વિદેશી સંપત્તિ અને આવક જાહેર ન કરવી પડી શકે ભારે: બ્લેક મની એક્ટ હેઠળ થઇ શકે છે કડક કાર્યવાહી….
ઘણીવાર વિદેશમાં રહેલ બેંક ખાતાની વિગતો આપવામાં થતી હોય છે ચૂક. આ ચૂક નાની હોવા છતાં પડી શકે છે ભારી
તા. ૧૭.૧૨.૨૦૨૫: ભારતમાં આવકવેરા વિભાગ દ્વારા વિદેશમાં આવેલી આવક અને સંપત્તિના ખુલાસા અંગે સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2015માં અમલમાં આવેલ બ્લેક મની (Undisclosed Foreign Income and Assets) Act, 2015 હેઠળ હવે વિદેશી આવક અને સંપત્તિ જાહેર ન કરનાર કરદાતાઓ સામે કડક દંડ અને દંડાત્મક કાર્યવાહીનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે.
બ્લેક મની એક્ટ શું છે?
બ્લેક મની એક્ટ ભારત સરકારે વર્ષ 2015માં ઘડ્યો હતો અને તે 1 જુલાઈ 2015થી (આકારણી વર્ષ 2016-17થી) અમલમાં આવ્યો. આ કાયદામાં કુલ 7 ચેપ્ટર અને 88 સેક્નોશન સમાવેશ થાય છે. સામાન્ય ભાષામાં બ્લેક મનીનો અર્થ કર ચૂકવ્યા વગરની આવક થાય છે, પરંતુ આ કાયદા હેઠળ ખાસ કરીને વિદેશમાં રહેલી અપ્રગટ આવક અને સંપત્તિને બ્લેક મની તરીકે ગણવામાં આવે છે.
વિદેશી આવક અને સંપત્તિમાં શું આવરે છે?
વિદેશી સંપત્તિમાં વિદેશી બેંક ખાતાં, વિદેશમાં રાખેલા શેર, બોન્ડ, ડેબેન્ચર, વિદેશી કંપનીમાં નાણાકીય હિસ્સો, વિદેશની અસ્થાવર મિલકત, વિદેશી ટ્રસ્ટમાં હિત, તેમજ અન્ય કોઈપણ કેપિટલ એસેટનો સમાવેશ થાય છે. વિદેશી આવકમાં વિદેશી સ્ત્રોતમાંથી મળતું વ્યાજ, ડિવિડન્ડ, ભાડું, મૂડીલાભ, બિઝનેસ પ્રોફિટ વગેરેનો સમાવેશ થાય છે.
કોને વિદેશી સંપત્તિ જાહેર કરવી ફરજિયાત છે?
ભારતમાં રેસિડેન્ટ (Resident) એવા દરેક વ્યક્તિ માટે, જો તેની પાસે વિદેશમાં કોઈ સંપત્તિ કે આવક હોય, તો તેનું ખુલાસો કરવો ફરજિયાત છે. તેમાં લાભાર્થી (Beneficiary) અને લાભનો વાસ્તવિક માલિક (Beneficial Owner) બંનેનો સમાવેશ થાય છે. આવકની રકમ કેટલી છે તે મહત્વનું નથી; આવક કરપાત્ર મર્યાદા કરતાં ઓછી હોય તોય ખુલાસો ફરજિયાત છે.
Beneficial Owner અને Beneficiary કોણ ગણાય?
-
Beneficial Owner તે વ્યક્તિ છે જેણે સીધા કે પરોક્ષ રીતે સંપત્તિ માટે રકમ ચૂકવી હોય.
-
Beneficiary તે વ્યક્તિ છે જેને સંપત્તિમાંથી લાભ મળે છે, પરંતુ તેની કિંમત કોઈ અન્ય વ્યક્તિએ ચૂકવી હોય.
ITRમાં ક્યાં અને કેવી રીતે ખુલાસો કરવો?
વિદેશી આવક અને સંપત્તિ જાહેર કરવા માટે ITR-1 અને ITR-4 સિવાયના ITR ફોર્મ પસંદ કરવા જરૂરી છે. આ વિગતો નીચેના શેડ્યૂલમાં ભરવાની હોય છે:
-
Schedule FA – વિદેશી સંપત્તિની વિગત
-
Schedule FSI – વિદેશી આવક અને તેના પર ચૂકવેલ કર
-
Schedule TR – વિદેશમાં ચૂકવેલ કર સામે ભારતમાં માગવામાં આવતો ટેક્સ રિલીફ
ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ (DTAA) હેઠળ છૂટ મેળવવા માટે Form 67 ભરવું પણ ફરજિયાત છે.
રિટર્ન ફાઈલ ન કરી હોય તો શું કરવું?
જો હજુ સુધી આવકવેરા રિટર્ન ફાઈલ ન કર્યો હોય, તો 31 ડિસેમ્બર 2025 સુધી બેલેટેડ રિટર્ન ફાઈલ કરી શકાય છે. વિદેશી સંપત્તિ હોવા માત્રથી જ રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત બને છે.
રિટર્ન ફાઈલ કરી હોય પરંતુ વિદેશી સંપત્તિ જાહેર ન કરી હોય તો?
આવા કેસમાં કરદાતા 31 ડિસેમ્બર 2025 સુધી રિવાઇઝ્ડ રિટર્ન ફાઈલ કરી શકે છે અને યોગ્ય ITR ફોર્મ પસંદ કરી Schedule FA, FSI અને TRમાં સંપૂર્ણ વિગતો દાખલ કરવી જરૂરી છે.
ખુલાસો કરવાના ફાયદા
-
બ્લેક મની એક્ટ હેઠળની કાનૂની કાર્યવાહીથી બચાવ
-
વિદેશમાં ચૂકવેલા કર પર ડબલ ટેક્સેશનથી રાહત
-
₹10 લાખ સુધીના દંડ અને ફોજદારી કાર્યવાહીથી બચી શકાય
ખુલાસો ન કરવાના ગંભીર પરિણામો
બ્લેક મની એક્ટની કલમ 42 અને 43 મુજબ:
-
રિટર્ન ન ભરવામાં આવે તો દર આકારણી વર્ષ માટે ₹10 લાખનો દંડ લાગી શકે છે
- ખોટી માહિતી કે અપૂર્ણ ખુલાસા માટે પણ ₹10 લાખનો દંડ લાગુ પડી શકે છે
(કેટલાક મર્યાદિત અપવાદો સિવાય)
અપ્રગટ વિદેશી સંપત્તિ પર 120% સુધી કર અને દંડ
જો વિદેશી અપ્રગટ આવક અથવા સંપત્તિ ઝડપાય, તો તેના પર કર ઉપરાંત કુલ 120% સુધી (ટેક્સ + પેનલ્ટી) વસૂલવામાં આવી શકે છે. તેમાં કોઈ ખર્ચ, નુકસાન કે છૂટ માન્ય નથી.
નિષ્કર્ષ:
વિદેશમાં સંપત્તિ કે આવક ધરાવતા ભારતીય રેસિડેન્ટ્સ માટે હવે બેદરકારી રાખવી ભારે પડી શકે છે. આવકવેરા વિભાગ સ્પષ્ટપણે ચેતવણી આપી રહ્યું છે કે સ્વૈચ્છિક અને સાચો ખુલાસો જ સુરક્ષિત માર્ગ છે. સમયસર અને યોગ્ય રીતે વિદેશી આવક અને સંપત્તિ જાહેર કરવાથી ન માત્ર કાનૂની જોખમ ટળે છે, પરંતુ ભવિષ્યની મોટી નાણાકીય મુશ્કેલીઓથી પણ બચી શકાય છે.
