ત્રિમાસિક રીટર્ન ભરતા કરદાતાઓ માટે સપ્ટેમ્બરમાં ભરવાનું થતું રીટર્ન છે ખુબ મહત્વનું!!
જુલાઈ થી સપ્ટેમ્બરનું રીટર્ન મોડું ભરવું પોસાઈ પણ ભરી દીધા પછી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ફેરફારો કરવાનો વિકલ્પ રહેશે નહિ.
તા. ૧૫
.૧૦.૨૦૨૫: જુલાઈ–સપ્ટેમ્બર 2025ના ત્રિમાસિક રિટર્નનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે QRMP યોજના હેઠળના ત્રિમાસિક રિટર્ન ફાઈલર્સ માટે આ રિટર્ન અસાધારણ મહત્વપૂર્ણ છે. આ ત્રિમાસિક રીટર્ન એ માત્ર નિયમિત કરવાના થતા કમ્પ્લાયન્સ માં નાં ગણી શકાય પરંતુ આ રીટર્ન નાણાકીય વર્ષ 2024–25 સંબંધિત કોઈ પણ ભૂલ કે ચૂક માટે સુધારો કરવાની અંતિમ કાનૂની તક છે તે જાણવું વેપારીઓ માટે ખુબ જરૂરી છે.
ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટ, 2017 (GST Act) ની કલમ 37 અને 39, તથા સર્ક્યુલર નં. 26/26/2017-GST મુજબ, કરદાતા દ્વારા અગાઉના રિટર્નમાં થયેલી ભૂલો કે ચૂકનો સુધારો આગામી નાણાકીય વર્ષના નવેમ્બર મહિના સુધી (અથવા વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની તારીખ, જે વહેલી હોય તે) સુધી જ કરી શકાય છે. કાયદાકીય રીતે આ મર્યાદા ૩૦ નવેમ્બર હોવા છતાં ત્રિમાસિક રીટર્ન ભરતા કરદાતાઓ માટે સપ્ટેમ્બર મહિનાના રીટર્ન ભરવા સાથે જ આ મર્યાદા સમાપ્ત થઇ જાય છે. હા વેચાણ સબંધી GSTR ૧ ને લગતા ફેરફારો IFF દ્વારા કરવાની તક રહેતી હોય છે પરંતુ 3B ને સલગ્ન સુધારાઓ કરવા માટે આ છેલ્લી તક રહેતી હોય છે. ત્રિમાસિક રિટર્ન ફાઈલર્સ માટે આ સમયમર્યાદા જુલાઈ–સપ્ટેમ્બર ત્રિમાસિક GSTR-3B રિટર્ન સાથે સમાપ્ત થાય છે. એટલે કે આ રિટર્ન જ છેલ્લી તક છે, ત્યાર બાદ કોઈ સુધારો શક્ય નહીં રહે.
૧. કાનૂની પૃષ્ઠભૂમિ — કલમ 37 અને 39 હેઠળનો સમયમર્યાદાનો નિયમ
કલમ 37(3) મુજબ:
“પૂર્વે આપેલ માહિતીમાં કોઈ ભૂલ કે ચૂક થઈ હોય તો તે માત્ર તે નાણાકીય વર્ષના અંત બાદના ૩૦ નવેમ્બર સુધીના રિટર્ન સુધી જ સુધારી શકાય છે.”
કલમ 39(9) એ પણ એ જ મર્યાદા નક્કી કરે છે:
“પૂર્વે ફાઈલ કરેલા રિટર્નમાં કોઈ ભૂલ કે ચૂક જણાય તો તેનો સુધારો નવેમ્બર મહિનાના રિટર્ન સુધી અથવા વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની તારીખ સુધી જ શક્ય છે.”
૨. સર્ક્યુલર નં. 26/26/2017-GST નો અભિપ્રાય
આ સર્ક્યુલર સ્પષ્ટ કરે છે કે —
“જો કોઈ ભૂલ કે ચૂક જણાય તો તેનો સુધારો તે મહિના કે ત્રિમાસિક રિટર્નમાં કરી શકાય છે જેમાં તે જણાય. પરંતુ એ સુધારો નવેમ્બર મહિના સુધીમાં ભરવામાં આવેલ રિટર્ન પછી માન્ય નહીં ગણાય.”
અર્થાત, જો 2024–25 માટે કોઈ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ચૂકાઈ ગઈ હોય, કે આઉટવર્ડ સપ્લાયની કોઈ એન્ટ્રી રહી ગઈ હોય, તો તે હવે જ — જુલાઈથી સપ્ટેમ્બર 2025ના રિટર્નમાં — સુધારવી આવશ્યક છે.
આ તક બાદ સુધારાની કોઈ કાનૂની પરવાનગી બાકી રહેતી નથી.
૩. આ ત્રિમાસિક GSTR-3Bનું વિશેષ મહત્ત્વ
જુલાઈ થી સપ્ટેમ્બરમાં ભરવામાં આવતા આ રિટર્નને ખાસ ગણવાના અનેક કારણો છે:
ITC ક્લેઇમ કરવાની છેલ્લી તક (કલમ 16(4))
GST કાયદાની કલમ 16(4) મુજબ,
“પૂર્વ નાણાકીય વર્ષના ઈન્વોઇસ કે ડેબિટ નોટ માટેનો ITC આગામી નાણાકીય વર્ષના નવેમ્બર મહિના સુધી જ લેવામાં આવી શકે છે.” અથી, 2024–25 માટે ચૂકાયેલો કોઈ પણ ITC હવે આ જ ત્રિમાસિક રિટર્નમાં (ઓક્ટોબર 2025 સુધી) ક્લેઇમ કરી શકાય છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાનું રીટર્ન એ નવેમ્બર પહેલાનું છેલ્લું રીટર્ન હોય આ રીટર્નમાં જો આ ક્રેડીટ લેવાની રહી જાય તો આ ક્રેડીટ અન્ય તમામ રીતે માન્ય હોવા છતાં કરદાતાને મળી શકે નહિ. આમ, માત્ર આ નાની “કલેરીકલ” ભૂલ હોવા છતાં કરદાતાએ આ ભૂલનું મોટું પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે.
આઉટવર્ડ સપ્લાયમાં થયેલી ભૂલોના સુધારા માટેની છેલ્લી તક
જો અગાઉના મહિનાઓમાં કોઈ વેચાણ દર્શાવવાના રહી ગયા હોય, વધુ દર્શાવાયા હોય કે ટેક્સ રેટ ખોટો લાગુ થયો હોય, તો આ તમામ સુધારા આ ત્રિમાસિક રીટર્નમાં કરવા જરૂરી છે.
ઉદાહરણ તરીકે, જોઈએ તો માર્ચ 2025માં કરવામાં આવેલ કોઈ વેચાણ જો ભૂલથી 3B માં દર્શાવવાનો રહી ગયો હોય તો આ તો હવે જુલાઈ–સપ્ટેમ્બર 2025ની GSTR-3Bમાં તે દર્શાવવો જોઈએ અને તેને સલગ્ન ટેક્સ ભરી આપવો જોઈએ.
વાર્ષિક રિટર્ન ફાઈલિંગ પહેલાં રિકન્સિલિએશન
આ ત્રિમાસિક રિટર્ન એ વાર્ષિક રિટર્ન (GSTR-9) પહેલાંનું અંતિમ રીટર્ન છે. આ રીટર્ન ભરવા પહેલા આ સમયે ખાતરી કરવી જોઈએ કે —
- GSTR-1 અને GSTR-3B વચ્ચેની વેચાણની માહિતી મેળ ખાય?
- GSTR-2B અને પર્ચેઝ રજીસ્ટર વચ્ચેનો ITC મેળ ખાય?
- તમામ ક્રેડિટ/ડેબિટ નોટ્સ સામેલ કરવામાં આવ્યા છે?
- રિવર્સ ચાર્જ લાયબિલિટીઝ યોગ્ય રીતે ભરાઈ છે?
૪. કરદાતા દ્વારા થતી સામાન્ય ભૂલો અને તેમની સુધારાની શક્યતાઓ
| વિભાગ | ભૂલનો પ્રકાર | સુધારાની રીત |
| ITC | ઇન્વોઇસના અભાવે ITC ન લીધી હોય | હાલના રિટર્નમાં ક્લેઇમ કરો |
| આઉટવર્ડ સપ્લાય | વેચાણ એન્ટ્રી રહી ગઈ | હાલના રિટર્નમાં ઉમેરો અને ટેક્સ ભરો |
| ટેક્સ રેટની ભૂલ | ખોટો રેટ લગાવ્યો | તફાવતનો ટેક્સ હાલના રિટર્નમાં ભરો અથવા વધુ ભરેલ હોય તો એડજસ્ટ કરો |
| અતિરિક્ત ITC લીધો | વધારાનો ક્રેડિટ ક્લેઇમ કર્યો હોય | હાલના રિટર્નમાં રિવર્સ કરો |
| B2B/B2C ખોટી વર્ગીકરણ | સપ્લાય ખોટી રીતે બતાવી | GSTR-1 અને 3Bમાં સુધારો કરો. B2B ના સુધારા કરવા હજુ તક મળી રહે છે પરંતુ B2C ના વ્યવહારો દર્શાવવા આ છેલ્લી તક ગણી શકાય. |
| રિવર્સ ચાર્જ | RCM લાયબિલિટી રહી ગઈ | હાલના રિટર્નમાં ભરપાઈ કરો અને ITC લો |
(ઉપર દર્શાવેલ ભૂલો એ સામાન્ય ભૂલો ઉદાહરણ સ્વરૂપે ગણી શકાય. આ સિવાયની ભૂલો પણ આ 3B માં સુધારાને પાત્ર છે)
૫. જો આ તક ચૂકી જશો તો પરિણામ ગંભીર થશે
જો કરદાતા સપ્ટેમ્બર 2025 સુધીમાં જરૂરી સુધારા કરવાનું ચુકી જાય, તો તેઓને આ નુકસાન થઇ શકે છે:
- ITCનો કાયમી નુકસાન: ચુકાયેલો ક્રેડિટ ક્યારેય પાછો ક્લેઇમ કરી શકાશે નહીં.
- ટેક્સની વધારાની માંગ: ચૂકાયેલો ટેક્સ ન ભરવાથી નોટિસ અને દંડ શક્ય.
- GSTR-9માં વિસંગતિ: રિટર્ન વચ્ચે મિસમેચ થાય તો ઑડિટમાં પ્રશ્નો.
- કેશ ફ્લો પર અસર: ITC ના મળવાથી વર્કિંગ કેપિટલ વધે છે.
૬. વ્યાવસાયિક તૈયારી માટેના પગલા
જી.એસ.ટી. હેઠળ આ તમામ જવાબદારીઓ કરદાતાએ કરવાની જવાબદારી રહેતી હોય છે. પરંતુ જમીની સ્તરે સૌ જાણે છે કે આ તમામ જવાબદારી કરદાતાના એકાઊંટન્ટ, ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા જ કરવામાં આવતી હોય છે. આ તકે આ પ્રોફેશનલ્સની જવાબદારી ખુબ વધી જતી હોય છે. ટેક્સ પ્રોફેશનલ્સ સામાન્ય રીતે આ બાબતોનો ખ્યાલ રાખે તે જરૂરી છે.
- GSTR-1, 3B, 2B અને બુક્સ ઓફ એકાઉન્ટ્સ વચ્ચે રિકન્સિલિએશન કરો.
- માર્ચ 2025 પછીના મહિના સુધીના બધા ઈન્વોઇસ ચકાસો.
- ક્રેડિટ/ડેબિટ નોટ્સનું યોગ્ય રેકોર્ડિંગ કરો.
- ટેક્સ રેટ અને વર્ગીકરણની સમીક્ષા કરો.
- રિવર્સ ચાર્જ લાયબિલિટી તપાસો અને જરૂર પડે તો ITC લો.
૭. રિટર્ન પહેલાનું પ્રી વાર્ષિક રીર્ટન
આ ત્રિમાસિક GSTR-3B રિટર્ન નિયમિત રિટર્ન કરતાં ઘણું વધારે મહત્વ ધરાવે છે — આ નાણાકીય વર્ષ 2024–25 માટેનું અંતિમ કાનૂની સમાપન બિંદુ છે તેમ ગણી શકાય. આ રીટર્ન ભરવામાં જી.એસ.ટી. પોર્ટલ પર દર્શાવાતું “ડ્રાફટ એન્યુલ રીટર્ન” ખુબ મહત્વું સાબિત થાય. પરંતુ કોઈ અગમ્ય કારણસર આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી આ ફોર્મ કે વાર્ષિક રીટર્ન ભરવાનું જી.એસ.ટી. પોર્ટલ ઉપર શરુ થયું નથી. આ “પ્રી ડ્રાફ્ટ એન્યુલ રીટર્ન” ઉપરાંત “ ડ્રાફ્ટ GSTR ૧” અને “ડ્રાફ્ટ GSTR 3B” પણ આ જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૫ ના ત્રિમાસિક રીટર્ન ભરવામાં અતિશય ઉપયોગી નીવડતા હોય છે. પરંતુ આ કોઈ ફોર્મસ હાલ પોર્ટલ પર શરુ થયેલ નથી. આ ફોર્મસ જલ્દી શરુ કરવામાં આવે તેવી માંગ પણ વિવિધ વેપારી સંગઠનો અને ટેક્સ પ્રોફેશનલ્સના એસોસીએશન દ્વારા કરવામાં આવી રહી છે. આ પ્રી ડ્રાફ્ટ ફોર્મસની સુવિધા શરુ થાય કે નાં થાય કરદાતાએ અને ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા જે માહિતી ઉપલબ્ધ છે તેના ઉપરથી મહત્તમ સુધારા કરી લેવા અત્યંત જરૂરી છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. ૧૩.૧૦.૨૦૨૫ ના રોજ પ્રકાશિત થયેલ છે.)
