ઇન્કમ ટેક્સનો નવો કાયદો કરાવશે કરદાતાઓને ફાયદો???

0
Spread the love
Reading Time: 4 minutes

તા. 18.02.2025

ઇન્કમ ટેક્સ એ પ્રત્યક્ષ વેરા એટ્લે કે “ડિરેક્ટ ટેક્સ”નો એક પ્રકાર છે. “ડિરેક્ટ ટેક્સ” એટ્લે એવો ટેક્સ કે જે ભરનાર અને ભોગવનાર વ્યક્તિ બન્ને એક જ હોય છે. જ્યારે “ઈંડિરેક્ટ ટેક્સ” માં વેરો ભરનાર વ્યક્તિ અલગ હોય છે અને આ વેરો ભોગવનાર વ્યક્તિ અલગ હોય છે. જી.એસ.ટી. એ આપણાં દેશમાં “ઈંડિરેક્ટ ટેક્સ” માટેનો સૌથી મહત્વનો ટેક્સ છે જ્યારે ઇન્કમ ટેક્સ એ આપણાં દેશના “ડિરેક્ટ ટેક્સ” હેઠળ સૌથી મહત્વનો ટેક્સછે. સરકારની ટેક્સ આવકના અંદાજે 57% આવક ઇન્કમ ટેક્સ માંથી આવતી હોય છે. હાલમાં જે ઇન્કમ ટેક્સ કાયદો લાગુ છે તે વર્ષ 1961 માં લાગુ કરવામાં આવ્યો છે. આમ, છેલ્લા 63 વર્ષથી વધુ જૂનો આ કાયદો બદલવામાં આવે તેવી માંગ ઘણા વર્ષોથી થઈ રહી હતી. હવે મોદી સરકાર 3.0 દ્વારા ઇન્કમ ટેક્સ કાયદા 1961 ના કાયદાને બદલવા નવો ઇન્કમ ટેક્સ કાયદા અંગેનું બિલ સંસદમાં રજૂ કર્યું છે. જ્યારે આ સમાચાર વિવિધ સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયા ત્યારે ટેક્સ પ્રોફેશનલ્સને ઘણા પ્રશ્નો તેમના અસીલો દ્વારા કરવામાં આવ્યા કે શું ઇન્કમ ટેક્સનો નવો કાયદો કરદાતા માટે ફાયદારૂપ રહેશે???. આજે આ લેખમાં આ નવા કાયદાના ફાયદા વિષે ચર્ચા કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઇન્કમ ટેક્સના નવા કાયદામાં સૂચિત મુખ્ય ફેરફારો:

  1. નવા આવકવેરા કાયદામાં 536 જેટલી ધારાઓ હશે, જે અગાઉના કાયદામાં 298 જ હતી. પરંતુ જૂના કાયદામાં વર્ષ 1961 થી લઈને 2025 સુધી અનેક ફેરફારોના કારણે જટિલતા ખૂબ વધુ હતી જે આ નવા કાયદામાં દૂર કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
  2. નવા આવકવેરા કાયદામાં જૂના કાયદા કરતાં 50% જેવા શબ્દોનો ઘટાડો કરવામાં આવ્યો છે જેના કારણે આ નવો કાયદો અમલીકરણમાં વધુ સરળ રહેશે.
  3. જૂના કાયદામાંથી અંદાજે 1200 જેટલા પરંતુક (પ્રોવિઝૉ) અને 550 જેટલી સમજૂતીઓ (એક્સપ્લેનેશન) હટાવવામાં આવ્યા છે.
  4. હાલના આવકવેરા કાયદામાં ઘણી વ્યાખ્યા કાયદાની વિવિધ જોગવાઇઓની અંદર આપવામાં આવેલ હતી જેમાં ફેરફાર કરી માત્ર એક જ કલમમાં આ તમામ વ્યાખ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કરવાથી કાયદાના અર્થઘટનમાં સરળતા આવશે.
  5. ઇન્કમ ટેક્સના નવા કાયદામાં “એસેસમેન્ટ યર” અને “પ્રિવિયસ યર” ની મુંજવાણમાં થી કરદાતાને મળશે મુક્તિ. આ બન્ને શબ્દોના સ્થાને હવે ધ્યાને લેવામાં આવશે “ટેક્સ યર”.
  6. બિઝનેસ આવક ધરાવતા કરદાતાઑની ઓડિટ માટેની મર્યાદામાં મહત્વના ફેરફારો કરવામાં આવેલ છે. ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એડવોકેટ જેવા પ્રોફેશનલ્સ માટેની અંદાજિત આવક યોજનાની મર્યાદામાં વધારો કરવા આ નવા કાયદામાં પ્રવધનો કરવામાં આવ્યા છે.
  7. “સોશિયલ મીડિયા ઇન્ફલુઅન્સર” ની આવકને બિઝનેસ આવક ગણવામાં આવશે તેવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે. હાલના કાયદા માં આ બાબતે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ હતો નહીં.
  8. “કેપિટલ એસેટ” ની વ્યાખ્યામાં સુધારો કરી વ્યક્તિગતના હોય તેવી તમામ મિલ્કતને નવા ઇન્કમ ટેક્સ કાયદામાં “કેપિટલ એસેટ” ગણવામાં આવશે. આમ, વધુ મિલ્કતોનો સમાવેશ “કેપિટલ એસેટ” માં થશે અને આ બાબતે રહેલ મુંજવાણોમાં ઘટાડો થશે.
  9. “ક્રીપ્ટો કરન્સી” ની આવક ઉપર 30% ટેક્સ લાગશે. આ આવક ઉપર 1% TDS ની પણ કરવામાં આવી જોગવાઈ.
  10. અમુક ખાસ વિસ્તારમાં કોઈ કંપની ઉત્પાદન કર્યા કરે તો 15% જેવા વિશિષ્ટ ઇન્કમ ટેક્સ દરનો મળી શકે છે લાભ.
  11. ટ્રસ્ટ માટેના ઇન્કમ ટેક્સ નિયમોમાં આવશે મહત્વના ફેરફારો. ટ્રસ્ટના સ્થાને આવશે “Non Profit Organization” (NPO) નો નવો “કોન્સેપ્ટ”. NPO ની નોંધણી, ટેક્સ જવાબદારી વગેરે માટે આવશે નવા નિયમો.
  12. નવા કાયદામાં “ટેક્સ પેયર ચાર્ટર” નો સમાવેશ. કરદાતાઓને સમયસર પોતાની સમસ્યાઓના સમાધાન માં મળશે મદદ. સરકારી અધિકારીની કરદાતા પ્રત્યે વધશે જવાબદારી. હાલ, સરકારી અધિકારીની જવાબદારી કરદાતાઓ બાબતે ઓછી અને પોતાના ડિપાર્ટમેંટ બાબતે વધુ રહેલ છે.
  13. નવા ઇન્કમ ટેક્સ કાયદામાં પણ જૂની અને નવી એમ બે ટેક્સ પ્રણાલીનું અસ્તિત્વ. નવી કર પ્રણાલી રહેશે “ડિફોલ્ટ”. કરદાતા ઈચ્છે તો જૂની કર પ્રણાલી કરી શકે છે પસંદ.
  14. નવા કાયદામાં ટેક્સના રેઇટ અંગે કોઈ ફેરફાર ના હોય, હાલ બજેટમાં જાહેર કરાયેલ રેઇટ લાગુ રહશે.
  15. ઇન્કમ ટેક્સના આ નવા કાયદાની અમલવારી 01 એપ્રિલ 2026 થી થવા જશે તેવી જાહેરાત.

આ સિવાય પણ ઇન્કમ ટેક્સના નવા કાયદામાં અનેક ફેરફારો સૂચિત કરવામાં આવ્યા છે. આગામી અંકોમાં આ અંગે માહિતી રજૂ કરવામાં આવશે.

શું છે આ નવા કાયદાના ફાયદા?

કરદાતાઓને આ નવા કાયદાના શું ફાયદા થશે તે હાલ નાણાકીય વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે. અને કેમ ના હોય 60 વર્ષ જૂની પદ્ધતિમાં જ્યારે ફેરફાર થવા જઈ રહ્યો હોય ત્યારે આ બાબત ચર્ચાનું મહત્વનુ કેન્દ્ર બને તે સ્વાભાવિક છે . શું આ નવો કાયદાના થશે ફાયદા? આ બાબતે આવો જાણીએ ટેક્સ તજજ્ઞોના મત.

આ વિષય ઉપર વાત કરતાં, ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જુનાગઢના જાણીતા ટેક્સ એડવોકેટ સમીરભાઈ જાની જણાવે છે કે  “નવો ઇન્કમ ટેક્સ કાયદો લાગુ કરવાની સરકારની પહેલ ચોક્કસ આવકરદાયક છે. નવા કાયદામાં વિવિધ જોગવાઈને સરળ રીતે રજૂ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે અને અમલીકરણ બાબતે પણ કરદાતાઓને સરળતા રહેશે તેવા પ્રયાસ પણ કરવામાં આવ્યા છે. હાલમાં રહેલ ટેક્સના રેઇટમાં કે પદ્ધતિમાં કોઈ મોટા બદલાવ નથી કરવામાં આવ્યા અને તેમાં સાતત્ય રાખવામા આવ્યું છે જે આવકારદાયક ગણી શકાય. આ નવા કાયદામાં આંતરરાષ્ટ્રીય માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યા છે જે ભારતને આવનારા વર્ષોમાં એક રોકાણ માટેનું “પ્રિફર્ડ નેશન” બનાવશે. હું આ નવા ઇન્કમ ટેક્સ કાયદાને ઐતિહાસિક ગણું છું”. તો આ અંગે પોતાનો અભિપ્રાય આપતા પોરબંદરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવ્યેશ સોઢા જણાવે છે કે “ઇન્કમ ટેક્સનો આ નવો કાયદો એ ઇન્કમ ટેક્સ અંગેના નિયમોને સરળ, સાદા, સ્પષ્ટ અને વ્યવહારુ  બનાવવાનો એક મહત્વનો પ્રયાસ ગણી શકાય. જૂની અને અપ્રસ્તુત જોગવાઇઓ દૂર કરવામાં આવેલ છે અને તેના સ્થાને હાલમાં જરૂરી એવા ફેરફારો કરવામાં આવ્યા છે. “એસેસમેંટ યર” અને “પ્રિવિયસ યર” ની મુંજવાણને હમેશા માટે જાકારો આપવામાં આવ્યો છે તે ખૂબ આવકારદાયક છે. TDS અને TCS ની જોગવાઇઓમાં પણ સરળતા લાવવામાં આવી છે. હું આ નવા ઇન્કમ ટેક્સ કાયદાને સીમાચિન્હરૂપ ગણું છું.” તો આ અંગે પોતાનો અભિપ્રાય આપતા જેતપુરના જાણીતા એડવોકેટ લલિતભાઈ ગણાત્રા જણાવે છે કે “આ નવા ઇન્કમ ટેક્સ કાયદાથી પોતાને શું ફાયદો થશે તે જાણવામાં કરદાતાને રસ હોય તે સ્વાભાવિક છે. પણ એ બાબત દરેક કરદાતાએ સમજવાની છે કે આ નવો કાયદામાં આવકવેરા ઘટાડવા બાબતે નહીં પરંતુ કાયદાની અમલવારીમાં સરળતા અને સ્પષ્ટતા લાવવા માટે જરૂરી છે. જો કે આ સરળતાના હેતુ માટે લાવવામાં આવેલ કાયદો ખરેખર જમીની સ્તરે કેટલો સરળ રહે છે તે તો આગામી સમય જ કહી શકે છે”. તો આ બાબતે પોતાનો અભિપ્રાય આપતા જુનાગઢના જાણીતા CA ભાવિકભાઈ મિશ્રાણી જણાવે છે કે “ 1961 થી ચાલ્યા આવતા કાયદામાં મોટા બદલાવ થાય તે સમયની માંગ હતી. ઘણી અતાર્કિક અને જૂની જોગવાઈને જાકારો આપવામાં આવ્યો છે જે આવકાર દાયક ગણી શકાય. “એસેસમેન્ટ યર” ના કોન્સેપ્ટને આપવામાં આવેલ તિલાંજલિને હું સૌથી મહત્વની માનું છું કારણકે આ બાબતે અનેક મુંજવાણ સામાન્ય કરદાતાઓમાં રહેતી હતી. હું ચોક્કસ માનું છું કે કાયદાના સરળીકરણ માટે ઉઠાવવામાં આવેલ આ પગલું ભવિષ્યમાં ઉપયોગી સાબિત થશે.”

વિવિધ ટેક્સ નિષ્ણાંતોના અભિપ્રાય જોતાં એટલું ચોક્કસ ગણી શકાય કે ઇન્કમ ટેક્સ કાયદામાં બદલાવ એ સમયની માંગ હતી. વાંચકોએ એક બાબત જાણવી ખાસ જરૂરી છે કે જૂના ઇન્કમ ટેક્સ કાયદાના સ્થાને જે નવો કાયદો અમલમાં આવશે તેનાથી ટેક્સના દરો માં કોઈ ખાસ ફેરફાર થઈ રહ્યા નથી. ટેક્સના દરોમાં ફેરફાર નાણામંત્રીએ દર વર્ષે બજેટમાં જાહેર કરવાના રહે છે. આ નવા ઇન્કમ ટેક્સ કાયદાથી આર્થિક રીતે કરદાતાને કોઈ ખાસ લાભ નહીં થાય પણ કાયદાની અમલવારી માં સરળીકરણ આવી શકે તેવી ચોક્કસ આશા આપણે સેવી શકીએ છીએ.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા 17.02.2025 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!