ઇન્કમટેક્સ પોર્ટલ પર ટેકનિકલ ખામીઓથી કરદાતાઓને થતી અસુવિધા થી કરદાતા અને વકીલ આલમ પરેશાન…

(પ્રતિનિધિ દ્રારા)
છેલ્લા ઘણા વર્ષોથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઇન્કમટેક્સના ફોર્મ અને યુટિલિટીઓ સમયસર પૂરી પાડવામાં આવતી હતી, જેથી કરીને કરદાતાઓ પોતાના આવકવેરા રિટર્ન સમયસર ફાઈલ કરી શકતા અને નિર્ધારિત તારીખ પહેલાં કામ પૂર્ણ થઈ જતું. પરંતુ આ વર્ષે ઇન્કમટેક્સ વિભાગે રિટર્નના ફોર્મ અને યુટિલિટી તૈયાર કરવામાં નોંધપાત્ર મોડું કર્યું છે.
અભિવક્તા ઉત્કર્ષ મંડળના પ્રમુખ અને ખ્યાતનામ ટેક્ષ એડવોકેટ હર્ષદ ઓઝાએ જણાવ્યું કે હાલ ITD પોર્ટલ પર ચાલી રહેલા આંતરિક ફેરફારોને કારણે AIS (Annual Information Statement) અને TIS (Taxpayer Information Summary) ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ નથી. સાથે જ વારંવાર પોર્ટલ ઉપર અચાનક સુધારા કરવામાં આવે છે, પરંતુ તેની આગોતરી જાણ ન તો કરદાતાઓને આપવામાં આવે છે અને ન તો વકીલ બાર એસોસિએશનને.
આ અચાનક થતા સુધારાઓને કારણે કરદાતા અને એકાઉન્ટન્ટ મિત્રો પોતાના ધંધા-વ્યાપારનું કામ છોડીને વકીલની ઓફિસે પહોંચે છે, ત્યારે માલુમ પડે છે કે ઇન્કમટેક્સની વેબસાઈટ કાર્યરત નથી. પરિણામે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે, ભીડભાડ સર્જાય છે અને સમય તથા શક્તિનો વ્યય થાય છે.
હાલમાં વેબસાઈટ ફરીથી ક્યારે કાર્યરત થશે તેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, જેના કારણે બિનજરૂરી મુશ્કેલીઓ વધી રહી છે. તેથી માંગ કરવામાં આવે છે કે એક વાર તારીખ, ફોર્મ અને યુટિલિટી ડિઝાઇન નક્કી થયા પછી અધવચ્ચે સુધારા ન કરવા, અને ખૂબ જરૂરી હોય તો વકીલ બાર એસોસિએશન તથા કરદાતાઓને આગોતરી જાણ કરવા. તેમજ આ અનાપેક્ષિત સમયના વ્યયના વળતર સ્વરૂપે ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખમાં તાત્કાલિક મુદત વધારો જાહેર કરવો જોઈએ.
તારીખ: 13/08/2025
અભિવક્તા ઉત્કર્ષ મંડળ
www.harshadkumarvoza.wordpress.com
TAX~ADVOCATE & NOTARY
HARSHADKUMAR V.OZA (M.Com.,LL.B.)
Cell Fone : 94261 76797