જી.એસ.ટી. માં વધારો થતાં રેસ્ટોરન્ટમાં જમવું પડી શકે છે વસમું!!!

01 એપ્રિલ 2025 થી જે રેસ્ટોરન્ટ હોટેલ સાથે જોડાયેલ હોય તેના માટે લાગુ થઈ જશે નવા નિયમ!!
તા. 20.03.2025: 01 એપ્રિલ 2025 થી એવા રેસ્ટોરન્ટ કે જે હોટેલ સાથે સલગ્ન છે તેના પરના જી.એસ.ટી. ના દરમાં મહત્વનો ફેરફાર લાગુ થવા જઇ રહ્યો છે. આ ફેરફાર મુજબ આવી રેસ્ટોરન્ટ કે જે કોઈ પણ હોટેલ કે જે રહેઠાણની સુવિધા પૂરી પડે છે તેની સાથે જોડાયેલ હોય ત્યારે રેસ્ટોરન્ટના જી.એસ.ટી. ના દર નક્કી કરવામાં હોટેલના પાછલા વર્ષના ખરેખર લેવામાં આવેલ રૂમ ટેરિફ ઉપર નિર્ભર રહેશે. જે હોટેલ દ્વારા પાછલા વર્ષમાં 7500/- કે તેથી વધુ રકમ કોઈ એક રૂમ માટે લેવામાં આવેલ હોય તો તેવી હોટેલને સલગ્ન રેસ્ટોરન્ટ ઉપર ફરજિયાત પણે 18% ના દરે જી.એસ.ટી. લાગુ પડશે. હાલ ના સમયે આ પૈકી મોટાભાગની રેસ્ટોરન્ટ 5% ના દરે વેરો ભરે છે અને ઉઘરાવે પણ છે. 01 એપ્રિલ 2025 થી આ 5% ના સ્થાને 18% જેવો તોતિંગ વેરો લાગુ થઈ જતાં હોટેલમાં ખાવાનું ગ્રાહકો માટે મોંઘું બની જશે તે ચોક્કસ છે. આ બાબતે વાત કરતાં ફ્લેમિંગો ક્લબ એન્ડ રિસોર્ટના પાર્ટનર દીપકભાઈ પોપટ જણાવે છે કે “અગાઉના અતાર્કિક ડિકલેર્ડ ટેરિફના સ્થાને રેસ્ટોરન્ટ ઉપર જી.એસ.ટી. દર નક્કી કરતો આ નવો નિયમ અગાઉના નિયમ કરતાં પણ વધુ ખરાબ ગણી શકાય. આજે મોંઘવારીની સ્થિતિ જોતાં 7500/- નું પર યુનિટ એકોમોડેશન ટુરિસ્ટ સિઝનમાં સામાન્ય રીતે કોઈ પણ સામાન્ય કે નાની હોટેલનું પણ થઈ જાય છે. જમવા સાથે વ્યક્તિ દીઠ 2500 નો દર એ સામાન્ય કહેવાય અને કોઈ પણ રૂમમાં ત્રણ વ્યક્તિને રહેઠાણ પૂરું પાડવામાં આવે એટ્લે આ રૂમનું ભાડું 7500 થી વધુ થઈ જાય. હવે આ નવા નિયમના કારણે સામાન્ય હોટેલ કે જેઓના મોટાભાગના ગ્રાહકો મધ્યમ વર્ગીય લોકો હોય છે તેમના માટે ફરજિયાત 5% ના સ્થાને 18% દરે વેરો વસૂલ કરવા પાત્ર થશે. આ નિયમમાં ફેરફાર થાય તે ખૂબ જરૂરી છે”. ઉલ્લેખનીય છે કે આ 7500 ના વેચાણ અંગે હોટેલના પાછલા વર્ષના રૂમની રકમ જોવાની છે. આમ, કોઈ પણ હોટેલ દ્વારા પાછલા વર્ષમાં 7500/- ઉપર એક પણ રૂમનું વેચાણ કરેલ હશે તો તે ફરજિયાત પણે ટેક્સ ક્રેડિટ લઈ 18% વેરો ભરવા જવાબદાર બનશે. એકંદરે આ સુધારો કરવાના કારણે જે સામાન્ય અને મધ્યમ વર્ગની હોટેલ રેસ્ટોરન્ટને રાહત આપવાનો જે હેતુ હતો તે હેતુ ફળીભૂત થશે નહીં. આ નિયમમાં ફેરફાર કરી 7500 ની રકમને ઓછામાં ઓછા 10000/- કરવામાં આવે અથવા તો આ 18% નો વેરાનો દર માત્ર વૈકલ્પિક બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે