લોન માત્ર ચેકથી લેવામાં આવી હોય તે નથી પુરતું!!! આ બાબતોનું પણ ધ્યાન રાખવું છે જરૂરી
-By ભવ્ય પોપટ, એડવોકેટ
તા. ૨૪.૧૦.૨૦૨૫:
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કોઈ વ્યક્તિએ લોન સ્વીકારવા તથા પરત કરવા બાબતે અમુક ખાસ મર્યાદાઓ આપવામાં આવેલ છે. કોઈ વ્યક્તિ કેટલી રકમ સુધી રોકડમાં લોન સ્વીકારી શકે, બેંક દ્વારા સ્વીકારવામાં આવેલ લોન બાબતે ક્યાં ક્યાં પરિબળો લોન આપનારના જોવા જરૂરી છે, લોન લીધા બાદ વ્યાજ આપવું ફરજીયાત છે?, લીધેલ લોન પરત કરવા કઈ બાબત ધ્યાને લેવી જરૂરી છે એ બાબતે ટેક્સ પ્રોફેશનલ્સને સતત પ્રશ્નો કરવામાં આવતા હોય છે. આ લેખમાં આ પ્રકારના પ્રશ્નો અંગે માહિતી આપવા પ્રયાસ કરવામાં આવેલ છે.
ઇન્કમ ટેક્સ કાયદાની 269SS – લોન રોકડમાં સ્વીકારવાની મર્યાદા
ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269SS મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિ પાસેથી 20000 રૂપિયા કે તેથી વધુ લોન રોકડમાં સ્વીકારી શકશે નહીં. ૨૦૦૦૦/- કે તેથી ઉપરની લોન એકાઉન્ટ પેયી ચેક, એકાઉન્ટ પેયી બેંક ડ્રાફ્ટ અથવા ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ જેમ કે NEFT RTGS UPI IMPS દ્વારા કરવું જરૂરી છે.
જો કે ઉપરના નિયમ માટે નીચના વ્યવહારોને અપવાદ તરીકે ગણવાના રહે છે. આનો અર્થ એ રહે કે નીચે પૈકી વ્યક્તિઓ પાસેથી મેળવવામાં આવતી અથવા તેમના દ્વારા મેળવવામાં આવતી લોન ઉપર આ બાધ લાગુ પડે નહિ.
– કેન્દ્ર અથવા રાજ્ય સરકાર
– બેંક અથવા સહકારી બેંક
– પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક
– કોઈ કોર્પોરેશન કે સરકારી સંસ્થા
– ગવર્મેન્ટ કંપની
– અન્ય એવી સંસ્થા જેને કેન્દ્ર સરકાર દ્વારા છૂટ આપવામાં આવી હોય
“લોન સાથે આ જ કલમમાં “સ્પેસિફાઈડ સમ” શબ્દો પણ આપવામાં આવેલ છે. “સ્પેસિફાઈડ સમ” એટલે સ્થાવર મિલ્કતની ખરીદી માટે આપેલી એડવાન્સ રકમનો પણ સમાવેશ થઇ જાય છે. આમ, કોઈ મિલ્કતના વેચાણ પેટે એડવાન્સ મેળવવામાં આવે તે વ્યવહારનો પણ સમાવેશ થઇ જાય છે.
આ બાબતનું ધ્યાન રાખવામાં નાં આવે તો શું દંડ થઇ શકે?
૨૦૦૦૦/- કે તેથી વધુ રકમની લોન જો રોકડમાં સ્વીકારવામાં આવી હોય તો સ્વીકારનાર વ્યક્તિને જેટલી રકમ લોન પર સ્વીકારવામાં આવેલ હોય તેટલી રકમનો દંડ થઇ શકે છે. ઇન્કમ ટેક્સ
આ દંડ ફરજીયાત લાગુ પડે કે તેમાંથી મુક્તિના કોઈ વિકલ્પ છે?
ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 273B હેઠળ આ પ્રકારે વ્યવહાર કરવાનું જો વ્યાજબી કારણ બતાવી શકાય જે આકારણી અધિકારીને સ્વીકાર્ય હોય તો દંડ માફ કરવાની સત્તા તેઓની પાસે છે.
ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269T – લોન પરત ચૂકવણીની મર્યાદા
ઇન્કમ ટેક્સ કાયદા ની કલમ 269T હેઠળ કોઈ પણ વ્યક્તિ અથવા ફર્મ અથવા કંપની જે વ્યક્તિ પાસેથી લોન લીધેલ હોય અને તેની રકમ વ્યાજ સહિત 20000 રૂપિયા કે તેથી વધુ હોય તે રોકડમાં ચૂકવી શકશે નહીં. આ સંજોગોમાં લોનની રકમની ચૂકવણી માત્ર એકાઉન્ટ પેયી ચેક ડ્રાફ્ટ અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા જ કરવી જોઈએ.
મહત્વપૂર્ણ મુદ્દા
– લોનની કુલ રકમ અને વ્યાજનો કુલ આકાર 20000 થી વધુ હોય તો રોકડમાં ચુકવણી મનાઈ છે.
– ચુકવણી કરતી વખતે બેંકના ખાતામાં જ ક્રેડિટ આપીને પણ ચુકવણી કરી શકાય છે.
– 269SS જેવી જ રીતે 269T માં પણ સરકાર બેંક સરકારી કંપની વગેરેના જે અપવાદ જણાવવામાં આવેલ છે તેના માટે આ મર્યાદામાં પણ છૂટ આપવામાં આવેલ છે.
આ બાબતનું ધ્યાન રાખવામાં નાં આવે તો શું દંડ થઇ શકે?
૨૦૦૦૦/- કે તેથી વધુ રકમની લોન જો રોકડમાં સ્વીકારવામાં આવી હોય તો સ્વીકારનાર વ્યક્તિને જેટલી રકમ લોન પર સ્વીકારવામાં આવેલ હોય તેટલી રકમનો દંડ થઇ શકે છે. ઇન્કમ ટેક્સ
અન્ય કોઈ વ્યક્તિ, મિત્રો-સગા સબંધી પાસેથી લોન લેવા બાબતે આ બાબતોનું રાખો ધ્યાન
સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે કોઈ પણ લોન ખાસ કરીને એવી લોન કે જે ૨૦૦૦૦ કે તેથી વધુની છે તે રકમ એકાઉન્ટ પેઇ ચેકથી લેવામાં આવેલ હોય તો આ લોન ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ યોગ્ય લોન કહેવાય અને આ બાબતે બે ફીકરાઈથી લોન ચોપડા પર લઇ લેતા હોય છે. આજે આ લેખમાં ખાસ આ મુદ્દા ઉપર ધ્યાન દોરવાનું મારો હેતુ છે. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ લોન લેવા બાબતે માત્ર બેંક વ્યવહાર જ જરૂરી છે એમ માનવું ભૂલ ભરેલું છે. ચેક દ્વારા થયેલ વ્યવહારથી એ બાબત સાબિત થઇ જાય છે કે આ વ્યવહાર “જેન્યુઈન છે”. કોઈ પણ લોન ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ તો જ માન્ય ગણાય જો આ વ્યવહાર નીચેની કસોટી પર પૂર્ણ ઉતરે:
૧. જેન્યુઈનનેસ ઓફ ટ્રાન્સેકશન:
૨. ક્રેડીટ વર્થીનેસ ઓફ ક્રેડીટર્સ:
૩. આઈડેન્ટીટી ઓફ ક્રેડીટર્સ:
જો કોઈ વ્યક્તિ પોતાના વ્યવસાયમાં લોન બતાવે છે તો તે માત્ર આંકડા રૂપે પૂરતું નથી. આ લોન સાચી છે તે સાબિત કરવા નીચેના ત્રણ મુદ્દા મહત્વના છે
1. જેન્યુઈનનેસ ઓફ ટ્રાન્સેકશન:
લોનનું વ્યાપારિક હેતુ હોવો જોઈએ. લોન આપનાર અને લેનાર વચ્ચે વાસ્તવિક નાણાંનો પ્રવાહ થવો જોઈએ. જો આ માત્ર કાગળ પરની એન્ટ્રી હોય તો તે ફિક્ટિશિયસ લોન ગણાય. આમ, બેંક દ્વારા કરવામાં આવેલ વ્યવહારથી આ જવાબદારી મહદઅંશે પૂર્ણ થઇ જાય છે.
2. ક્રેડીટ વર્થીનેસ ઓફ ક્રેડીટર્સ:
લોન આપનાર પાસે આ લોન આપવાની નાણાકીય શક્તિ હોવી જોઈએ. તેની આવક મિલ્કત અને બેંક સ્ટેટમેન્ટથી તે સાબિત થવી જોઈએ. આ બાબત સાબિત કરવા લોન આપનારના ઇન્કમ ટેક્સ રીટર્ન ખુબ મહત્વના સાબિત થવાના છે. આમ, જો લોન આપનાર વ્યક્તિ ઇન્કમ ટેક્સ રીટર્ન નિયમિત પાછલા વર્ષોથી ભરતા હોય તો આ બાબતે ક્રેડીટ વર્થીનેસ સાબિત કરવાનો સૌથી મહત્વનો પુરાવો ગણી શકાય. આગલા દિવસે લોન આપનારના ખાતામાં મોટી રકમ જમા થાય અને બીજે દિવસે કે આવનારા ટૂંક સમયમાં આ રકમ લોન તરીકે આપવામાં આવેલ હોય તેવા વ્યવહારો ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ માટે સ્વીકારવામાં આવતા હોતા નથી.
3. આઈડેન્ટીટી ઓફ ક્રેડીટર્સ:
લોન આપનારનું નામ સરનામું પેન નંબર આધાર વગેરે હોવું જોઈએ. લોન આપનારના ઓળખ પુરાવા જેવા કે PANકાર્ડ અને આધાર કાર્ડ પણ મેળવી લેવા જરૂરી છે.
જો આ ત્રણ બાબતો પુરવાર ન કરી શકાય તો એ ઓ લોનને તમારી આવક તરીકે ગણાવી શકે છે અને મોટી રકમનો ટેક્સ, વ્યાજ દંડને પાત્ર વ્યક્તિ બની જાય છે. .
સારાંશ
– ઇન્કમ ટેક્સની કલમ 269SS મુજબ લોન 20000 થી વધુ રોકડમાં સ્વીકરવાની મનાઈ છે
– ઇન્કમ ટેક્સની કલમ 269T મુજબ લોન અથવા ૨0000 થી વધુ નગદમાં ચુકવવું મનાઈ છે
– બંનેના ઉલ્લંઘન માટે દંડ લાદી શકાય છે પરંતુ વાજબી કારણ દર્શાવવાથી માફી શક્ય છે
-ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કોઈ પણ લોન સાબિત કરવા તે વ્યવહારની ઉપર દર્શાવેલ ત્રણ બાબતો સાબિત કરવી જરૂરી છે
– લોન લેવડદેવડ હંમેશા ચેક અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા કરવી
– જો એન્ટ્રી માત્ર એકાઉન્ટિંગ એડજસ્ટમેન્ટ દ્વારા હોય તો તેના પુરાવા રાખવા
ઇન્કમ ટેક્સની કલમ ધારા 269SS અને 269T નો ઉદ્દેશ કાળા ધનને રોકવાનો અને વ્યવહારો વધુ પારદર્શક બનાવવાનો છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. ૨૦.૧૦.૨૦૨૫ ના રોજ પ્રકાશિત થયેલ છે)
