના નોંધાયેલ દસ્તાવેજોની વિગતોની ચકાસણી હાથ ધરવામાં આવેલ છે. ખરીદનર, વેચનારની વિગતો, મિલ્કત બાબતે કરવામાં આવેલ ચુકવણીની વિગત આ તપસ દરમ્યાન મેળવવામાં આવેલ હોવાની વિગતો બહાર આવી રહી છે. જંત્રીથી નીચે કરવામાં આવેલ દસ્તાવેજો, ઇન્કમ ટેક્સ કાયદાની જોગવાઈથી વિરુદ્ધ મોટી રકમની રોકડમાં થયેલ ચુકવણી જેવી બાબતો ની વિગતોના કારણે ભવિષ્યમાં કરદાતાઓ પર કાર્યવાહી થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. આ તપાસથી બિલ્ડર લોબી તથા સ્થાવર મિલ્કતમાં રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાની માહિતી બહાર આવી રહી છે. આ પ્રકારની તપાસમાં ક્યારેક સ્થાવર મિલ્કતની ખરીદી-વેચાણ કરનાર નાના કરદાતાઓ પણ ઝપટે ચડી શકે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. આ પ્રકારની તપાસ અન્ય સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં પણ થઈ શકે છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે