શેર બજારના નફા ઉપર આવેલ ઇન્કમ ટેક્સ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં થઈ છે જાહેર હિતની અરજી!! શું કરદાતાઓને લાભ મળશે??
ગુજરાત હાઇકોર્ટમાં થયેલ આ જાહેર હિતની અરજી (PIL) એડમિટ થાય છે કે કેમ તેની ઉપર રહેશે સૌની નજર
તા. 15.10.2024: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા “સ્પેશિયલ રેઇટ ઇન્કમ” ઉપર રિબેટનો લાભ નકારી અને મોટા પ્રમાણમાં કરદાતાઓ ઉપર ડિમાન્ડની નોટિસ મોકલવામાં આવી છે. મોટા ભાગે આ નોટિસ શેર બજારમાં થયેલ નફા બાબતે કરદાતાઓને આવી રહી છે. જુલાઇની શરૂઆત સુધી ઇન્કમ ટેક્સની યુટિલિટી પણ કરદાતાઓને રિબેટનો લાભ આ પ્રકારની “સ્પેશિયલ રેઇટ ઇન્કમ” ઉપર આપતું હતું. પરંતુ જુલાઇની શરૂઆત બાદ ઇન્કમ ટેક્સ યુટિલિટીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને આ પ્રકારની આવક ઉપર ઇન્કમ ટેક્સની કલમ 87A હેઠળનો લાભ આપવામાં આવતો ન હતો. આ ફેરફારના કારણે ઘણા બધા કરદાતાઓને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી 100 રૂપિયા થી મંડીને 25000 જેવી રકમની ડિમાન્ડની નોટિસ મોકલવામાં આવી છે.
અમદાવાદના એક ચાર્ટર્ડ એકાઉન્ટંટ દ્વારા આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઇન્કમ ટેક્સ દ્વારા પાછળથી કરવામાં આવેલ સુધારા બાબતે તમામ કરદાતાઓને આપવામાં આવેલ નોટિસ અંગે અરજીમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ જાહેર હિતની અરજીજો ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્વીકારશે અને કરદાતાની તરફેણમાં ચુકાદો આવે તો ઘણા મોટા પ્રમાણમા કરદાતાઓને ફાયદો થઈ શકે છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે