શું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 31 ઓગસ્ટ સુધી વધી ગઈ??
વિવિધ સમાચાર માધ્યમોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદ્દત વધી હોવાના ખોટા સમાચાર થયા છે પ્રસિદ્ધ
તા. 22.07.2024: ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ છે. આ મુદતમાં વધારો કરવામાં આવ્યો છે તે અંગે અમુક જાણીતા સમાચાર માધ્યમોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા છે. આ કારણે ઘણા કરદાતા અને ટેક્સ પ્રોફેશનલ્સ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત વધી ગઈ છે તેવું માની રહ્યા છે. પરંતુ આ અંગે કોઈ નોટિફિકેશન ઇન્કમ ટેક્સની અધિકારીક વેબસાઇટ ઉપર થયેલ નથી ના તો આ અંગે કોઈ ઇન્કમ ટેક્સના આધિકારિક હેન્ડલ ઉપર ટ્વિટ પણ કરવામાં આવેલ નથી. આમ, જ્યાં સુધી આધિકારિક રીતે આ અંગે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા જાહેરાત કરવામાં ના આવે ત્યાં સુધી રિટર્ન ભરવાની મુદતમાં કોઈ વધારો થયો છે તેવું માનવું ભૂલ ભરેલું છે. આ અંગે વાત કરતાં જેતપુરના જાણીતા એડવોકેટ લલિત ગણાત્રા જણાવે છે કે “ઇન્કમ ટેક્સ પોર્ટલ છેલ્લા ઘણા સમયથી વ્યવસ્થિત ચાલતું ના હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ કારણે ઇન્કમ ટેક્સ રિટર્નની મુદત્ત માં વધારો કરવો જરૂરી લાગી રહ્યો છે. પરંતુ ઇન્કમ ટેકસ ડિપાર્ટમેંટની આ બાબતેનો ઇતિહાસ જોતાં આ વધારાની જાહેરાત વહેલા કરવામાં આવે તેની શક્યતા ખૂબ ઓછી છે. મુદતમાં વધારો થાય તો પણ આની જાહેરાત 31 જુલાઇ પહેલા થાય તેની શક્યતા ખૂબ ઓછી છે.”
ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદ્દતમાં વધારો કરતી આધિકારિક કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જ્યાં સુધી આધિકારિક જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી આ મુદત વધારાના સમાચારો ઉપર ધ્યાન ના આપી, ટેક્સ પ્રોફેશનલ્સ માટે સાઇટ જેવી ચાલે તેવી, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું ચાલુ રાખવું જરૂરી છે. જ્યારે કરદાતા કે જેઓના ઇન્કમ રિટર્ન ભરવાના બાકી હોય તેઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી આપવા જોઈએ. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે