જુલાઇ મહિનો શરૂ પણ ITR 2, 3 અને 5 ઇન્કમ ટેક્સ રિટર્ન શરૂ થવાના હજુ છે બાકી!!

- ભવ્ય પોપટ , એડવોકેટ
ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર હાલ માત્ર ITR 1 અને ITR 4 જ થયા છે ચાલુ
તા. 08.07.2025
નાણાકીય વર્ષ 2024-25 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો સમય સામાન્ય રીતે 31 જુલાઇ 2025 સુધીનો રહેતો હોય છે. જો કે ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા આ મુદતમાં અગાઉ જ વધારો કરી આ મુદત 15 સપ્ટેમ્બર કરવા જાહેરાત કરવામાં આવેલ છે. પરંતુ નવાઈની વાત એ છે કે હાલ જુલાઇ મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં પણ ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ઇન્કમ ટેક્સના ITR 1 તથા ITR 4 સિવાયના કોઈ પણ ઇન્કમ ટેક્સ રિટર્ન હજુ શરૂ કરવામાં આવેલ નથી.
હાલ માત્ર ITR 1 અને ITR 4 ભરી શકે છે કરદાતાઓ:
ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર હાલ કરદાતાઓ માત્ર ITR 1 તથા ITR 4 ભરી શકે છે. ITR 1 એવા કરદાતાઓ માટે છે જે કરદાતાઓની માત્ર આવક પગારની તથા બેન્ક વ્યાજની છે. આ રિટર્ન માત્ર “રેસિડંટ” (રહીશ) કરદાતા જ ભરી શકે છે. જે કરદાતા બિન રહીશ હોય, જેઓની કોઈ મૂડી નફા (કેપિટલ ગેઇન) માંથી આવક હોય તેવા કરદાતાઓ ITR 1 ભરી શકે નહીં.
આવી રીતે અંદાજિત આવક યોજના હેઠળ ધાંધાની આવક ધરાવતા કરદાતા ITR 4 ભરી શકે છે. 2 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા માન્ય ધંધાના કે જેઓ વ્યક્તિગત કરદાતાઓ હોય, HUF હોય અથવાતો ભાગીદારી પેઢીના કરદાતાઓ હોય તેઓ ITR 4 ભરવા હક્કદાર હોય છે. આવી રીતે વ્યવસાયીઓ (પ્રોફેશનલ્સ) હોય તેઓ 50 લાખ સુધીની ગ્રોસ રિસીપ્ટ ધરાવતા હોય તો ITR 4 ભરવા હક્કદાર હોય છે. અંદાજિત આવક સિવાયની ધંધાકીય આવક ધરાવતા કરદાતાઓ ITR 4 ની જગ્યાએ વ્યક્તિગત કરદાતા હોય તો ITR 4 તથા ભાગીદારી પેઢી હોય તો ITR 5 ભરવા જવાબદાર બને છે.
ITR 2, ITR 3 તથા ITR 5 શરૂ ના થયા હોવાના કારણે અનેક ઇન્કમ ટેક્સ રિટર્ન છે હજુ ભરવાના બાકી!!
ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની શરૂઆત સામાન્ય રીતે 01 એપ્રિલથી થવી જોઈએ. પરંતુ આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી (05.07.2025 સુધી) ITR-2, ITR 3 કે ITR 5 હજુ શરૂ થયા ના હોવાના કારણે અનેક રિટર્ન ભરવાના પેન્ડિંગ છે. જો કે આ સિવાયના ITR 6 અને ITR 7 પણ હજુ શરૂ કરવામાં આવ્યા નથી પરંતુ આ ITR 6 અને ITR 7 અને ITR 5 ભરતાં કરદાતાઓ મોટાભાગે ઇન્કમ ટેક્સ હેઠળ ઓડિટ કરાવવા જરૂરી હોય આ રિટર્ન ભરવામાં હજુ લાંબી મુદત બાકી છે. પરંતુ ઓડિટ ન લાગુ પડતું ના હોય તેવા કરદાતાઓ માટે તો આ રિટર્ન ભરવાની ઘણી ઓછી મુદ્દત બાકી છે.
ITR 1 તથા ITR 4 સિવાયના રિટર્ન શરૂ ના થવાના કારણો અંગે કારણ સમજવું છે મુશ્કેલ:
ITR 1 તથા ITR 4 સિવાયના ઇન્કમ ટેક્સ રિટર્ન શરૂ ના થવાના કારણો અંગે કારણો અંગે કરદાતાઓ અને ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સના મનમાં સવાલથી રહ્યા છે. ITR 2 તથા ITR 3 રિટર્ન શરૂ ના થયા હોવાના કારણે અનેક કરદાતાઓના રિટર્ન પણ ભરવાના બાકી રહ્યા છે. સામાન્ય રીતે “સેલ્ફ એસેમેંટ ટેક્સ” કરદાતાઓ રિટર્ન સાથે જ ભરતાં હોય, આ રિટર્ન શરૂ ના થયા હોવાના કારણે સરકારી તિજોરીને પણ ખાસ્સું નુકસાન થયું હોય તે વાત સમજી શકાય તેવી છે. ITR 1 અને ITR 4 લાંબા સમય પહેલા શરૂ કરી આપવામાં આવેલ હોય, તે સિવાયના ફોર્મ્સ કે હજુ શરૂ થયા નથી તે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
કરદાતા રિટર્ન ભરવામાં મોડુ કરે તો લેઇટ ફી લાગે પણ પોર્ટલ ઉપર રિટર્ન મોડુ શરૂ થાય તો જવાબદાર ઉપર લાગશે લેઇટ ફી??
કરદાતાઓ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન મોડુ ભારે તો 10000/- સુધીની લેટ ફી લાગુ પડતી હોય છે. હવે જ્યારે રિટર્ન શરૂ કરવામાં જ આટલી બધી વાર લાગી હોય તો શું આ રિટર્ન મોડુ શરૂ કરવા જવાબદાર લોકો ઉપર શું પેનલ્ટી લાગશે??? આ પ્રશ્ન કરદાતાઓમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. જો કે આ બાબતે અનુભવ રહ્યો છે કે ભૂલો માટે જેટલા જવાબદાર કરદાતાઓને બનાવવામાં આવે છે તેટલી જવાબદારી અધિકારીઓ કે સલગ્ન કંપનીઓ ઉપર નાંખવામાં આવતી હોતી નથી. રિટર્નની સંપૂર્ણ વિગતો તૈયાર હોવા છતાં અનેક રિટર્ન ભરવાના હાલ બાકી છે તેવી માહિતી જમીની સ્તરે મળી રહી છે.
ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની શરૂઆત સામાન્ય રીતે 01 એપ્રિલ 2025 થી થઈ જવી જોઈએ. આ તારીખથી જેટલું મોડુ રિટર્ન ભરવાની શરૂઆત કરવામાં આવે તેટલી મુદતમાં વધારો આપો આપ કરી આપવો જોઈએ તેવું માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક ચુકાદામાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. હવે જ્યારે આ રિટર્ન શરૂ કરવામાં ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો હોય રિટર્ન ભરવાની મુદતમાં 15 સપ્ટેમ્બર 2025 થી પણ વધુ વધારો જાહેર કરવામાં આવે તો નવાઈ નહીં !! પણ આ સાથે આ પ્રશ્ન તો હજુ ચર્ચાનો વિષય રહે જ છે કે ITR 2 તથા ITR 3 તથા ITR 5 શરૂ કરવામાં આટલા વિલંબનું કારણ શું???