જી.એસ.ટી. હેઠળ મળી છે નોટિસ? આ નોટિસનો સમયસર જવાબ આપવો છે જરૂરી!!
જી.એસ.ટી. તરફથી મળતી ASMT-10, DRC-01A, DRC-01 જેવી નોટિસોને ગંભીરતાની લેવામાં ના આવે તો આર્થિક રીતે નુકસાન થઈ શકે છે.
-By Bhavya Popat
તા. ૨૬.૦૨.૨૦૨૬: ભારતમાં Goods and Services Tax Act, 2017 (CGST Act) અમલમાં આવ્યા બાદ જી.એસ.ટી. ના સંચાલનમાં મોટાભાગની કાર્યવાહી ઓનલાઈન બનાવવામાં આવી છે. આમ થવાથી જી.એસ.ટી. ડિપાર્ટમેંટની જવાબદારી વધી છે, પારદર્શિતામાં પણ વધારો થયો છે પરંતુ આ સાથે જ કરદાતાઓની જવાબદારી પ્રમાણમાં વધી ગઈ છે. જી.એસ.ટી. ઉપર કરવાની થતી કાર્યવાહીમાં અધિકારીઑ મોટાભાગે ઇ મેઈલ દ્વારા કે જી.એસ.ટી. પોર્ટલ ઉપર નોટિસ આપે છે.
ઘણા વેપારીઓ અને ઉદ્યોગકારો નોટિસને સામાન્ય કાગળ ગણતા હોય છે અથવા “પછી જવાબ આપીશું” એવી માનસિકતા રાખે છે. પરંતુ હકીકતમાં, જીએસટી હેઠળ નોટિસનો સમયસર અને યોગ્ય જવાબ ન આપવો એ ગંભીર કાનૂની અને આર્થિક જોખમ ઊભું કરી શકે છે. ખાસ કરીને Sec. 74A હેઠળ દંડમાં વધારો થવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
આ લેખમાં આપણે વિગતવાર સમજીએ કે વિવિધ નોટિસો શું છે, જવાબ ન આપવાથી કે મોડો આપવાથી શું અસર થઈ શકે છે, અને કેવી રીતે દંડ વધી શકે છે.
- DRC-01A – પ્રી-શોકોઝ નોટિસ (Pre-SCN Intimation)
DRC-01A એ એક પ્રકારની “સાવચેતી સૂચના” છે. અધિકારી શોકોઝ નોટિસ (SCN) જારી કરતા પહેલાં ટેક્સદાતાને સંભવિત કરચુકવણી અથવા ITC ગેરરીતિ અંગે જાણ કરે છે.
તેનું હેતુ શું?
- ટેક્સદાતા સ્વૈચ્છિક રીતે કર અને વ્યાજ ભરી શકે
- વિવાદ ટાળી શકાય
- દંડમાં રાહત મળે
જો ટેક્સદાતા DRC-01A મળ્યા પછી:
- યોગ્ય સમજૂતી આપે
- અથવા બાકી કર અને વ્યાજ ભરી દે
તો આગળની કાર્યવાહી ત્યાં પૂરી થઈ જાય છે.
જવાબ ન આપવાથી શું થાય?
જો DRC-01A નો જવાબ ન આપવામાં આવે, તો અધિકારી આગળ DRC-01 (Show Cause Notice) આપશે કરે છે. આ DRC-01 એ કારણ દર્શક નોટિસ છે અને જેને આધિકારિક રીતે કાનૂની વિવાદના ચક્રમાં પ્રવેશ માનવાનો રહે છે.
- DRC-01 – શોકોઝ નોટિસ (SCN)
DRC-01 એ સત્તાવાર શોકોઝ નોટિસ છે, જેમાં ટેક્સ, વ્યાજ અને દંડની માંગ કરવામાં આવે છે. આ નોટિસ સામાન્ય રીતે Sec. 73 અથવા 74 (અને સુધારેલા કાયદા બાદ હવે 74A) હેઠળ જારી થાય છે.
આ નોટિસમાં શું હોય છે?
- બાકી કરની વિગત
- વ્યાજની ગણતરી
- દંડનો પ્રસ્તાવ
- જવાબ માટે સમયમર્યાદા
સમયસર જવાબ કેમ મહત્વનો?
DRC-01 મળ્યા પછી:
- લેખિત જવાબ આપવો જરૂરી
- હિયરિંગમાં હાજર રહેવું જરૂરી
- પુરાવા સાથે બચાવ રજૂ કરવો જરૂરી
જો જવાબ ન આપવો અથવા મોડો આપવો:
- અધિકારી એકતરફી (ex-parte) આદેશ આપી શકે
- માંગેલી રકમ પૂર્ણ સ્વીકાર્ય માની લેવામાં આવે
- ASMT-10 – સ્ક્રુટિની નોટિસ
ASMT-10 સામાન્ય રીતે રિટર્ન સ્ક્રુટિની દરમિયાન જારી થાય છે. જો GSTR-1 અને GSTR-3B વચ્ચે તફાવત હોય, ITC વધુ લેવાયેલ હોય અથવા અન્ય ગેરરીતિ જણાય તો આ નોટિસ આપવામાં આવે છે.
તેની પ્રક્રિયા:
- 30 દિવસમાં જવાબ આપવો
- ASMT-11 માં સમજૂતી આપવી
- અથવા કર ચૂકવી દેવો
જો જવાબ સંતોષકારક ન હોય, તો આગળ DRC-01 જારી થઈ શકે છે.
અવગણનાના પરિણામો:
ASMT-10 નો જવાબ ન આપવાથી:
- કેસ સીધો ડિમાન્ડ પ્રોસીડિંગમાં જાય અને DRC-01A અથવા DRC 01 આપવા આગળ વધી જશે
- ITC રિવર્સલ, દંડ અને વ્યાજનો બોજો વધે
નોટિસોના સમયસર જવાબ ન આપવાના આર્થિક પરિણામો
દંડમાં વધારો – Sec. 74A નો પ્રભાવ
તાજેતરના સુધારા હેઠળ Sec. 74A અમલમાં આવ્યો છે, જેમાં જો ટેક્સદાતા નોટિસ પછી પણ કર ન ભરે અને યોગ્ય જવાબ ન આપે, તો દંડનું પ્રમાણ વધે છે.
કરદાતાએ સમજવાની થતી પરિસ્થિતિ:
| પરિસ્થિતિ | દંડ |
| નોટિસ પહેલાં સ્વૈચ્છિક ચુકવણી | ઓછો અથવા શૂન્ય દંડ |
| SCN પછી 30 દિવસમાં ચુકવણી | ઘટાડેલો દંડ |
| આદેશ બાદ ચુકવણી | ઊંચો દંડ |
| કોઈ જવાબ નહીં / કોઈ ચુકવણી નહીં | 100% સુધી દંડ |
બેંક એકાઉન્ટ એટેચમેન્ટ
જો આદેશ પછી પણ ચુકવણી ન થાય:
- અધિકારી બેંક એકાઉન્ટ અટેચ કરી શકે
- માલ જપ્ત કરી શકે
- રિકવરી પ્રોસીડિંગ શરૂ કરી શકે જેમાં કરદાતાની સ્થાવર મિલ્કત સહિતની મિલ્કતો ટાંચમાં લેવા આદેશ થઈ શકે છે.
ITC બ્લોક / રદ
અવારનવાર નોટિસનો જવાબ ન આપતા અધિકારી દ્વારા:
- ITC (ઈન્પુટ ટેક્સ ક્રેડિટ) રોકી શકાય
- કરદાતાનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થઈ શકે
- અંતે કરદાતાનું રજીસ્ટ્રેશન રદ પણ થઈ શકે
મોડા જવાબના જોખમ
ઘણા વેપારીઓ અંતિમ દિવસે અથવા સમયમર્યાદા પસાર થયા પછી જવાબ આપે છે તો તેના નીચે પૈકી પરિણામ આવી શકે છે:
- મોડા જવાબ સ્વીકારવા અધિકારી બાધ્ય નથી
- વ્યક્તિગત સુનાવણીનો અધિકાર ગુમાવી શકે
- દંડમાં રાહત ગુમાવી શકાય
કરદાતાઓ માટે નોટિસ મળ્યે શું કરવું જોઈએ?
આ લેખ લેખવાનો ઉદેશ વાંચકોને કે કરદાતાઓને ડરાવવાનો નથી. આ લેખનો હેતુ માત્ર કરદાતાને સમયસર પોતાની જવાબદારી પૂર્ણ કરવા જાગૃત કરવાનો છે. કરદાતાને જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફથી કોઈ નોટિસ મળે ત્યારે જરૂરી છે કે કરદાતા આ નોટિસને ગંભીરતાથી લે, સમયમર્યાદાની નોંધ લે, પોતાના ટેક્સ કન્સલ્ટન્ટ સાથે ચર્ચા કરે, પુરાવા સાથે જ્યાં જરૂરી હોય તેવો જવાબ આપે, અને જરૂરી હોય તો સ્વૈચ્છિક ચુકવણી કરી આપે. કોઈ સંજોગોમાં કરદાતાને પોતાની ભૂલ પકડાઈ જાય તો તેઓએ DRC-01A દરમિયાન જ મામલો સમાધાન કરવો સૌથી સમજદાર પગલું છે. SCN સુધી જવા દેવું એ ખર્ચાળ ભૂલ સાબિત થઈ શકે છે.
નિષ્કર્ષ
જીએસટી એક સંપૂર્ણ ડિજિટલ અને ટ્રેકેબલ ટેક્સ સિસ્ટમ છે. નોટિસને અવગણવી એ હવે શક્ય નથી. દરેક નોટિસનો રેકોર્ડ, સમયમર્યાદા અને અનુસરણ પોર્ટલ પર નોંધાયેલ હોય છે. ઘણીવાર કરદાતાઑ એવું સમજતા હોય છે કે નોટિસનો પ્રતિયુતર ના આપીએ એટ્લે સમય સાથે બધુ બરોબર થઈ જશે. આ એક મોટી ભૂલ છે. સમય સાથે બધુ બરોબર થવાના બદલે હાથમાથી બાજી નીકળી જવાની સંભાવના વધુ રહેતી હોય છે. ગમે તે નોટિસ હોય, સમયસર જવાબ આપવાથી દંડ ઘટે, વિવાદ ટળે, વ્યાજ બચી શકે, વ્યવસાયની પ્રતિષ્ઠા જળવાય જતી હોય છે.
નિયમિત ઇ મેઈલ વાપરતા હોય તેવા કરદાતા માટે આ સામાન્ય છે પરંતુ મોટા પ્રમાણમા એવા કરદાતાઓ છે કે જેઓ નિયમિત રીતે ઇ મેઈલ વાપરતા હોતા નથી. આવા સંજોગોમાં ઘણી વાર ઇ મેઈલ ઉપર થતી બજવણીની કાર્યવાહીના કારણે કરદાતા જવાબ આપે તે પહેલા મુદત પૂરી થઈ ગઈ હોય છે. આવા સંજોગોમાં ઘણા કરદાતા નાની ભૂલ માટે મોટા પરિણામો ભોગવતા હોય છે. ઘણા નાના શહેરોમાં ટેક્સ પ્રોફેશનલ્સ પોતાના અસીલના જી.એસ.ટી. સાથે પોતાનું ઇ મેઈલ લિન્ક કરાવતા હોય છે. આમ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ સમયસર આ નોટિસ મેળવવા તથા તેનો સમયસર પ્રત્યુતર આપવાનો રહેતો હોય છે. પરંતુ આમ કરનાર ટેક્સ પ્રોફેશનલ્સ માટે ખૂબ મોટી જવાબદારી પણ ઊભી થઈ જતી હોય છે. આ સંજોગોમાં કરદાતા પોતે પણ GST ડિપાર્ટમેંટ તરફથી મળતા ઇ મેઈલ અથવા SMS બાબતે જાગૃતિ દર્શાવે તે ખૂબ જરૂરી છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. ૨૩.૦૨.૨૦૨૬ ના રોજ પ્રકાશિત થયેલ છે)

