GST હેઠળ કારણ દર્શક નોટિશ – કાયદેસરની પ્રક્રિયા કે માત્ર એક યાંત્રિક ફોર્માલિટી? By Axat Vyas
કારણ દર્શક નોટિશના મુળતત્વો
કાયદાના પાલનમાં કારણ દર્શક નોટિશ (Show Cause Notice – SCN)નું મહત્વ અનેકગણું છે. તે આરોપ લગાવનાર અધિકારીની તૈયારીઓ સ્પષ્ટ કરે છે અને કરદાતાને પોતાના તરફેણમાં દલીલો તથા પુરાવા રજૂ કરવાની વાજબી તક આપે છે. આ પ્રક્રિયાનું પૂર્ણ પાલન કુદરતી ન્યાયના સિદ્ધાંતોને વાસ્તવમાં ફળીભૂત કરે છે.
GST કાયદો સંપૂર્ણપણે ટેક્નોલોજી-આધારિત છે, પરંતુ કારણ દર્શક નોટિશની જોગવાઈ કાયદામાં માનવીય તત્ત્વની ખાતરી કરે છે અને કરદાતા-મિત્ર વાતાવરણને પ્રોત્સાહન આપે છે. તેમ છતાં, અનેક કિસ્સાઓમાં અધિકારીઓ આ જોગવાઈને માત્ર ઔપચારિકતા તરીકે, ઉપરી સૂચનાઓ અથવા સિસ્ટમ-જનરેટેડ અલ્ગોરિધમ પર આધાર રાખીને, વિના તપાસે મિકેનિકલ રીતે અમલમાં મૂકે છે ક્યારેક આ અભિગમ કરદાતા-કેન્દ્રિત કરવ્યવસ્થાની ભાવનાને કમજોર બનાવે છે.
કોઈપણ ન્યાયિક અથવા અર્ધ-ન્યાયિક પ્રક્રિયામાં કારણ દર્શક નોટિશ માત્ર પ્રારંભિક પગલું નથી, પરંતુ સમગ્ર કાર્યવાહીનો પાયો છે. આ લેખમાં GST હેઠળ કારણ દર્શક નોટિશને ક્યારે કાયદેસર ગણવામાં આવે છે અને ક્યારે તેને અમાન્ય જાહેર કરી શકાય તેના મુખ્ય તત્ત્વોની ચર્ચા કરવામાં આવી છે.
હકીકતે કારણ દર્શક નોટિશ કોઈ વહીવટી પત્ર નથી; તે રાજ્યસત્તા દ્વારા વ્યક્તિ સામે કરવામાં આવેલ પ્રથમ ઔપચારિક આક્ષેપ છે. અને આથી તેની કાનૂની પવિત્રતા જાળવવી દરેકની બંધારણીય ફરજ છે. આથી અધિકારી, વ્યવસાયિક અને કરદાતાએ કાનજીપૂર્વક સમજવું જરૂરી છે કે GST અંતર્ગત કારણ દર્શક નોટિશને ક્યારે કાયદેસરની ગણાય છે અને ક્યારે કાયદા પ્રણાલીને ઉપરવટ જઈને અથવા તોછડી રીતે અપાયેલ ગણાય છે. આથી અત્યાર સુધીના ન્યાયિક સિદ્ધાંતોના પ્રકાશમાં, હવે આપણે કારણ દર્શક નોટિશના કાનૂની તત્ત્વોની સમીક્ષા કરીએ.
કારણ દર્શક નોટિશમાં આરોપો સ્પષ્ટ હોવા આવશ્યક છે. નોટિશ એક પ્રકારની “ચાર્જ શીટ” છે. તેમાં કરદાતા સામેનો ચોક્કસ આરોપ, સમયગાળો, વ્યવહાર, સંબંધિત કલમ અને ગણતરીની પદ્ધતિ સ્પષ્ટપણે દર્શાવવી જોઈએ. માત્ર “ITC ગેરપાત્ર છે” અથવા “ટેક્સ ઓછો ભર્યો છે” જેવું અસ્પષ્ટ લખવું કાયદેસર નથી.
સુપ્રીમ કોર્ટે Commissioner of Central Excise v. Brindavan Beverages (P) Ltd., (2007) 5 SCC 388માં સ્પષ્ટ કર્યું છે કે કારણ દર્શક નોટિશ સમગ્ર કેસનો પાયો છે; અસ્પષ્ટ આરોપો હોય તો આગળની કાર્યવાહી ટકી શકતી નથી. તેવી જ રીતે Gorkha Security Services v. Govt. of NCT of Delhi, (2014) 9 SCC 105માં કોર્ટે કહ્યું કે પ્રસ્તાવિત પગલાં અને આરોપોની સ્પષ્ટતા વિનાની નોટિશ અમાન્ય છે. સિદ્ધાંત સ્પષ્ટ છે “vague notice is no notice.”
અધિકારી જે દસ્તાવેજો, ડેટા અથવા ત્રીજા પક્ષના નિવેદનો પર આધાર રાખે છે, તેની નકલ કરદાતાને આપવી ફરજિયાત છે. ક્રોસ-એક્ઝામિનેશનની તક વિના આદેશ અમાન્ય છે. નામદાર સર્વોચ્ચ અદાલતે વિવિધ ચુકાદાઓમાં, જેમાં Radha Krishan Industries v. State of Himachal Pradesh, (2021) 6 SCC 771 નો સમાવેશ થાય છે, સ્પષ્ટ કર્યું છે કે સત્તાનો ઉપયોગ મિકેનિકલ રીતે નહીં પરંતુ વિચારપૂર્વક થવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, માત્ર આપવા ખાતર અપાયેલ નોટિશ કાયદા મુજબની નોટિશ ન કહી શકાય અને આથી નોટિશ આપતા પહેલા અધિકારીએ હોમવર્ક કરવું સૌથી વધુ મહત્વનુ અને ફરજિયાત ગણી શકાય તેવું કામ છે.
સુપ્રીમ કોર્ટે Andaman Timber Industries v. Commissioner of Central Excise, Kolkata-II, 2015 (324) ELT 641 (SC), Civil Appeal No. 4228 of 2006 (dated 02.09.2015) માં સ્પષ્ટ કર્યું છે કે ક્રોસ-એક્ઝામિનેશનની તક વિના આદેશ કુદરતી ન્યાયનો ભંગ છે. Oryx Fisheries Pvt. Ltd. v. Union of India, (2010) 13 SCC 427માં પણ કોર્ટે નોટિશમાં વિચારપ્રક્રિયા સ્પષ્ટ દેખાવી જોઈએ તેમ જણાવ્યું છે.
નોટિશની ભાષા તટસ્થ હોવી જોઈએ. અધિકારીએ પહેલેથી જ કરદાતાને દોષિત ગણી લીધો હોય તેવી ભાષા અમાન્ય છે. અહી એક સામાન્ય નિયમ છે કે કારણ દર્શક નોટિશ એક પ્રસ્તાવ છે ચુકાદો નથી. Siemens Ltd. v. State of Maharashtra, (2006) 12 SCC 33 માં સુપ્રીમ કોર્ટે આ સિદ્ધાંત સ્થાપિત કર્યો છે.
GST કાયદાની કલમ 75(4) CGST Act મુજબ, આદેશ પસાર કરતાં પહેલાં વ્યક્તિગત સુનાવણી આપવી ફરજિયાત છે. માત્ર લખિત તક પૂરતી નથી; તે અસરકારક હોવી જોઈએ. Dharampal Satyapal Ltd. v. Deputy Commissioner of Central Excise, (2015) 8 SCC 519માં સુપ્રીમ કોર્ટે સુનાવણીને ન્યાયનો અભિન્ન અંગ ગણાવી છે. The Assistant Commissioner of State Tax & Ors. v. M/s Commercial Steel Limited, Civil Appeal No. 5121 of 2021, decided on 03.09.2021 માં પણ વાજબી તક વિનાના આદેશને અમાન્ય ગણાવ્યો છે. 24-48 કલાકમાં જવાબ માંગવો “reasonable opportunity” નથી. તેવી જ રીતે ક્યાં દિવસ સુધીમાં કરદાતાએ જવાબ આપવાનો છે અને કરદાતાએ વ્યક્તિગત સુનાવણી માટે ક્યાં દિવસે અને ક્યાં સ્થળે જવાનું છે કે સુનાવણી ઓનલાઈન છે જેવી બાબતો પણ કારણ દર્શક નોટિશને કાયદેસરની બનાવે છે.
CBIC Circular No. 122/41/2019-GST dated 05.11.2019 મુજબ DIN વગરનું સંચાર અમાન્ય છે. અનેક હાઈકોર્ટે DIN/સહી વગરના આદેશોને અમાન્ય ગણાવ્યા છે. તાજેતરમાં અમુક કેસોમાં Reference Number (RFN)ને પર્યાપ્ત માનવામાં આવ્યું છે, પરંતુ સહી વગરના દસ્તાવેજો હજુ પણ પડકારી શકાય છે. અહી ડિજિટલી સહી વાળી નોટિશ માન્ય છે પરંતુ કોઈ સહી વગરની નોટિશને નોટિશ કહી શકાતી નથી.
GST કાયદાની કલમ 169 CGST Act મુજબ સેવા કાયદેસર અને અસરકારક હોવી જોઈએ. માત્ર પોર્ટલ પર અપલોડ કરવું પૂરતું નથી જો તે કરદાતાના વાસ્તવિક જ્ઞાનમાં ન આવે. The Assistant Commissioner of State Tax & Ors. v. M/s Commercial Steel Limited, Civil Appeal No. 5121 of 2021, decided on 03.09.2021 માં બજવણીની અસરકારકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. કલકત્તા હાઈકોર્ટે M/s. Birla Brothers Private Limited v. Deputy Commissioner of Revenue, WPA No. 26252 of 2025, dated 24.11.2025ના કેસમાં સ્પષ્ટ કર્યું છે કે “Additional Notices and Orders” ટેબ અથવા hidden tab માં અપલોડ કરેલી નોટિસને યોગ્ય બજવણી ગણી શકાય નહીં. જો કે આવા અનેક ચુકાદાઓ પછી GSTN દ્વારા દરેક નોટિશ માટે એક જ ટેબ ફરજિયાત કરાયેલ છે પરંતુ હજુ પણ આ ટેબ પર જવું જ ફરજિયાત નથી આથી જો કરદાતા આ ટેબ ઓપન ન કરે તો તેઓને પોતાના ઉપર નોટિશ આવી છે કે કેમ તે ખબર પડતી નથી આથી કોઈ પણ નોટિશની નિર્ધારિત સુનાવણીના દિવસે કરદાતા દ્વારા કોઈ પ્રતીભાવ ન આવે તો કાયદાના પાલન કરવા જવાબદાર અધિકારી જે તે નોટિશની વ્યવસ્થિત બજવણી થઈ છે કે કેમ તે બાબત ચકાસવી જોઈએ અને શક્ય હોય તો ઈમેઈલ, અથવા ટપાલથી નોટિશ ફરી બજાવવા પ્રયત્ન કરવો જોઈએ.
નોટિશમાં હકીકતો (facts) અને કાનૂની કારણો (grounds) સ્પષ્ટપણે અલગ કરવા જોઈએ. “તમારો ડેટા મિસમેચ છે, ખુલાસો કરો” જેવી અસ્પષ્ટ નોટિસ “fishing and roving inquiry” ગણાય છે અને અમાન્ય છે. ITO v. Lakhmani Mewal Das, (1976) 103 ITR 437 (SC) ના કેસમાં જેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ‘reason to believe’ કોઈ અનુમાન કે fishing enquiry પર આધારિત હોઈ શકતું નથી. અનેક વખત જોવાયું છે કે નોટિસમાં માત્ર એટલું જ લખે છે કે “તમારો ડેટા મિસમેચ છે, ખુલાસો કરો.” પણ કયો ડેટા? કયા મહિનાનો? કયા સપ્લાયર સાથે? તે પ્રશ્ન જ ગાયબ હોય છે. જો નોટિસમાં ચોક્કસ પ્રશ્ન જ ન હોય, તો કરદાતા શું સ્પષ્ટતા આપે? જો નોટિસ સ્પષ્ટ ન હોય, તો તે નોટિસના આધારે થયેલો કોઈ પણ ઓર્ડર ટકી શકે નહીં. તેવી જ રીતે માત્ર હકીકતો અને કાનૂની દલીલો પરથી ક્યાં કારણે અધિકારી, જે તે કરદાતાને દોષી માને છે તે બાબતો પણ નોટિશમાં સ્પષ્ટ હોવી જોઈએ. માત્ર આંકડાકીય ટેબ્યુલેશન અને ગણતરીનો ઉલ્લેખ અને રકમનું માંગણું પ્રદર્શિત કરતી કોઈ નોટિશ કાયદેસરણીઓ બની જતી નથી.
DRC-01 માત્ર સારાંશ છે; તે વિગતવાર SCNનો વિકલ્પ નથી. ગૌહાટી હાઈકોર્ટે Md. Shoriful Islam v. The State of Assam, 2026 TAXSCAN (HC) 311, WP(C) No. 471 of 2026, dated 06.01.2026માં સ્પષ્ટ કર્યું છે કે માત્ર DRC-01 આપીને કાર્યવાહી શરૂ કરી શકાય નહીં. આને “absence of notice” તરીકે જોવામાં આવે છે.
કલમ 73 અને 74 હેઠળ નોટિશ સમયમર્યાદામાં જ આપવી જોઈએ. CCE v. M.P. Steel Corporation, (2015) 7 SCC 58 અને Canon India Pvt. Ltd. v. Commissioner of Customs, (2021) 3 SCC 799માં સુપ્રીમ કોર્ટે limitation અને jurisdictionના મુદ્દાને મૂળભૂત ગણાવ્યા છે. અહી ખાસ છે કે કલમ 73 નાનકડી કે મોટી ભૂલ માટે છે જ્યારે કલમ 74 કરચોરી માટે છે અને આથી જો કલમ 74 હેઠળ નોટિશ આપવામાં આવી હોય અને તેમાં કરદાતાનું ગુનાહિત માનસ સાબિત કરવામાં ન આવ્યું હોય તો તે નોટિશ ન્યાયિક તપાસ હેઠળ ટકી શકવાની શક્યતા ઘટે છે. Uniworth Textiles Ltd. v. CCE, (2013) 9 SCC 753 જેવા કેસમાં નામદાર સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કરેલ છે કે માત્ર ટેક્ષની ક્ષતિ કલમ 74 હેઠળ નોટિશ પાત્રતા ઊભી નથી કરી શકતું. આથી આવી કલમોના ઉપયોગ વખતે અધિકારીએ નોટિશ મેળવનાર વ્યક્તિએ કોઈ ગુનો – કે કરચોરી કરી છે તે સાબિત પણ કરવું પડે છે.
કારણ દર્શક નોટિશ GST વ્યવસ્થામાં કુદરતી ન્યાયનો આધારસ્તંભ છે. તેમાં સ્પષ્ટતા, આધારભૂત દસ્તાવેજો, તટસ્થતા, વાજબી સુનાવણી, યોગ્ય સેવા અને સત્તાવાર ઓથેન્ટિકેશન હોવાં ફરજિયાત છે. આ તત્ત્વો વિનાની નોટિશ Article 226 હેઠળ પડકારી શકાય છે.
“Justice must not only be done but must also appear to be done.” GSTમાં અધિકારીઓએ યાંત્રિક અભિગમને બદલે બુદ્ધિશક્તિ (application of mind) નો ઉપયોગ કરીને ન્યાયિક પ્રક્રિયાને મજબૂત બનાવવી જોઈએ. આમ કરવાથી કરદાતાનો કાયદા પરનો વિશ્વાસ જળવાઈ રહેશે.
***
અક્ષત વ્યાસ, જામનગર
