ઇન્કમ ટેક્સ રિટર્નની મુદતમાં કરવામાં આવ્યો 7 દિવસનો વધારો
30 સપ્ટેમ્બરે અપલોડ કરવાના થતાં ઓડિટ રિપોર્ટની મુદતમાં કરવામાં આવેલ 7 દિવસના વધારાને અનુષંગીક વધારો રિટર્નની મુદતમાં થયો જાહેર
તા. 27.10.2022: ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસ (CBDT) દ્વારા પરિપત્ર બહાર પાડી, ઓડિટને પાત્ર હોય તેવા કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદતમાં 7 દિવસનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. હવે ઓડિટને પાત્ર કરદાતા પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન 31 ઓક્ટોબરના સ્થાને 07 નવેમ્બર સુધી ભર શકશે. CBDT દ્વારા તા. 26.10.2022 ના રોજ પરિપત્ર 20/2022 બહાર પાડી મુદતમાં આ વધારો જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઓડિટને પાત્ર હોય તેવા ઓડિટ રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવાની મુદત 30 સપ્ટેમ્બરની હોય છે. આ મુદતમાં ઇન્કમ ટેક્સ પોર્ટલમાં આવેલ ટેકનિકલ ક્ષતિના કારણે 7 દિવસનો વધારો કરવામાં આવ્યો હતો. ઓડિટ રિપોર્ટની મુદતમાં કરવામાં આવેલ આ વધારાને અનુષંગીક વધારો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં કરવામાં આવ્યો છે તેવું આ પરિપત્રમાં જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે મુદત વધારા માટે આજીજી કરતાં કરદાતાઓ તથા કર વ્યાવસાયીઓ માટે જ્યારે કોઈ પણ જાતની રજૂઆત વગર આ વધારા અંગેનો પરિપત્ર સુખદ આશ્ચર્ય સમાન રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે