સમન્સની સત્તા સામે મૌનની ચીસ

0
Spread the love
Reading Time: 7 minutes

-By Axat Preshkumar, Jamnagar

તા. ૧૪.૦૧.૨૦૨૬: હાલ, ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્ષ શાસન હેઠળ તપાસની પધ્ધતિઓ કાયદાકીય ક્ષેત્રે કાર્યરત વ્યવસાયિકો માટે વધતી જતી ચિંતા નું કારણ બનેલ છે. હાલ તપાસમાં સૈદ્ધાંતિક પુરાવાઓ સાપેક્ષ “કબૂલાત” પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે અને ઘણી પરિસ્થિતિઓમાં, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) એક્ટ, 2017ની કલમ 70 ની પ્રચંડ શક્તિઓથી સજ્જ ‘યોગ્ય અધિકારી’ (Proper Officer), કોઈપણ વ્યક્તિના નિવેદનનો ઉપયોગ માત્ર તપાસ માટેના માર્ગદર્શક તરીકે નહીં, પરંતુ ગુનો સાબિત કરવા માટેના પ્રાથમિક શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. અમુક કરતાં વધુ કિસ્સાઓમાં વ્યક્તિનું નિવેદન કોઈ દબાણ, કોઈ ખોટા આસ્વાસનો, ખોટી લાલચ, ખોટા દિલાસાઓ, ખોટી ગેરેંટીઓ અથવા ખોટો પ્રભાવ ઊભો કરી લેવામાં આવે છે અને ત્યારબાદ સ્વતંત્ર પુરાવાઓની “સખત” જરૂરિયાતને અવગણીને આ નિવેદનોને ‘પરમ સત્ય’ તરીકે સ્વીકારી લેવામાં આવે છે. આ  પ્રથા ન્યાયશાસ્ત્રનો એક મૌલિક પ્રશ્ન ઉભો કરે છે કે…

“શું વિભાગીય કચેરીના એકાંતમાં મેળવેલું નિવેદન બંધારણના પવિત્ર રક્ષણોને દબાવી શકે છે?”

આવા નિવેદનનું કાયદાકીય મહત્વ CGST એક્ટની કલમ 70(4) માં રહેલું છે, જે કહે છે કે તેમાં હાથ ધરવામાં આવેલી પ્રત્યેક પૂછપરછ ભારતીય દંડ સંહિતાની કલમ 193 અને 228 (હવે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 229 અને 268) ના અર્થમાં ન્યાયિક કાર્યવાહી” (Judicial Proceeding) ગણાશે. આ કાયદાકીય ધારણા એક ઉચ્ચ-દબાણયુક્ત વાતાવરણ ઉભું કરે છે જ્યાં સમન્સ મેળવનાર વ્યક્તિ “સત્ય બોલવા માટે” કાયદેસર રીતે બંધાયેલી છે, જેમાં નિષ્ફળ જવાથી કે ખોટી જુબાની (Perjury) માટે નિવેદન આપનાર સામે કાર્યવાહી થઈ શકે છે. જો કે, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) ની સરખામણીમાં અહીં એક નોંધપાત્ર પ્રક્રિયાગત શૂન્યાવકાશ છે. CrPC ની કલમ 164 (હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 ની કલમ 183) હેઠળ, નિવેદન સબબ કબૂલાત મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવી આવશ્યક છે, જે સ્વૈચ્છિક છે તેની ખરાઈ થઈ શકે છે અથવા તેને ખરું માનવામાં આવે છે. ભલે GST કાયદા હેઠળ નિવેદન નોંધનાર અધિકારી મેજીસ્ટ્રલિયલ અધિકારો ભોગવી શકે તેમ હોય પરંતુ મેજીસ્ટ્રારિયલ ન્યૂટ્રાલિટી GST ના તપાસનીશ અધિકારીશ્રીઓ પાસે અપેક્ષિત ન રહી શકે. આમ, કલમ 70 હેઠળનું નિવેદન ટેક્સ અધિકારી સમક્ષ નોંધવામાં આવે છે, જે કરની વસૂલાતમાં રસ ધરાવતો પક્ષ છે. નામદાર સર્વોચ્ચ અદાલતે Radhika Agarwal v. Union of India and Others [2025] 2 S.C.R. 1331 ના ઐતિહાસિક ચુકાદાના પેરેગ્રાફ 47 માં જણાવ્યુ છે તે મુજબ સમન્સ એ તપાસનું સાધન છે, પરંતુ તેનો ઉપયોગ સામાન્ય ફોજદારી કાયદાના રક્ષણોને ટાળવા માટે અદાલતની બહારની કબૂલાત (Extra-judicial confession) મેળવવાના માધ્યમ તરીકે કરી શકાય નહીં. તેવી જ રીતે વધુમાં, Md. Aniqul Islam v. DGGI [2025] SCC OnLine Del 1700 ના કેસમાં પેરેગ્રાફ 12 માં જણાવ્યુ છે તે મુજબ કલમ ૭૦ હેઠળ સમન્સ જારી કરવું એ કાર્યવાહીની શરૂઆત નથી, પરંતુ માત્ર તપાસનું એક પગલું છે. આમ, કલમ 70 મુજબ સમન્સ હેઠળ જો કોઈનું નિવેદન નોંધવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય તો તે તપાસ પૂર્ણ કરવા માટે પુરાવાઓના એકત્રીકરણના હેતુથી થવી જોઈએ પરંતુ એથી ઊલટું હાલ કલમ 70 મુજબ સમન્સ આપી નિવેદનમાં “કબૂલાત” કરાવવાનો મુખ્ય ધ્યેય રાખવામા આવે છે જે કાયદા મુજબ અસક્ષમ છે.

એક કાલ્પનિક છતાં સામાન્ય પરિસ્થિતિનો વિચાર કરો, એક કરદાતાને સવારે બોલાવી તેને સાંજ સુધી બેસાડી રાખવામા આવે છે અથવા મોડી રાત્રે બોલાવવામાં આવે છે, વહેલી સવાર સુધી બેસાડી રાખવામા આવે છે અને સતત પૂછપરછ કરવામાં આવે છે. આવા કિસ્સામાં અધિકારી એવો સંકેત આપી શકે છે કે જ્યાં સુધી તેઓને “અનુકૂળ” નિવેદન ના આપવામાં આવે અથવા તેઓએ બનાવેલ પર સહી કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ વ્યક્તિને સતત બોલાવતા રહેવું અને બેસાડયા રાખવું. હવે જો, અધિકારી આવા કોઈ પણ પ્રકારના અસાહજિક વર્તન, દબાણ, પ્રલોભન અથવા ખોટી સમજ આપીને નિવેદન નોંધે અને તેને પછીથી સાચું માની કરદાતા અથવા અન્ય કોઈ વ્યક્તિ સામે કાર્યવાહી કરે તો તે શું સાચું કહેવાય? આવા કિસ્સાઓમાં, સુપ્રીમ કોર્ટે KTMS Mohd. v. Union of India [1992] AIR 1831 ના પેરેગ્રાફ 25 માં જણાવ્યા મુજબ “લાલચ, ધમકી અથવા જબરદસ્તી દ્વારા મેળવેલા નિવેદનો અમાન્ય છે; પુરાવા તરીકે મૂલ્ય ધરાવવા માટે તે સ્વૈચ્છિક હોવા જોઈએ.” તેવી જ રીતે, Hem Raj v. State of Ajmer [1954] AIR 462 ના કેસમાં પેરેગ્રાફ 10 માં કોર્ટે ઠરાવ્યું છે કે કબૂલાત મુક્ત અને સ્વૈચ્છિક સાબિત થવી જોઈએ; અને તે સાબિત કરવાની જવાબદારી પ્રોસિક્યુશન પર છે.

જોકે આવી વહીવટી જોહુકમીને રોકવા માટે, CBIC પોતે પણ કાર્યરત છે અને વારતહેવારે વહીવટી માણખા માટે જ્ઞાનવર્ધક કાર્યક્રમો, સેમિનારો, ટ્રેનીંગ તથા સૂચનાઓ પ્રસારિત કરે જ છે પરંતુ (તપાસ) કામ પતાવવાની કે કેસ નિકાલ કરવાની ઉતાવળ કહો કે વધુ પુરાવાઓ શોધવાની આળસ કહો અનેકોનેક કેસોમાં કરદાતાના પોતાના નિવેદનને વહીવટીતંત્ર દ્વારા હથિયાર બનાવવામાં આવેલ છે. આવા સમયે ધમકી, લાલચ અથવા કોઈ ગેરસમજને કારણે આપેલ નિવેદન બાદ સાચી સમજ આવ્યે પાછું ખેંચવાનો (Retraction) કાયદો કરદાતાનો પ્રાથમિક ઉપાય બની જાય છે. Deora Wires N. Machines v. Union of India [2024] SCC OnLine Guj 18 માં ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે તરત જ પાછા ખેંચાયેલા (Retracted) અને સમર્થન વિનાના કબૂલાતના નિવેદનોના આધારે આદેશો ટકી શકતા નથી; તે ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. આમ, જો કોઈ કિસ્સામાં કોઈ તપાસ અધિકારીએ કોઈ વ્યક્તિની પાસેથી વ્યક્તિની મરજી વિરુધ્ધનું કઈ પણ લખાવી લીધેલ હોય તો હકીકતની ભાન થયે જે તે વ્યક્તિએ તરત જ આપેલ નિવેદનને રદ કરતું નવું નિવેદન નોંધાવું જોઈએ અને એવું શક્ય ન હોય તો, આપેલ નિવેદન પાછું ખેચતું સોગંદનામું કરવું જોઈએ.

લાલચ, ધમકી અથવા વચન હેઠળ નોંધાયેલ નિવેદન ભારતીય પુરાવા અધિનિયમની કલમ 24 (હવે ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023 ની કલમ 22) દ્વારા અપ્રસ્તુત બની જાય છે અને જે કરદાતા પર દબાણ કરવામાં આવ્યું હોય તેણે વહેલી તકે નિવેદન નોંધનાર અધિકારીને અથવા તેઓના ઉપરી અધિકારીને પોતાનું સોગંદનામુ દાખલ કરીને રીટ્રેક્શન ઔપચારિક રીતે દાખલ કરવું જોઈએ. અને એવું થયા બાદ Intelligence Officer, DGGI v. Kesar Color Chem Industries [2025] KAR HC ના કેસમાં કર્ણાટક હાઈકોર્ટે પેરેગ્રાફ 18 અને 22 માં ઠરાવ્યું છે તે મુજબ દબાણ હેઠળ કરાયેલી ચૂકવણી એ સ્વૈચ્છિક આકારણી નથી; તેમજ જબરદસ્તીના આરોપવાળા અને પાછા ખેંચાયેલા નિવેદનો સ્વતંત્ર સમર્થન વિના વસૂલાતનો (અથવા કોઈ કાર્યવાહીઓનો) આધાર બની શકતા નથી. આવી જ રીતે દિલ્હી હાઇકોર્ટએ Md. Aniqul Islam v. Directorate General of GST Intelligence [2025] SCC OnLine Del 1700 ના કેસમાં પેરા 12 અને 15 માં જણાવ્યું છે તે મુજબ દબાણ હેઠળ મેળવેલા નિવેદનો પુરાવાનું મૂલ્ય ગુમાવે છે અને તેમને તરત રીટ્રેક્ટ કરવા જોઈએ. આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરતું હોય તેમ ગુજરાત હાઇકોર્ટના Deora Wires N. Machines v. Union of India [2024] SCC OnLine Guj ના કેસમાં પેરેગ્રાફ 18 માં જણાવ્યુ છે તે મુજબ, તરત રીટ્રેક્ટેડ કબૂલાતી નિવેદનો, વગર પુરાવા, આદેશોને ટકાવી શકે નહીં; તે ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. વધુમાં, દિલ્હી હાઇકોર્ટએ Mahendra Kumar Singhal v. Union of India [2025] SCC OnLine Del ના કેસમાં પેરેગ્રાફ 22 માં જણાવ્યું છે તે મુજબ કાયદા હેઠળ દોષારોપી નિવેદનો સ્વૈચ્છિકતાની કસોટી પર ખરા ઉતરવા જોઈએ; દબાણ તેમનું મૂલ્ય રદ કરે છે.

આમ, રીટ્રેક્શન એ એક ઉપાય નથી પરંતુ અદાલતોને ન્યાયના સ્તરે પહોચતી કરવાની એક કવાયત છે અને જ્યારે પણ કોઈ વ્યક્તિને હકીકત વિરુધ્ધનું “અનુકૂળ” નિવેદન નોંધાવેલ હોય ત્યારે તે વ્યક્તિએ તેને રીટ્રેક્શન પ્રક્રિયા દ્વારા પાછું ખેચવું જ જોઈએ અને જે કરદાતા પર દબાણ કરવામાં આવ્યું હોય તેણે વહેલી તકે નિવેદન નોંધનાર અધિકારીને અથવા તેઓના ઉપરી અધિકારીને પોતાનું સોગંદનામુ દાખલ કરીને રીટ્રેક્શન ઔપચારિક રીતે દાખલ કરવું જોઈએ. અનેક વખત એવું જોવાયું છે કે અધિકારીશ્રી પોતાના ઉપરી અધિકારીને ઇશારે જ, જે તે વ્યક્તિ પાસેથી અમુક પ્રકારનું ખાસ “અનુકૂળ” નિવેદન નોંધવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે અને આવી રીતે નિવેદન આપનાર વ્યક્તિ “ડર”, “ભ્રમ” જેવા અનેક કારણે જે તે અધિકારી સમક્ષ અથવા તેના ઉપરી અધિકારી સમક્ષ રીટ્રેક્શન દાખલ કરતાં “ખચકાય” અથવા “ડરે” છે અને આવા સંજોગોમાં જે તે નિવેદન આપનાર વ્યક્તિ દ્વારા GST ની કોઈ પણ કચેરીમાં દાખલ કરાયેલ રીટ્રેક્શન માન્ય ગણાય છે અને સીટીઝન ચાર્ટડ મુજબ જે તે અધિકારી જે તે રીટ્રેક્શન મેળવ્યા બાદ જે તે તપાસનીશ અધિકારીને તે મોકલવા ફરજથી બંધાયેલ છે. આમ રીટ્રેક્શન દાખલ કરવાથી નિવેદન પર આધારિત કોઈપણ ભાવિ કાર્યવાહીમાં દબાણ હેઠળ લેવાયેલા નિવેદનનું મૂલ્ય ઘટી જાય છે. પરંતુ તપાસ અથવા નોંધેલ નિવેદનના મહિનાઓ કે વર્ષો પછી કરાયેલ રીટ્રેક્શન “આફ્ટરથોટ” ગણાય છે અને આથી આવા રીટ્રેક્શન નું કોઈ મૂલ્ય રહેતું નથી. આ અંગે મદ્રાસ હાઇકોર્ટ દ્વારા Thiru S. Shyam Kumar v. ACIT [2008] 99 taxmann.com 39 ના કેસમાં પેરેગ્રાફ 15 માં જણાવ્યા મુજબ લાંબા વિલંબ પછી નિવેદન પાછું ખેંચવું એ ‘આફ્ટરથોટ’ (Afterthought) ગણાય છે અને પુરાવા વિના તે પ્રસ્તુત રહેતું નથી. જોકે જે નિયમ નિવેદનને લાગુ પડે છે તે જ નિયમ રીટ્રેક્શનને પણ લાગુ પડે છે અને જેમ નિવેદન માં આપેલ કબૂલાતનામું પુરાવાઓ થી સાબિત ન થતું હોય તો વ્યર્થ છે તેમ જ રીટ્રેક્શન પણ પુરાવાઓથી સજ્જ સત્ય આધારિત હોવું જોઈએ આ અંગે રાજસ્થાન હાઈકોર્ટે CIT, Bikaner v. Ravi Mathur [2025] SCC OnLine Raj માં પેરેગ્રાફ 20 માં ઠરાવ્યું છે કેરીટ્રેક્ટેડ નિવેદનોને સ્વતંત્ર પુરાવાની જરૂર છે; માત્ર તેમના પર આધાર રાખવો કુદરતી ન્યાયનું ઉલ્લંઘન છે.

આટલી ચર્ચા પછી બીજો એક અતિમહત્વનો મુદ્દો પણ ઉપસ્થિત થઈ શકે છે કે શું કોઈ તપાસનીશ અધિકારી કોઈ પણ કરદાતા કે કોઈ પણ વ્યક્તિ પાસે પોતે દોષિત છે તેવું નિવેદન નોંધાવી શકે છે? અને જો આવું નિવેદન જો કોઈ સંજોગમા નિષ્પક્ષ રીતે પણ મેળવાયેલ પણ હોય તો, તેની કાયદેસરતા કેટલી ગણવી.

આ બાબત વધુ વિચારતા આપણને કલમ 70 અને ભારતીય બંધારણના અનુચ્છેદ 20(3) વચ્ચેનો કાયદાકીય વિરોધાભાસ (Paradox) દેખાય છે, ભારતીય બંધારણના અનુચ્છેદ 20(3) કહે છે કે કોઈપણ ગુનાના આરોપી વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવા માટે મજબૂર કરવામાં આવશે નહીં. આ વિરોધાભાસ સમયના સંદર્ભમાં છે: મહેસૂલ વિભાગ એવી દલીલ કરે છે કે સમન્સના તબક્કે વ્યક્તિ “સાક્ષી” છે, “આરોપી” નથી, તેથી અનુચ્છેદ 20(3) નું રક્ષણ હજી લાગુ પડતું નથી. બીજી તરફ, કરદાતા એવી દલીલ કરે છે કે જો નિવેદનનો ઉદ્દેશ્ય અંતે નિવેદન આપનાર વ્યક્તિને પ્રતિકૂળ પરિસ્થિતિમાં મૂકવાનો હોય, તેઓ સામે મોટી ડિમાન્ડ ઉપસ્થિત કરવાનો હોય કે તેમની ધરપકડ કે એવી કોઈ કાર્યવાહી કરવાનો હોય, તો તે ફરી ભારતીય બંધારણના અનુચ્છેદ 20 (3) ની પરિધિની બહાર નીકળી જાય છે. આ દ્વંદ રોકવા તપાસનીશ અધિકારીઓએ વ્યક્તિના નિવેદન નહીં પણ બીજા પુરાવાઓને આધારે કોઈ પણ વ્યક્તિ કે કરદાતા સામે કેસ બનાવવો જોઈએ પરંતુ તેવું બહુ જોવા મળતું નથી. હાલ, કોઈ પણ વ્યક્તિને સમન્સ આપી બોલાવવામાં આવે છે અને પછી તેની સામેના પુરાવાઓની તાર્કિક તપાસ કર્યા વગર જ તેના નિવેદનને સૌથી મહત્વ આપવામાં આવે છે અને આથી જ અનેક અદાલતોએ તાર્કિક પુરાવાઓને ધ્યાને આપીને પોતાના વિરુધ્ધ નિવેદન આપનાર વ્યક્તિની તરફેણમાં ચુકાદાઓ આપ્યા છે અને જે વહીવટીતંત્ર માટે એક સબક છે.

બીજું મહત્વનુ પાસું “મૌન રહેવાનો અધિકાર” છે. આ બંધારણીય દૃષ્ટિકોણથી લક્ઝરી નથી પરંતુ કાયદાના શાસન માટેની આવશ્યકતા છે. કાયદાની કલમ 70 હેઠળ કોઈ પણ વ્યક્તિ સમન્સમાં હાજર રહેવા માટે બંધાયેલ છે, પરંતુ તે એવા પ્રશ્નોના જવાબ આપવા માટે બંધાયેલ નથી જે ગુનાની કબૂલાત તરફ દોરી જાય. અધિકારી ગુનાહિત પ્રશ્નનો જવાબ આપવા માટે “દબાણ” કરી શકતા નથી; કરદાતા તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરીને આવા પ્રશ્નોને “પાસ” કરવાના સંપૂર્ણ હકદાર છે. આ અંગે, તેલંગાણા હાઇકોર્ટ એ Senior Intelligence Officer v. Sanjay Agarwal [2025] SCC OnLine TS ના કેસમાં પેરેગ્રાફ 32 માં જણાવ્યું છે કે: અનુચ્છેદ 20(3) હેઠળ સ્વ-દોષારોપણ વિરુદ્ધનો અધિકાર ટેક્સ તપાસમાં વિસ્તરે છે જ્યાં વ્યક્તિ પોતાને શંકાસ્પદ માને. સમન્સ મેળવનાર વ્યક્તિઓને દોષારોપી પ્રશ્નો પર મૌન રહેવાના અધિકારની જાણ કરવી જોઈએ.

કલમ 70 હેઠળ નોંધાયેલ નિવેદન પુરાવાનો એક ટુકડો છે, પરંતુ તે ગુનાનો “નિર્ણાયક પુરાવો” (Conclusive Proof) નથી. સ્વતંત્ર પુરાવા વગર, માત્ર વિભાગીય નિવેદન પરની સહીના આધારે કોઈને દોષિત માનવું એ બંધારણીય રીતે અમાન્ય છે. અનેક કેસમાં અનેક અદાલતોએ સ્પષ્ટતા કરી છે તે મુજબ તપાસ દરમિયાન કર વસૂલાતની દબાણયુક્ત પદ્ધતિઓ, અથવા ન્યાયિક પ્રક્રિયા વગર માત્ર ફરજિયાત કબૂલાતના આધારે ધરપકડ કરવી, તે ગેરબંધારણીય છે અને કાયદાના શાસનનું ઉલ્લંઘન છે. આમ, નિવેદન માત્ર એક શરૂઆતનું બિંદુ છે; સ્વતંત્ર પુરાવા અને યોગ્ય પ્રક્રિયા દ્વારા કેસ સાબિત કરવાની જવાબદારી મહેસૂલ વિભાગની રહે છે. નામદાર સુપ્રીમ કોર્ટે Mahabir Biswas v. State of West Bengal [1995] 2 SCC 25 માં ઠરાવ્યું છે કે કબૂલાત પર આધાર રાખતા પહેલા તેને સ્વૈચ્છિક અને સાચી સાબિત કરવી જોઈએ.

છેલ્લે છેલ્લે, આપણે ભારતીય બંધારણના અનુચ્છેદ 13 ને સમજવો જોઈએ, જે સ્પષ્ટપણે જણાવે છે કે બંધારણની વિરુદ્ધનો કોઈપણ કાયદો રદ છે. હવે જો કલમ 70 નો ઉપયોગ માત્રથી મેળવેલ નિવેદનને આધારે વ્યક્તિને ગુનેગાર ગણવામાં આવે તો તે ચોક્કસપણે અનુચ્છેદ 20 (3) ની મર્યાદા બહાર ગણાશે અને આથી તે સંજોગોમાં તે કલમનો અતિક્રમિત ઉપયોગ કહેવાશે અને તે જ સમયે નિવેદન વ્યર્થ કહેવાશે. કારણ કે બંધારણ હંમેશા “માલિક” રહે છે અને કલમ 70 તેનો “સેવક” છે. બંને વચ્ચેના કોઈપણ સંઘર્ષમાં, સેવકે નાગરિકની મૂળભૂત સ્વતંત્રતાઓ સામે નમવું જ પડશે. પરંતુ જો અધિકારીશ્રીએ કલમ 70 હેઠળ મેળવેલ નિવેદનને તપાસનું મુળબિન્દુ ગણીને તે નિવેદનમાં નોંધેલ બાબતોને સાબિત કરવા માટે અન્ય સહાયક પુરાવાઓની શ્રેણી તૈયાર કરેલ હોય ત્યારે અનુચ્છેદ 20 (3) નો ભંગ થયેલ કહેવાશે નહીં અને આ પ્રક્રિયા કાયદાને અનુસરીને કરનારી પ્રક્રિયા ગણાશે. આમ, માત્ર નિવેદનોની હારમાળા નહીં અને સંયોગિક પુરાવાઓની તાર્કિક તપાસને હિસાબે બહાર આવેલ હકીકત વધુ કાયદેસર કહેવાય છે અને તેનાથી ભારતના બંધારણના કોઈ ભંગ થતો નથી.

આ લેખનો હેતુ મહેસૂલ ખાધની તપાસ કરતાં તપાસનીશ અધિકારીશ્રીઓને નિરાશ કરવાનો નથી પરંતુ તેઓ નિવેદન સાપેક્ષ સહાયક પુરાવાઓને વધુ મહત્વ આપતા કરવા પ્રેરિત કરવાનો અને અમુક ખાસ જોહુકમી કરનાર અધિકારી સામે સાચા કરદાતાઓને માર્ગદર્શન આપવા માટેનો છે. જેથી કાયદાનો હેતુ સિધ્ધ થાય અને કોઈ પણ કરચોર કાયદાની છટકબારીનો ઉપયોગ ન કરી શકે અને રાજસ્વને નુકશાન અટકે અને નિર્દોષ વ્યક્તિ કે કરદાતા સામે કોઈ પગલાં લેવાતા અટકે.

(લેખક જાણીતા ટેક્સ એડવોકેટ અને અર્થશાસ્ત્રી છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!