હવે ભાડાની આવક ઉપર લાગશે વધુ ટેક્સ? આ બાબત જાણવી છે આપના માટે ખાસ જરૂરી
તાજેતરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની ૫૪મી મિટિંગની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણય પૈકી એક નિયમ કાઉન્સિલ દ્વારા ભાડા પર થતા રેવન્યુ લિકેજને રોકવા માટે લેવામાં આવ્યો છે. જીએસટી કાયદામાં બિન નોંધાયેલ વ્યક્તિ દ્વારા કૉમર્શિઅલ પ્રોપર્ટી કોઈ નોંધાયેલ કરદાતાને ભાડે આપવા પર જીએસટી રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કાઉન્સિલનો હેતુ સરકાર ની અવાક વધારવાનો છે.
જીએસટી કાયદો આવ્યો છે ત્યારથી જીએસટીમાં નોંધાયેલ કરદાતા તેની કૉમર્શિઅલ પ્રોપર્ટી ભાડે આપે તો તેવા કિસ્સામાં જીએસટી ભરવાની જવાબદારી મકાનમાલિકની રહેતી હતી. પણ હાલ જો કરદાતા જીએસટીમાં નોંધાયેલ ના હોય તો તેવા કિસ્સામાં જીએસટી લાગતો ના હતો. ૫૪મી જી.એસ.ટી. કાઉન્સિલની મિટિંગમાં લેવામાં આવેલા નિર્ણયથી જો મકાનમાલિક જીએસટીમાં નોંધાયેલ ના હોય અને તે તેની કૉમર્શિઅલ પ્રોપર્ટી જીએસટી કાયદામાં નોંધાયેલ કરદાતાને ભાડે આપે તો ભાડુઆતે રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ જીએસટી ભરવાનો રહેશે.આ નાના પણ અતિ મહત્વના ફેરફારના કારણે રિવર્સ ચાર્જ હેઠળ, જીએસટી ચૂકવવાની જવાબદારી હવે મકાનમાલિક પાસેથી,ભાડે લેનાર ભાડુઆત પર લાગુ થશે. મોટા ભાગના કિસ્સામાં નાના વેપારીઓ ધંધો કરવા ધંધાની જગ્યા ભાડે લેતા હોય છે અને ભાડે આપનાર મકાન માલિક જીએસટી કાયદા માં નોંધાયેલ હોતા નથી. આ ફેરફારથી કરદાતાઓ ને ૧૮% ટેક્સ રિવર્સ ચાર્જ મિકેનિઝમથી ભરવાનો રહેશે. જો કરદાતાને તેટલી રકમના ટેકસની લાયબીલીટી ન આવે તો વધારાની રકમ દર મહિને ક્રેડિટ લેઝરમાં જમાં પડી રહેશે. બીજી તરફ વેપારીને દર મહિને ભાડાના 18 ટકાની રકમનો બોજો ઉમેરાતો જશે.
૫૪મી કાઉન્સિલની મીટિંગ પછી ભાડા પર જીએસટી કયા અને કઈ રીતે લાગશે તે દર્શાવેલ છે તે એક્સપર્ટ દર્શિત શાહ દ્વારા દર્શાવેલ છે.
ભાડા ઉપર આરસીએમથી વેપારીઓનું ભારણ વધશે મોટા ભાગે વેપારીઓ ભાડાની મિલકતમાં વેપાર-ધંધો કરતા હોય છે. મિલકત ભાડે આપનાર મકાન માલિક પણ જીએસટી નંબર ધરાવતા નથી હોતા. આવા વેપારીઓને અત્યાર સુધીમાં ભાડા ઉપર કોઇ ટેક્સની જોગવાઇ લાગુ ન હોતી. પરંતુ હવે તેમને ભાડા ઉપર 18 ટકા લેખે આરસીએમ ભરવો પડશે. વેપારી આરસીએમ ભરી ક્રેડિટ કલેમ કરી શકશે.
આ બાબત એક ઉદાહરણ થી સમજીએ: જો વેપારી દર મહિને રૂ.1 લાખ ભાડું ચૂકવતો હોય તો તેનાં ઉપર 18 ટકા લેખે રૂ. 18,000 આરસીએમ ભરવો પડશે. જ્યારે વેપારીને મહિને તેટલી રકમની ટેકસ ભરવાનો થતો ના હોય તો તેટલી રકમ ક્રેડિટ લેઝરમાં જમા થતી રહેશે.
આ સુધારો બહાર પડતાં કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાને ભાડાની રકમ પર ટેક્સ ભરવો પડશે પણ તેઓને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મજરે મળશે નહીં જેના કારણે વેપારીઓને દર મહિને 18 ટકાના વર્કીગ કેપીટલમં ભારણ આવશે અને એકંદરે ખર્ચમાં પણ વધારો થશે. આમ, માનવમાં આવી રહ્યું છે કે જ્યારે આ અંગે સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે ત્યારે વેપાર ઉદ્યોગ માટે સામાન્ય કરદાતા માટે વર્કિંગ કેપિટલમાં વધારો થશે અને કંપોઝીશન કરદાતા માટે તો ખર્ચમાં જ વધારો થશે.
(લેખક અમદાવાદ ખાતે જી.એસ.ટી. અને ઇન્કમ ટેક્સ ઉપર પ્રેક્ટિસ કરે છે અને ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બારના કારોબારી સભ્ય પણ છે)