કરદાતાઓ માટે મહત્વના ફેરફારો જે જાણવા છે જરૂરી

Spread the love
Reading Time: 3 minutes

તા.18.01.2023

By Bhavya Popat

જી.એસ.ટી. તથા ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ મહત્વના ફેરફારો અંગે વાંચકોને આ લેખમાં વિગતો આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બન્ને કાયદા અંગે થયેલા ફેરફારો જાણવા તમામ કરદાતાઓ માટે જરૂરી છે.

  1. ઇન્કમ ટેક્સ હેઠળ મૂડી નફામાં મુક્તિ લેવા માટે કરવાના થતાં રોકાણની સમયમર્યાદા વધારવામાં આવી:

ઇન્કમ ટેક્સ હેઠળ લાંબા ગાળાના મૂડી-નફા સામે રોકાણ કરી કરદાતા ટેક્સ બચાવી શકે તેવી જોગવાઇઓ કરવામાં આવી છે. સામાન્ય રીતે લાંબાગાળા માટે કરદાતા દ્વારા ધારણ કરવામાં આવેલ મિલ્કત બાબતે કરદાતા વેચાણ કરવામાં આવેલ રહેણાંકી મકાન હોય તો નફાની રકમનું રોકાણ નવા રહેણાંકી ઘર લેવામાં કરી શકે છે. આ ઉપરાંત કરદાતા આ રહેઠાણના ઘરનું વેચાણ કરી સરકાર દ્વારા માન્ય બોન્ડમાં રોકાણ કરી ટેક્સ બચાવી શકે છે. આ સિવાય પણ લાંબાગાળા માટે ધારણ કરેલ અન્ય મિલકતના વેચાણ સંદર્ભે નફા સામે ટેક્સ બચાવવા કરદાતા સરકાર દ્વારા માન્ય કરાયેલ બોન્ડમાં રોકાણ કરી શકે છે. આ પ્રકારના રોકાણ કરવા માટે ઇન્કમ ટેક્સ હેઠળ સમયમર્યાદા સૂચવવામાં આવેલ છે. આ સમયમર્યાદામાં કોરોના કાળના કારણે કરદાતાઓને તકલીફો પડી હોવાની રજૂઆતો સરકારને કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાને લઈ ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 119 હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરી સર્ક્યુલર બહાર પાડી આ રોકાણ કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. લાંબાગાળાની મિલ્કત સંદર્ભે રોકાણ કરવાની મુદત તારીખ 01 એપ્રિલ 2021 થી 28 ફેબ્રુઆરી 2022 સુધીમાં પૂર્ણ થતી હોય તેવા કરદાતાઓ માટે આ રોકાણ કરવાની મુદ્દત 31 માર્ચ 2023 સુધી વધારવામાં આવી છે. આ મુદતમાં વધારો થતાં એવા કરદાતાઓ કે જેઓને નિયત રહેણાંકી મકાન, બોન્ડ કે અન્ય સાધનોમાં રોકાણ કરવાના બાકી રહી ગયા છે તેઓને ફરી આ રોકાણ કરવાની તક મળશે. મિલ્કત વેચાણ સામે જે કરદાતાઓએ લાંબાગાળાનો મૂડીનાફો થયેલ છે તેઓના માટે આ સોનેરી તક ગણી શકાય. આવનારા 3 માહિનામાં નવા રહેણાંકી મકાન, નિયત બોન્ડ વગેરેમાં રોકાણ કરી ટેક્સ બચાવવા પ્રયનતો કરી જોવા જરૂરી છે. આ બાબતે શક્ય હોય ત્યાં સુધી કરદાતા પોતાના ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ લઈ લે તે પણ જરૂરી છે.  જો કે નિષ્ણાંતો માની રહ્યા છે કે આ વધારો ઘણો વહેલો જાહેર કરવામાં આવ્યો હોય તો અસરકારક રીતે ઉપયોગી બની શક્યો હોત. ચાલો દેર આયે દુરુસ્ત આયે….

  1. જી.એસ.ટી. કાયદા હેઠળ ઇ ઇંવોઇસ બનાવવાની મર્યાદા 5 કરોડ કરવામાં આવેલ નથી તે અંગે મહત્વનો ખુલાસો

01 જાન્યુઆરી 2022 થી જી.એસ.ટી હેઠળ પાછલા વર્ષમાં 10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત બનાવવામાં આવેલ હતું. આજ રીતે 01 જાન્યુઆરી 2023 થી ઇ ઇંવોઇસની ટર્નઓવરની મર્યાદા ઘટાડી 5 કરોડ કરવામાં આવી છે તેવું ઘણા મોટા વર્ગના વેપારીઓ માની રહ્યા હતા. CBIC દ્વારા જાણીતી શોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઉપર આધિકારિક રીતે ખુલાસો કરી જણાવવામાં આવ્યું હતું કે હાલ ઇ ઇંવોઇસ માટેની ટર્નઓવર મર્યાદા 10 કરોડ જ છે. 5 કરોડ ઉપરના ટર્નઓવર વાળા કરદાતાઓ માટે ઇ ઇંવોઇસ લાગુ કરવા હાલ કોઈ પ્રસ્તાવ નથી. આ ખુલાસો કરવામાં આવતા વેપાર જગત માટે રાહત થઈ હતી.

  1. જી.એસ.ટી. હેઠળ નોંધણી નંબર મેળવવા હવે સિસ્ટમ કરશે PAN માં નોંધાયેલ મોબાઈલ નંબર અને ઇ મેઈલનો ઉપયોગ

જી.એસ.ટી. નોંધણી નંબર મેળવવાની કાર્યવાહીમાં કરદાતાએ પોતાનો મોબાઈલ નંબર તથા ઇ મેઈલ આપવાનું રહે છે. કરદાતા દ્વારા આપવામાં આવતા મોબાઈલ નંબર તથા ઇ મેઈલ ID ઉપર OTP મોકલવામાં આવે છે અને આ OTP આપવામાં આવે ત્યારબાદ જી.એસ.ટી. નોંધણીની કાર્યવાહી આગળ વધારવામાં આવતી હોય છે. જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા હવે આ પદ્ધતિમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે કરદાતાએ કોઈ મોબાઈલ નંબર કે ઇ મેઈલ ID અલગથી આપવાનું રહેશે નહીં પરંતુ કરદાતાના PAN ની વિગતો આપવામાં આવે ત્યારે આ PAN માં દર્શાવવામાં આવેલ મોબાઈલ નંબર તથા ઇ મેઈલ ઉપર જ જી.એસ.ટી. રજસ્ટ્રેશનના OTP મોકલવામાં આવશે. જી.એસ.ટી. હેઠળ લેવામાં આવતા બોગસ નંબર આપતા રોકવા આ ફેરફાર કરવામાં આવ્યો છે તેવું માનવમાં આવી રહ્યું છે. આ ફેરફારથી બોગસ નંબર તો કેટલા રોકશે એ અંદાજ હાલ આવવો શક્ય નથી પરંતુ નિષ્ણાંતો માની રહ્યા છે કે ઘણા PAN માં કરદાતાના મોબાઈલ નંબર કે ઇ મેઈલ ID જૂના હોય ત્યારે આ પ્રકારે નવી પદ્ધતિમાં નોંધણી દાખલો મેળવવામાં કરદાતાને તકલીફ પડી શકે તેવી સંભાવના રહેલી છે.

ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. કાયદામાં અવારનવાર નાના મોટા ફેરફારો થતાં રહેતા હોય છે. ઘણા ફેરફારો એવા છે જેની ઘણા કરદાતાઓ ઉપર મહત્વની અસર થતી હોય છે. આ ફેરફરો જાણવા કરદાતાઓ માટે જરૂરી છે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 16.01.2023 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

error: Content is protected !!