જી.એસ.ટી. ૨.૦ લાગુ થયા બાદ ઈનપુટ ટેક્સ ક્રેડીટ અંગે આ બાબતો જાણવી છે જરૂરી!!

0
Spread the love
Reading Time: 3 minutes

-By Bhavya Popat, Advocate

તા. ૨૧.૧૧.૨૦૨૫: જી.એસ.ટી. કાયદા હેઠળ ૨૨ સપ્ટેમ્બરથી ખુબ મોટા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. આ ફેરફારોમાં મોટાપ્રમાણમાં વસ્તુ અને સેવાઓના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ

ફેરફારોને જી.એસ.ટી. ૨.૦ તરીકે ઓળખવામાં આવે છે. મોટા પ્રમાણમાં જી.એસ.ટી. ના દરોમાં ફેરફાર થતા ઈનપુટ ટેક્સ ક્રેડીટ બાબતે અમુક મહત્વની બાબત જાણવી કરદાતાઓ માટે ખુબ જરૂરી છે. આ અંગે પ્રશ્નો ટેક્સ પ્રોફેશનલ્સના મનમાં પણ ઉઠી રહ્યા છે. આ બાબતે ચર્ચા કરવા આ લેખમાં પ્રયાસ કરવામાં આવેલ છે.

જે વસ્તુ કે સેવા ઉપર અગાઉ ટેક્સ લાગુ હતો અને જી.એસ.ટી. ૨.૦ માં દર શૂન્ય થયો હોય ત્યારે:

જી.એસ.ટી. ૨.૦ માં ઘણી એવી ચીજ વસ્તુ અને સેવા છે જેના ઉપર ૨૧ સપ્ટેમ્બર સુધી ટેક્સ લાગુ હતો પરંતુ ૨૨ સપ્ટેમ્બરથી તેઓનો માલ કે સેવા કરમુક્ત બની ગઈ છે. આ સંજોગોમાં કરદાતાઓએ આ માલ કે સેવા ઉપર અગાઉ મેળવેલ અને જે માલ સ્ટોકમાં રહેલ છે તેવા માલની ઈનપુટ ટેક્સ ક્રેડીટ રીવર્સ કરવી જરૂરી બને છે. આ રિવર્સલ ITC ૦૩ દ્વારા કરવાનું રહે છે. આ રિવર્સલ કરવામાં કરદાતાએ જી.એસ.ટી. નંબર પ્રમાણે અને ઇન્વોઇસ પ્રમાણે સ્ટોકમાં રહેલ વસ્તુની વિગતો પોર્ટલ પર આપવાની રહે છે. આ વિગતો ઉપરથી રીવર્સ કરવાની ક્રેડીટની રકમ નક્કી થતી હોય છે. આ તકે એ જાણવું પણ જરૂરી છે કે આ ફોર્મ ભરવામાં આવે ત્યારે જે રકમ રીવર્સ કરવાની નક્કી થાય તે ક્રેડીટ લેજરમાં હોય તે જરૂરી નથી. આ રીવર્સ કરવાની રકમ જો ક્રેડીટ લેજરમાં નાં હોય કે ઓછી હોય તો કરદાતાએ કેશ લેજરમાંથી એટલે કે ચલણ દ્વારા રકમ ભરવાની પણ થતી હોય છે.

જે માલ કે સેવા પર અગાઉ ઉચા દરે ટેક્સ લાગુ હતો અને તેના ટેક્સમાં ઘટાડો થયેલ હોય:

જી.એસ.ટી. ૨.૦ માં ઘણી એવી ચીજ વસ્તુ અને સેવા છે જેના વેરાના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે પણ શૂન્ય કરવામાં આવ્યા નથી. આ પ્રકારના માલ કે સેવા માટે કરદાતાને કોઈ રીવર્સલ કરવાની જરૂર નથી. તેઓએ સ્ટોકમાં રહેલ માલ ઉપર સંપૂર્ણ ક્રેડીટ મેળવવા હક્કદાર રહેશે જ. ઘણા કરદાતાઓમાં એવી માન્યતા છે કે વેરાનો દર ઘટતા તેઓ ક્રેડીટ રીવર્સ કરવા જવાબદાર બને છે જે બાબત સાચી નથી. વેરાના દરમાં ઘટાડો થાય ત્યારે રીવર્સલનો પ્રશ્ન ઉભો થતો નહિ. માત્ર વેરાનો દર જયારે શૂન્ય કરવામાં આવ્યો હોય તો જ ક્રેડીટ રીવર્સલ નો પ્રશ્ન ઉભો થાય છે. જો કે વેરામાં ઘટાડો થતા મોટી રકમની ક્રેડીટ જમા રહી જતી હોય તો પણ રીફંડ મેળવવાનો હક્ક રહેશે નહિ એ જાણવું પણ એટલું જ મહત્વનું છે.

જે માલ કે સેવાના દરમાં વેરા ઘટાડા સાથે ઈનપુટ ટેક્સ ક્રેડીટ મેળવવા બાધ કરવામાં આવ્યો હોય:

જી.એસ.ટી. ૨.૦ માં અમુક માલ અને સેવા એવી છે કે જેના વેરાના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ સાથો સાથ આ માલ કે સેવા માટે ઈનપુટ ટેક્સ ક્રેડીટ આપવામાં આવશે નહિ તેવી પણ શરત ઉમેરવામાં આવી છે. હોટેલ ઇન્ડસ્ટ્રી માટે GST 2.0 માં આ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે. 22 સપ્ટેમ્બર, 2025થી ૭૫૦૦ સુધીના રૂમ ટેરીફ પર વેરાનો દર ૧૨% થી ઘટાડી ૫% કરવામાં આવ્યો છે પરંતુ સાથો સાથ એવી શરત પણ ઉમેરવામાં આવેલ છે કે આ પ્રકારની સેવા આપવામાં લાગુ કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડીટ લેવાની રહેશે નહિ. આ બદલાવ પછી હોટેલ ઉદ્યોગમાં એક મુખ્ય ચર્ચા શરૂ થઈ છે.

શું હોટેલિયર્સ 22 સપ્ટેમ્બર, 2025 પછી પણ પોતાની ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં પડેલી જૂની ITC નો ઉપયોગ કરી શકે?

શું જૂની ITC નો ઉપયોગ કરી શકાય? – હા, સંપૂર્ણપણે શક્ય છે

GST કાયદાના નિયમો અનુસાર, ખાસ કરીને CGST Act, Section 18 અને Section 49, માત્ર અવેલેબિલિટી ઓફ ITC પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવી ITC કરદાતા મેળવી શકે નહીં, પરંતુ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં 22 સપ્ટેમ્બર, 2025 પહેલાં પડેલી ITC નો વપરાશ કરી શકાય છે તેવો લેખકનો અભિપ્રાય છે. જો કે આ બાબતે ઘણા અલગ અલગ અભિપ્રાય ટેક્સ પ્રોફેશનલ્સમાં પણ ચર્ચા જગાવી રહ્યા છે. આ બાબતે સ્પષ્ટ ખુલાસો સરકાર દ્વારા કરવામાં આવે તે જરૂરી છે. જો આમ નહિ કરવામાં આવે તો ભવિષ્યમાં આ અંગે આકારણીમાં ઘણી તકરારો ઉભી થઇ શકવાની શક્યતા નકારી શકાય નહિ.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. ૧૭.૧૧.૨૦૨૫ ના રોજ પ્રકાશિત થયેલ છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!