મુસાફિર હૂઁ યારો – મારી નજરે નર્મદા
By Kaushal Parekh
મારે એક નેચર કેમ્પ હેઠળ નર્મદા નદીને કિનારે આવેલ જંકેશ્વર મહાદેવ મંદિર(ઝાંઝડ) નામના સ્થળે જવાનું થયું. બરોડાથી અંદાજે દોઢ કલાક ડ્રાઈવ કરીને આ સ્થળે પહોચી શકાય છે. આ કેમ્પનું આયોજન મારા સાહિત્ય પ્રેમી મિત્રો દ્વારા યોજાયું હતું. આ કેમ્પનો હેતુ બધાએ સાથે મળીને પંચમહાભૂત એટલે કે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ એમ આ પાંચેય તત્વોને પાંચ જ્ઞાનેન્દ્રિયો એટલે કે ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ દ્વારા સ્પર્શવાનો હતો. કહેવાય છે કે નર્મદા નદીમાં અંદાજે 30થી વધુ નદીઓ મળે છે અને તેના કિનારે ભારતવર્ષની ભવ્ય સંસ્કૃતીનો વારસો સચવાયેલો છે. નર્મદાનદીનો ગુણ વૈરાગ્યનો છે અને રૂપ દેવીનું છે. જ્યાં આધ્યાત્મના ખોજીઓ સદીઓથી યાત્રા કરે છે એવી માં રેવાના સાનિધ્યમાં મારે થોડા દિવસો રહેવાની તક મળી.
જંકેશ્વર મહાદેવના શિવલિંગનું સ્થાપન રાજા જનક દ્વારા કરવામાં આવ્યું છે. મંદિરની બાજુમાં આવેલ યોગીશ્રી તવરીયાજીના આશ્રમમાં અમારો ઉતારો હતો. આશ્રમનું વાતાવરણ ખૂબજ સાત્વિક અને શાંત હતું. ચારેબાજુ નાનામોટા વૃક્ષો હોવાને લીધે અલગ-અલગ પ્રજાતિના પક્ષીઓની જેમકે ચિલોત્રો, ટુકટુકીયો, નાચણ, બગલા, દૈયડ જેવા અનેક પક્ષીઓની અહી ભરમાટ હતી, માનીલો કે જાણે અહી એમનું જ રાજ હતું. કાળા માંથાના માનવીઓના અહીં ઓછી અવરજવર હોવાને લીધે પક્ષીઓના કલરવને અને તેઓની દૈનિક ક્રિયાઓને આસાનીથી માણી અને નિહાળી શકાતી હતી. ખરી મોજ તો ત્યારે આવી જ્યારે એ જાણવા મળ્યું કે આ ચાર દિવસ બધાને પ્રકૃતિના કોઈ એક તત્વના નામનું ઉપનામ આપી બોલાવવામાં આવશે, મતલબ કે આજથી તમારે તમે કોણ છો એ ભૂલીને એક નવી મળેલ ઓળખાણથી જીવવાનું હતું. શરૂઆતમાં તો બધાને ઉપનામથી ઓળખવા ખૂબ અઘરા હતા પણ આજના દિવસે જો મને પૂછો તો તેઓના ખરા નામ તો યાદ નથી પણ ઉપનામ બરાબર હૈયે છે!
કેમ્પ પર જતાં પહેલા મને નર્મદા વિષે એવી કોઈ ખાસ માહિતી ના હતી પણ મેં ગુજરાતી ફિલ્મ રેવા જોયેલી એટ્લે થોડી એવી જાણકારી નર્મદા વિષે હતી જેમકે તે અમરકંટક(મધ્યપ્રદેશ) થી ખંભાતના અખાત(ગુજરાત) સુધી વહે છે, નર્મદાની પરિક્રમાં ખૂબ જટિલ છે, પરિક્રમા કરનારા લોકોને ખૂબ અનોખા અનુભવો થાય છે, પણ આ બધુ અહી રૂબરૂ આવીને મારી સગી આંખે જોવામાં, સાંભળવામાં અને અનુભવવા એ દરેક વાતો અદભૂત અને અવિસ્મરણીય હતી.
નર્મદાનાં કાંઠે જોયેલ સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારામાં, નાની હોડીમાં બેસીને નર્મદાના વહેણ સાથે વહેતા રહેવામાં, પ્રકૃતિની ગોદમાં જ્યાં મને પડે ત્યાં બેસવામાં, અહી આરોગવા મળેલ એક-એક અન્નના કોળિયામાં, રાત્રિના સમયે મિત્રો સાથેની ગોસઠીમાં, ભર બપોરે કે રાત્રિના અંધારમાં રેતીના પટમાં સૂઈ જવામાં કે માં રેવાના પાણીમાં ખુલ્લા પગે કલાકો સુધી ચાલતા રહેવામાં એવી નાની-મોટી દરેક ક્રિયાઓમાં એક અલગ પ્રકારની તૃપ્તિનો અહેસાસ હતો. બસ મન ગજબનું શાંત હતું. ખરું કહું તો હું ત્યાંજ રોકાઈ જવા માંગતો હતો, મારી પાસે જેપણ હતું બસ એજ વિશેષ હતું એટલી હદેની લાગણીનો ભાવ બસ, આ ચાર દિવસમાં માં રેવા સાથે બંધાઈ ગયો હતો, જાણે કોઈ જન્મોજનમનું ઋણાનુબંધ જ કેમ ના હોય!
આ યાત્રા દરમિયાન જે પણ અનુભવ્યું એ અનોખુ હતું. હવે પરત ઘરે તો આવી ગયો છું પણ હદય અને મનમાં મૌનનો એ અહેસાસ ચોક્કસ હજુ પણ થઈ રહ્યો છે. સૂર્યોદય કે સૂર્યાસ્તને જોવાની મજા અને મતલબ જ બદલાઈ ગયો છે. હવે બધાને દિલથી સાંભળવાની અને સમજવાની આદત પડતી જતી હોય એવું લાગે છે. જીવવાની મજા જ કાંઈક અલગ થઈ ગઈ છે. ત્યાં સાંભળેલ કે નર્મદા યાત્રા કર્યા પછી લોકોને વૈરાગ્ય લાગે છે પણ મને તો જીંદગીને વધારે જોશ થી જીવવાનો અને માણવાનો વૈરાગ્ય લાગ્યો છે. આપ પણ જીવનમાં એકવાર આ પવિત્ર સ્થાનની મુલાકાત અવશ્ય કરશો.
મેં તો મનથી નક્કી જ કરી નાખ્યું છે કે ઝટ નર્મદા પરિક્રમાં કરી આવું.
નર્મદે હર.
(લેખક વ્યવસાયે દીવ ખાતે એકાઉન્ટન્ટ છે. તેઓ ફરવાના ખૂબ શોખીન છે)
સંયોગ કહુ કે શુ એ તો નથી જાણતો પરંતુ હજુ કાલે જ રેવા મુવી જોયુ અને આજે આપનો આ લેખ વાચ્યો..!
લાગે છે કે મારે પણ નજીકના ભવિષ્યમાં નમૅદા ની પરિક્રમા કરવાના સંજોગો થવાના છે 😃