જૂના-નવા મોબાઈલ ખરીદ-વેચાણ કરનાર વેપારીઓએ આધાર-પૂરાવાનું રજિસ્ટર નિભાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ

તા. 18.06.2025: ગીર સોમનાથ જિલ્લામાં બનતા ગુન્હાઓમાં વપરાતા મોબાઈલ તેમજ મોબાઈલ ચોરીના ગુન્હાઓમાં જૂના મોબાઈલ ખરીદ/વેચાણ કરતા વેપારીઓ તરફથી આવા મોબાઈલ ખરીદતા/વેચતા વ્યક્તિની માહિતી મળી રહે તેમજ ગુન્હાઓના મૂળ સુધી પહોંચી સાચા આરોપીને પકડી શકાય અને આવા ગુન્હાઓ નિવારી શકાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જૂના કે નવા મોબાઈલ લે-વેચ કરનાર વેપારીએ કોઈપણ વ્યક્તિઓની પૂરતી ખરાઈ ઓળખકાર્ડ અથવા ઓળખપત્ર વગર જૂના મોબાઈલની લે-વેચ કરી શકશે નહીં તેમજ જૂના-નવા મોબાઈલ ખરીદતી કે વેચતી વખતે નિયત નમૂનાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે.
આ રજિસ્ટરમાં મોબાઈલ ફોનની વિગત/કંપની/મોડલ નંબર, આઈ.એમ.ઈ.આઈ નંબર, મોબાઈલ ફોન કોની પાસેથી ખરીદ કરેલ છે/વેચેલો છે, તેનું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર સહિત ઓળખકાર્ડની વિગતો સહિત આધાર-પૂરાવાની નોંધ કરવાની રહેશે.
આ જાહેરનામું તા. ૨૦-૦૬-૨૦૨પથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
આ જાહેરનામું ગિર-સોમનાથ જિલ્લા માટે બહાર પાડવામાં આવ્યું છે પરંતુ જૂના મોબાઈલની ખરીદ વેચાણ કરનાર દરેક વેપારી આ બાબતની તકેદારી રાખવી જોઈએ તેવું કાયદાકીય નિષ્ણાંતો માની રહ્યા છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.