ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વ્યાપાર મંડળ દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્નની મુદત વધારવા નાણાંમંત્રીને રજૂઆત
વિવિધ ટેકનિકલ ખામીઓ તથા વારંવાર “સ્કીમાં” માં થતાં ફેરફારોના કારણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત વધારવા માંગ:
તા. 20.12.2021: સમગ્ર દેશમાં પથરાયેલા વ્યાપારિક સંગઠન “ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વ્યાપાર મંડળ” દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્નની મુદતમાં વધારો કરવા નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં ઇન્કમ ટેક્સ પોર્ટલમાં કરવામાં આવેલ વિવિધ સુધારાઓ, ટેક્સ કાયદા હેઠળ વિવિધ કામગીરી અંગેનું મુદતોના એક બીજા સાથે ટકરાવ બાબતે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાઓ, પોર્ટલ ઉપર અમુક ફોર્મ ખૂબ મોડા શરૂ કરવા જેવા વિવિધ કારણો દર્શાવવામાં આવેલ છે. સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુક જયેન્દ્ર તન્નાએ ટેક્સ ટુડે સાથે ખાસ વાત કરતાં જણાવ્યુ હતું કે “નાના વેપારીઓને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા પૂરતો સમય આપવામાં આવ્યો નથી. કોરોનાના કારણે ધંધાઓને ખૂબ નકારાત્મક અસર થઈ છે જે સ્પષ્ટ છે. આવા મુશ્કેલ વર્ષમાં રિટર્ન ભરવામાં વધુ સમય આપવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2020-21 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન મોડુ ભરવાથી લગતી લેઇટ ફી તમામ કરદાતાઓ માટે માફ કરવી પણ જરૂરી છે.”
ઉલ્લેખનીય છે કે ઇન્કમ ટેક્સ હેઠળ ઓડિટને પાત્ર ના હોય તેવા કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 31 ડિસેમ્બર 2021 છે. હવે જૂજ દિવસો બાકી હોય ટેક્સ પ્રોફેશનલ્સ માટે રાત થોડી અને વેશ ઝાઝા જેવી પરિસ્થિતી ઊભી થઈ છે. ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર વિવિધ ખામીઓના કારણે ઇન્કમ ટેક્સ રિટર્ન ખૂબ મોડા શરૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ ફોર્મ્સમાં વારંવાર ફેરફારો પણ કરવામાં આવ્યા છે. આ તમામ તકલીફો ધ્યાને લઈ નાણાં મંત્રાલય દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદતમાં વધારો કરવામાં આવે તેવી વેપાર જગતની માંગ ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.