પડતર કેસોનો નિકાલ કરવા ગુજરાત હાઇકોર્ટ ચલાવશે ખાસ ઝુંબેશ

દરેક ચાલુ શનિવારના રોજ 10 વર્ષ કે તેથી જૂના ક્રિમિનલ કેસ સુનાવણી માટે લેવામાં આવશે
તા. 09.07.2025: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ન્યાયિક ક્ષેત્રે પક્ષકારોની રાહત માટે ખૂબ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 05 જુલાઇથી દરેક ચાલુ શનિવારે 10 વર્ષ કે તેથી વધુ વર્ષ જૂના ક્રિમિનલ અપીલના કેસો અને એવા કેસો જેમાં અરજદાર 10 વર્ષથી વધુ જેલમાં હોય તેવા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસોમાં ભલે આગળ તારીખ આપવામાં આવેલ હોય તો પણ આ ઝુંબેશ હેઠળ આ કેસોની ખાસ સુનાવણી હાથ ધરવામાં આવશે. જો કે સૌથી જૂના 100 કેસોની સુનાવણી દર બુધવારે ચાલુ હોય આ કેસોનો સમાવેશ શનિવારે કરવામાં આવશે નહીં તેવી જાહેરાત કરવામાં આવેલ છે. ગુજરાત હાઇકોર્ટની રજીસ્ટ્રી સામાન્ય રીતે પ્રથમ અને ત્રીજા શનિવારે ચાલુ રહે છે. પરંતુ આ દિવસોમાં કોર્ટની સુનાવણીની કામગીરી થતી હોતી નથી. પણ આ ખાસ ઝુંબેશ અંતર્ગત આ કોર્ટ ચાલુ હોય તેવા શનિવારે કોર્ટ જૂના પડતર કેસો માટે ખાસ સુનાવણી હાથ ધરશે. આ ખાસ ઝુંબેશ જુલાઇ 2025 થી ઓક્ટોબર 2025 સુધી હાથ ધરવામાં આવશે. આ અંગે વાત કરતાં ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ચિંતનભાઈ પોપટ જણાવે છે કે “ગુજરાત હાઇકોર્ટનું આ પગલું ભારતીય ન્યાય વ્યવસ્થામાં નવા અધ્યાયની શરૂઆત કરશે. આવા ઘણા કેસો જે વર્ષોથી ચાલી રહ્યા છે તેનો અંત આવશે તેવું લાગી રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયથી ઘણા અરજદારો અને તેમના પરિવારોને રાહત મળશે તેવું હું માની રહ્યો છું.”
ગુજરાત હાઇકોર્ટમાં અંદાજે 1.77 લાખ કેસો પડતર છે તેવી માહિતી મળી રહી છે. હાઇકોર્ટનો આ નિર્ણય ન્યાયતંત્રમાં પડતર કેસો ઘટાડવા તરફના પગલાંમાં અન્ય કોર્ટને પણ રાહ ચિંધનારું સાબિત થશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે