શું GSTR 3B માં માંગવામાં ના આવેલ હોય આમ છતાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે? મદ્રાસ હાઇ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો એક રસપ્રદ ચુકાદો

-By Bhavya Popat
તા. 07.03.2024
જી.એસ.ટી. કાયદો 01.07.2017 થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદો લાગુ થયો છે ત્યારથી “વન નેશન વન ટેક્સ” ના હેતુ સાથે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. માં અનેક વૈવિધ્યાતા જોવા મળી રહી છે. “સિમલેસ ઈન્પુટ” નો મુખ્ય હેતુ પણ આ કાયદાના પાલન દરમ્યાન ભૂલી જવામાં આવ્યો હોય તેવું જમિની સ્તરે લાગી રહ્યું છે. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રોકવા માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની સમય મર્યાદાના કારણે ઘણા વેપારીઓની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર કરી હોય તેવા દાખલા જોવા મળી રહ્યા છે. પણ આજે આ નિયમોના બદલે મદ્રાસ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ કરદાતાની તરફેણના ચુકાદા અંગે વાત કરવી છે.
મદ્રાસ હાઇકોર્ટના કેસના તથ્યો:
શ્રી શનમુગા હાર્ડવેર્સ એન્ડ ઇલેક્ટ્રિકલ્સ વી. રાજ્ય કર વેરા અધિકારી (3804/2024) ના એક કેસમાં તથ્યો એવા હતા કે વેપારી દ્વારા ભરવામાં આવેલ GSTR 3B ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાનું ચૂકી ગયા હતા. આ 3B રિટર્ન કરદાતા દ્વારા શરતચૂકથી NIL ફાઇલ થયા હતા. આમ, GSTR 3B મુજબ કોઈ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વેપારી દ્વારા માંગવામાં આવેલ ના હતી. કરદાતા દ્વારા ભરવામાં આવેલ વાર્ષિક રિટર્ન GSTR 9 માં તેઓને મળવા પાત્ર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ દર્શાવવામાં આવેલ હતી.
GSTR 3B માં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરેલ ના હોય અધિકારી દ્વારા આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ના મંજૂર કરવામાં આવી હતી. વેપારીની GSTR 9 મુજબની આઉટપુટ ટેક્સ જવાબદારી સ્વીકારવામાં આવી હતી. આમ, વેપારી ઉપર મોટું માંગણું ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રદ્દ કરતાં આદેશને વેપારી દ્વારા મદ્રાસ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
કરદાતા તરફે દલીલ:
વેપારી વતી ઉપસ્થિત એડવોકેટ દ્વારા મદ્રાસ હાઇકોર્ટના જજ સેંથિલકુમાર રામમુર્તિની “સિંગલ જજ બેન્ચ” સમક્ષ એવી દલીલ કરી હતી કે અધિકારી દ્વારા પસાર કરવામાં આવેલ તમામ વર્ષમાં કરદાતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓની આઉટ ટેક્સ લાયાબિલિટી થી વધુ થતી હતી. આમ, વેપારીએ કોઈ વેરો ભરવાનો થતો ના હતો. અધિકારી દ્વારા વેપારીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માત્ર એ જ કારણોસર ના મંજૂર કરવામાં આવેલ છે કારણકે આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ GSTR 3B રિટર્નમાં માંગવામાં આવેલ નથી.
સરકાર તરફે દલીલ:
વેપારીશ્રી પાસે આ આદેશ સામે અપીલ કરવાનો કાયદાકીય વિકલ્પ હોય, કોર્ટ દ્વારા રિટ પિટિશન સ્વીકારવી જોઈએ નહીં. આ ઉપરાંત સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે પોતાને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે છે તે સાબિત કરવાની જવાબદારી કરદાતાની છે. કરદાતાએ GSTR 3B માં આ દર્શાવેલ ના હોય આ ઈન્પુટ ટેકસ ક્રેડિટ મળી શકે નહીં.
કોર્ટનો ચુકાદો:
કોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું કે જ્યારે કરદાતા જાહેર કરે છે કે તેઓને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર છે ત્યારે અધિકારી દ્વારા માત્ર આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ GSTR3B માં દર્શાવેલ નથી તે કારણે ના મંજૂર કરવી જોઈએ નહીં. એમાં પણ જ્યારે કરદાતા દ્વારા જ્યારે GSTR 9 માં આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ દર્શાવેલ હોય અને GSTR 2A માં પણ આ ક્રેડિટ ઉપલબ્ધ હોય ત્યારે માત્ર GSTR 3B ના આધારે આ ક્રેડિટ ના મંજૂર કરવી યોગ્ય નહતી. આ કારણે અપીલનો વિકલ્પ હોવા છતાં આ આદેશમાં કોર્ટનો હસ્તક્ષેપ થાય તે જરૂરી છે.
કોર્ટ દ્વારા આદેશ કરતાં ઠરાવવામાં આવ્યું કે વેપારીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ના મંજૂર કરતાં આદેશો રદ્દ થવા પત્ર છે. વેપારી દ્વારા પોતાના ITC ને લગતા પુરાવા બે અઠવાડીયામાં અધિકારીશ્રી સમક્ષ રજૂ કરવામાં આવે અને આ પુરાવાઓ મળવાથી અધિકારી દ્વારા ઈન્પુટ ટેક્સ ક્રેડિટની વૈધતા તપાસી, વેપારીને સાંભળવાની યોગ્ય તક આપી મહત્તમ બે મહિનામાં સુધીમાં નવો આકારણી આદેશ પસાર કરવામાં આવે.
લેખકના મંતવ્યો:
આ આદેશ જી.એસ.ટી. કાયદો લાગુ થયો છે ત્યારબાદના સૌથી “બોલ્ડ” નિર્ણયમાંનો એક નિર્ણય ગણી શકાય. આ ચુકાદો મદ્રાસ હાઇકોર્ટની “સિંગલ જજ બેન્ચ” દ્વારા આપવામાં આવેલ છે. મારા વ્યક્તિગ્ત અનુભવ મુજબ આ ચુકાદાને સરકાર દ્વારા મદ્રાસ હાઇકોર્ટની “ડિવિઝન બેન્ચ” સામે પડકારવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટમાં પણ આ ચુકાદા વિરુદ્ધ અપીલ થઈ શકે છે. પરંતુ આ ચુકાદો કરદાતા તરફે ખૂબ ઉપયોગી અને જરૂરી છે. GSTR 3B માં ના દર્શાવવામાં આવેલ ના હોય તેવા ટેકનિકલ કારણોસર કરદાતાને મળવાપાત્ર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ના મંજૂર કરવામાં આવે ત્યારે કાયદાકીય રીતે સાચી હોવા છતાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોને ધ્યાને લઈએ તો તદ્દન ગેરવ્યાજબી છે. આ પ્રકારના ચૂકદાઓથી જી.એસ.ટી. કાયદામાં વેપારી તરફે કુદરતી ન્યાયને અનુરૂપ સુધારા કરવામાં આવે તેવી આશા રાખીએ.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા 04 માર્ચ 2024 ના રોજ પ્રકાશીત થયેલ છે)