ગુજરાત હાઈકોર્ટે દ્વારા ઇન્કમ ટેક્સ અધિકારી ઉપર ફટકારવામાં આવ્યો 1 કરોડનો દંડ

Spread the love
Reading Time: 2 minutes

કેસના તથ્યો ધ્યાને લીધા વગર મોટી રકમનું માંગણુ ઊભું કરી આદેશ પસાર કરવા બદલ લગાડવામાં આવ્યો દંડ:

તા. 27.03.2025: ગુજરાત હાઇકોર્ટની ન્યાયાધીશ ભાર્ગવ ડી. કારિયા અને ન્યાયાધીશ ડી.એન. રેની ટેક્સ બેન્ચ દ્વારા પંજાબ નેશનલ બેન્ક વી. ઇન્કમ ટેક્સ ઓફિસર, ના કેસમાં ચુકાદો આપતા જણાવ્યુ કે આવકવેરા અધિકારી તેમજ નેશન ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર (NFAC) જેમણે મર્જર થયેલ  એન્ટિટી સામે ફેર આકારણીનો આદેશ પસાર કર્યો હતો તે સમજદારીના અભાવ વાળો અને કેસની હકીકતો ધ્યાને લીધા વગરનો ગણી શકાય. આકારણી અધિકારી દ્વારા જે PAN ઉપર આદેશ પસાર કરવામાં આવેલ હતો તે મર્જ થયા પહેલા ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના નામનો હતો, જે હાલ પંજાબ નેશનલ બેન્ક સાથે મર્જ થઈ ગઈ છે. કોર્ટ દ્વારા દ્વારા નોંધવામાં આવ્યું હતું કે ફેર આકારણી માટેની નોટિસ એ મર્જર પછી જૂના કરદાતાને આપી શકાય નહીં.

બેન્ચે નોંધ્યું હતું કે આવકવેરા અધિકારીએ કોઈપણ હિસાબી ચોપડા ધ્યાનમાં લીધા નથી પરંતુ ફક્ત જે તે વર્ષના NMS ડેટાના આધારે તેને એક હકીકત તરીકે સ્વીકારીને રૂ. 393.97 કરોડનું મોટું માંગણું કરીને પુનઃમૂલ્યાંકનનો આદેશ પસાર કર્યો છે. અધિકારી દ્વારા યોગ્ય પૂછપરછ કર્યા વિના આ માંગણું ઉપસ્થિત કરવામાં આવ્યું છે. ફેર આકારણીની નોટિસ સામે અરજદાર, પંજાબ નેશનલ બેંક દ્વારા આપવામાં આવેલા નિવેદનો કે જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે 01/04/2020 પછી OBC બેંક અસ્તિત્વમાં નથી અને તેથી PAN રદ કરનાર બેંકના નામે કોઈ આકારણી આદેશ પસાર થઈ શકે નહીં. આ હકીકતને અવગણીને આકારણી આદેશ પસાર કરી આપવામાં આવ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટની ટેક્સ બેન્ચે વધુમાં નોંધ્યું હતું કે આવકવેરા કાયદાની કલમ 151 હેઠળ ઉચ્ચ અધિકારીઓની પૂર્વ પરવાનગીથી પુનઃમૂલ્યાંકન કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં આસી. કમિશ્નર ઇન્કમ ટેક્સ દ્વારા પોતાની વિવેક બુદ્ધિ વાપર્યા વગર જ ફેર આકારણીની નોટિસ જારી કરવાની મંજૂરી આપી છે.

કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર દ્વારા રજૂ કરાયેલા તથ્યોથી અજાણ વિભાગે ફેર આકારણી આદેશ પસાર કર્યો છે જેના પરિણામે રૂ. ૩૯૩.૯૭ કરોડનું “હાઇ પિચ એસેસમેંટ” કરવામાં આવ્યું છે. આ આકારણી આદેશમાં ટેક્સ, વ્યાજ સહિત રૂ. ૬૪૮.૨૬ કરોડની કરની ડિમાન્ડ કરવામાં આવી છે. જે કરદાતાનું અસ્તિત્વ જ ના હોય તેની સામે આદેશ પસાર ના થઈ શકે તેવા મોટા પ્રમાણમા ચૂકદાઓ ગુજરાત હાઇકોર્ટ સહિત અન્ય હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ છે. આ ચૂકદાઓ ધ્યાને લીધા વગર બિન હયાત કરદાતા ઉપર પસાર કરવામાં આવેલ ફેર આકારણીનો આદેશ રદ બાતલ ઠરાવતા કોર્ટે અરજદાર બેંકને ચૂકવવા માટે પ્રતિવાદી વિભાગ પર રૂ. ૧ કરોડનો ખર્ચ લાગુ કરવામાં આવ્યો છે.

નેશનલ ફેસલેસ યુનિટ દ્વારા આવા ઘણા આદેશો કેસની હકીકતોને ધ્યાને લીધા સિવાય, રજૂ કરવામાં આવેલ ચૂકદાઓને અવગણીને પસાર કરવામાં આવે છે તેવી ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે. ઘણા મોટા પ્રમાણમા “હાઇ પિચ” આકારણીઓ કરવામાં આવતી હોય છે. ગુજરાત હાઇકોર્ટની ટેક્સ બેન્ચ દ્વારા આપવામાં આવેલ આ ચુકાદો કે જેમાં આકારણી અધિકારીને આ પ્રકારની ચૂક બદલ દંડ લગાડવામાં આવેલ હોય, કદાચ આ બાબતે આકારણી અધિકારીઓ માટે સબક રૂપ તથા સીમા ચિન્હ રૂપ સાબિત થઈ શકે છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!