“ઇ વે બિલ” અંગે ગુજરાત હાઇકોર્ટનો કરદાતાની તરફેણમાં મહત્વનો ચુકાદો
-By Bhavya Popat
તા. 20.11.2024:
જી.એસ.ટી. કાયદા હેઠળ 50000/- થી વધુ રકમનો માલ વહન થઈ રહ્યો હોય ત્યારે જી.એસ.ટી. નિયમોના નિયમ 138 મુજબ ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે. આ ઇ વે બિલ બે ભાગમાં હોય છે, Part A અને Part B. જ્યારે આ બન્ને ભાગ કરદાતા દ્વારા ઓનલાઈન ભરવામાં આવે ત્યારે જ જી.એસ.ટી. કાયદા હેઠળ યોગ્ય ઇ વે બિલ બનાવવામાં આવ્યું છે તેમ માનવમાં આવે છે. જ્યારે જી.એસ.ટી. કાયદા અને નિયમો હેઠળ ઇ વે બિલ બનાવવાનું ફરજિયાત હોય, અને કરદાતા દ્વારા આ ઇ વે બિલ બનાવવામાં ના આવ્યું હોય તો સામાન્ય સંજોગોમાં માલ ઉપર લગતા વેરાના 200% જેટલી “પેનલ્ટી” લગાડવામાં આવતી હોય છે. કરદાતા કે જેમના દ્વારા આ ઇ વે બિલની જોગવાઈનું પાલન કરવામાં ચૂક થયેલ હોય તેઓ આ 200% ટકા જેવી “પેનલ્ટી” ભરી આપે પછી જ તેનો માલને તેઓ છોડાવી શકતા હોય છે.
માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વના ચુકાદામાં આ પ્રકારે ઇ વે બિલ બનાવવા અંગે થયેલ ચૂકના એક કિસ્સામાં “પેનલ્ટી” ટેક્સના 200% થી ઘટાડી 25000/- કરવાનો મહત્વનો આદેશ પસાર કરવામાં આવ્યો છે. આ આદેશ ડાયનેમિક રબર પ્રાઈવેટ લિમિટેડ વી. ડે. કમિશ્નર, CGST, કચ્છ વી. C/SCA/17738/2023, જજમેંટ તા. 24.10.2024 ના કેસમાં કરવામાં આવ્યો છે.
કેસના તથ્યો:
કરદાતા દ્વારા ચાઈનાથી પોતાના માલના ઉત્પાદન માટે માલ ઇમ્પોર્ટ કરવામાં આવ્યો હતો. કરદાતા દ્વારા IGST ભરી આ માલ કસ્ટમ્સ પાસેથી મેળવવામાં આવ્યો હતો. કચ્છના મુંદ્રા બંદર ખાતેથી પોતાના ધંધાના અમદાવાદ ખાતેના ગોડાઉન ઉપર માલ લઈ જવા તેઓ દ્વારા ઇ વે બિલ નુ પાર્ટ A ભરી આપવામાં આવ્યું. પોર્ટલ ઉપરના ટેકનિકલ કારણોસર તેઓ ઇ વે બિલનું Part B ભરી શક્ય ના હતા. આ ઇ વે બિલ નો પાર્ટ A તેઓ દ્વારા 01 માર્ચ 2022 ના રોજ 4.05 PM ના સમય પર જનરેટ કરવામાં આવ્યું હતું. ડે. કમિશ્નર CGST દ્વારા 01 માર્ચ 2022 ના રોજ જ આ માલ રોકી, તપાસ કરતાં ઇ વે બિલ Part B ના હોય કરદાતાને કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ મળતાની સાથે જ કરદાતા દ્વારા આ નોટિસનો જવાબ આપવાની સાથે Part B પણ જનરેટ કરી નાખવામાં આવ્યું હતું. ઇ વે બિલ નો Part B ના હોવાથી અધિકારી દ્વારા આ ઇ વે બિલ નિયમના ભંગ બદલ કરદાતા ઉપર 11,08,150/- ની પેનલ્ટી લગાવવામાં આવી હતી.
કરદાતાને પોતાના ઉત્પાદનમાં માલની તાત્કાલીક જરૂર હોય તેઓ દ્વારા અધિકારી એ લગાવવામાં આવેલ પેનલ્ટી ભરી પોતાનો માલ છોડાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કરદાતા દ્વારા અધિકારીના આ આદેશ સામે અપીલ કરવામાં આવી હતી. કરદાતાની આ અપીલ પણ અપીલ અધિકારી દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. આ અપીલ નામંજૂર થતાં કરદાતા દ્વારા આ માનનીય ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી.
કરદાતા તરફે રજૂઆત:
કરદાતા તરફે રજૂઆત કરવામાં આવી હતી કે આ માલ ચાઈનાથી ઇમ્પોર્ટ થયેલ હતો. આ માલ ઉપર નિયમ મુજબનો IGST ભરી આપવામાં આવ્યો છે. માલ વાહન દરમ્યાન કરચોરીનો કોઈ ઇરાદો ના હોય 11,08,150/- જેવો મસમોટો દંડ દૂર કરવામાં આવે તેવી દાદ કોર્ટ પાસેથી માંગવામાં આવી હતી. કરદાતાના વકીલ દ્વારા એવી પણ દલીલ કરવામાં આવી હતી કે આ ભૂલ એક “માઇનર મિસટેક” ગણી પેનલ્ટી ઘટાડવામાં આવે. કરદાતા વાતે તેમના દલીલના તરફેણમાં માનનીય મદ્રાસ હાઇકોર્ટનો “ ટી.પી. મેટલ્સ એન્ડ રૂફિંગ વી. આસી. કમિશ્નર અને અન્ય, રીટ પિટિશન નંબર 26645/2021, તા. 30.07.2024 નો ચુકાદો પણ ટાંકવામાં આવ્યો હતો જેમાં મદ્રાસ હાઇકોર્ટ દ્વારા આ કેસ જેવા જ તથ્યોમાં ઇ વે બિલ અંગેની પેનલ્ટી અધિકારી લગાવી શકે નહીં તેવો ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ચુકાદામાં ઠરાવવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. હેઠળ કલમ 129 હેઠળ પેનલ્ટી માત્ર એવા કેસોમાં જ લગાવવામાં આવી શકે છે જેમાં કરચોરીના હેતુથી માલનું વહન થતું હોય અથવા તો સતત આ કલમનો ભંગ કરવામાં આવતો હોય.
જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફે રજૂઆત:
જી.એસ.ટી. ડિપાર્ટમેંટ વતી દલીલ કરતાં જણાવાયું હતું કે ઇ વે બિલ ત્યારે જ પૂર્ણ થયું ગણાય જ્યારે ઇ વે બિલના બન્ને ભાગ Part A તથા Part B ભરી આપવામાં આવ્યા હોય. આમ, આ કેસમાં પાર્ટ B બનાવવામાં આવ્યું જ ના હોય ઇ વે બિલ ના બન્યું બરાબર ગણાય અને જી.એસ.ટી. કાયદાની કલમ 129 હેઠળ પેનલ્ટી લાગુ પડે. આ ઉપરાંત CGST ડિપાર્ટમેંટ વતી એ પણ દલીલ કરી હતી કે અધિકારી દ્વારા લગાવવામાં આવેલ પેનલ્ટી કરદાતા દ્વારા સ્વૈચ્છીક રીતે DRC 03 માં ભરવામાં આવી છે અને આ પ્રમાણે ભરવામાં આવેલ રકમ સામે કરદાતા અપીલ કે આ રિટ પિટિશન કરી શકે નહીં.
માનનીય ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો:
બન્ને પક્ષોની દલીલો સાંભળી એ બાબત સ્પષ્ટ છે કે માલની વહન દરમ્યાન ઇ વે બિલનું Part B જનરેટ કરવામાં આવેલ ના હતું. આમ, અધિકારી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી યોગ્ય ગણી શકાય. એ સામે એ બાબત પણ કેસના તથ્યો થી સ્પષ્ટ છે કે માલના વહનમાં કરચોરીનો કોઈ ઇરાદો હતો નહીં. કરદાતા દ્વારા માલ રોકવામાં આવ્યો ત્યારે તુરંત જ ઇ વે બિલ Part B જનરેટ કરી આપવામાં આવેલ છે. આમ, કરદાતાની ઇ વે બિલના Part-B જનરેટ ના કરવાની ક્ષતિ એ “માઇનર મિસટેક” ગણી શકાય જેના બદલ 11.08,150/- જેવી મોટી રકમની પેનલ્ટી યોગ્ય ગણાય નહીં. આ તમામ તથ્યોનો અભ્યાસ કરી માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા અધિકારી દ્વારા પસાર કરવામાં આવેલ 11,08,150/- ના દંડને ઘટાડી 25000/- કરી આપવામાં આવ્યો હતો. આ કેસમાં કરદાતા વતી એડવોકેટ વિજય એચ પટેલ અને રાહીલ પ્રદીપભાઈ જૈન તથા CGST ડિપાર્ટમેંટ વતી એડવોકેટ હેતવી એચ સંચેતી ઉપસ્થિત રહ્યા હતા.
લેખકનો અભિપ્રાય:
50000/- થી ઉપરના માલ વહન સાથે ઇ વે બિલ હોવું જરૂરી છે. ઇ વે બિલ ત્યારે જ યોગ્ય ગણાય કે જ્યારે ઇ વે બિલ Part A અને Part B સંપૂર્ણ રીતે ભરવામાં આવેલ હોય. પરંતુ એવા કિસ્સા કે જ્યાં ઇ વે બિલ માં કોઈ ક્ષતિ રહી ગઈ હોય અને કરદાતા ઉપર મસમોટી પેનલ્ટી અધિકારી દ્વારા લગાવવામાં આવી હોય અને જ્યાં કરદાતા પોતાનો કરચોરીનો ઇરાદો ના હોય તે સાબિત કરી શકે તો આ ચુકાદો તેમના માટે ચોક્કસ ઉપયોગી સાબિત થશે. હાલ, ચેક પોસ્ટ અંગેની અપીલ ચલાવવાની શરૂ થઈ હોય તેવા કેસોમાં પણ આ ચુકાદો ઉપયોગી સાબિત થશે. ઉલ્લેખનીય છે કે આ ચુકાદામાં કરદાતા વતી હાજર થયેલ એડવોકેટ રાહીલભાઈ પ્રદીપભાઇ જૈન, એ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસો. ના સિનિયર સભ્ય પ્રદીપભાઇ જૈનના પુત્ર છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં 18 નવેમ્બરના રોજ પ્રકાશિત થયેલ છે)