ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. ની આવકમાં વિક્રમી વધારો
2021 22 ના બજેટના અંદાજ કરતાં 5 લાખ કરોડ જેટલો ટેક્સ કલેક્શનમાં વધારો. ટેક્સ કલેક્શનમાં વધારો આર્થિક તેજીનો સંકેત: નાણાં મંત્રાલય
તા. 10.04.2022: કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી 28, 2021 ના રોજ રજૂ કરવામાં આવેલ નાણાકીય વર્ષ 2021 22 ના અંદાજપત્ર (બજેટ) માં કરવામાં આવેલ ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ના અંદાજોથી વધુ ટેક્સ કરદાતાઑ દ્વારા ચૂકવવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા એક પ્રેસ વિજ્ઞપ્તિ તારીખ 08 એપ્રિલ 2022 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા ટેક્સ કલેક્શનના આંકડા બહાર પડતાં કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે નાણાકીય વર્ષ 2021 22 ના બજેટના અંદાજનો રેવન્યુ કલેક્શનનો આંકડો 22.17 લાખ કરોડનો હતો. આ સામે નાણાકીય વર્ષ દરમ્યાન 27.07 લાખ કરોડ જેટલો ટેક્સ સરકાર દ્વારા વસૂલવામાં આવેલ છે. આમ, અંદાજે 5 લાખ કરોડ જેટલો વધુ ટેક્સની આવક સરકારને થઈ છે. આ પ્રેસ રીલીઝમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટેક્સમાં થયેલ આ વધારો Covid 19 બાદ આર્થિક ક્ષેત્રે રિકવરીના સંકેત ગણી શકાય. ટેક્સ કલેક્શનમાં થયેલ આ વધારાનો શ્રેય ટેક્સ ડિપાર્ટમેંટની મહેનતને પણ જાઈ છે તેવું પણ આ પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2021 22 ના ટેક્સ કલેક્શન એ ટેક્સ-જી.ડી.પી. પ્રમાણને 11.7 % ના સ્તરે લઈ જાય છે જે વર્ષ 1999 પછીના સૌથી સારા ટેક્સ જી.ડી.પી રેશિયોને દર્શાવે છે.
ઇન્કમ ટેક્સની વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2021 22 માં કોર્પોરેટ ટેક્સ 8.6 લાખ કરોડ રહેવા પામ્યો છે જે ગત વર્ષ નાણાકીય વર્ષ 2020 21 માંના 5.6 લાખ કરોડના સાપેક્ષમાં સારી એવી વૃદ્ધિ દર્શાવે છે. પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા નાણાકીય વર્ષમાં જૂના પડતર રિફંડ ચૂકવવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 31 માર્ચ 2022 સુધીમાં નાણાકીય વર્ષ 2021 22 માટે 2.01 લાખ કરોડ સહિત કુલ 2.24 લાખ કરોડના રિફંડની ચુકવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા રિટર્ન પ્રોસેસ કરવાની પદ્ધતિને વેગવંતી બનાવવામાં આવી છે અને તેના દ્વારા 75% રિટર્નનું પ્રોસેસિંગ 1 મહિનાથી ઓછા સમયમાં કરી નાંખવામાં આવ્યું છે તેમ જણાવવામાં આવ્યું છે. વર્ષ દરમ્યાન એવરેજ ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રોસેસિંગ ટાઈમ 26 દિવસનો રહેવા પામ્યો છે. નાણાકીય વર્ષ 2021 22 દરમ્યાન 7.14 કરોડ રિટર્ન ભરવામાં આવ્યા હતા જે ગત વર્ષ નાણાકીય વર્ષ 2020 21 ના 6.97 કરોડના સાપેક્ષમાં 15 લાખ જેટલો વધારો સૂચવે છે.
CGST ના ટેક્સ કલેક્શન અંગે વાત કરવામાં આવે તો ગત વર્ષ નાણાકીય વર્ષ 2020 21 માં CGST કલેક્શન 4.6 લાખ કરોડ રહેવા પામ્યું હતું જેના સાપેક્ષમાં નાણાકીય વર્ષ 2021 22 નું CGST કલેક્શન 5.9 લાખ કરોડ રહેવા પામ્યું છે. વર્ષ 2021 22 માં માસિક જી.એસ.ટી. કલેક્શનની એવરેજ 1.23 લાખ કરોડ રહેવા પામી હતી જે નાણાકીય વર્ષ 2020 21 ના 0. 95 લાખ કરોડ અને નાણાકીય વર્ષ 2019 20 ના 1.01 લાખ કરોડના સાપેક્ષમાં સારો એવો વધારો દર્શાવે છે. પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે જી.એસ.ટી. હેઠળના રિટર્ન GSTR 3B ભરવાના પ્રમાણમા 87% જેવી વૃદ્ધિ ફેબ્રુઆરી 2022 સુધીમાં જોવામાં આવી છે જ્યારે આ જ ગાળા માટે જી.એસ.ટી. હેઠળના વેચાણના રિટર્ન એવા GSTR 1 ભરવાનું પ્રમાણ 82% જેવુ રહ્યું છે. GSTR 3B તથા GSTR 1 ભરવા અંગેનો ગાળો નહિવત્ત થવા પામ્યો છે જે ખરેખર સરાહનીય બાબત ગણી શકાય. માર્ચ 2022 માં 25.7 લાખ કરોડ જેવા ઇ વે બિલ બન્યા છે જે જાન્યુઆરી 2021 માં બનેલ 16.9 લાખ કરોડની સાપેક્ષમાં ખૂબ વધુ ગણાય. આ બાબત અર્થતંત્રમાં આવેલ તેજીનો સંકેત ગણી શકાય તેવું પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે.
બજેટમાં ધારણા કરેલ ટેક્સ કલેક્શન કરતાં ઘણું વધુ ખરેખર થયેલ ટેક્સ કલેક્શન નાણાકીય વર્ષમાં થયું હોય, સરકાર પાસે વિકાસકામો માટે વધુ રકમ ઉપલબ્ધ રહેશે. ટેક્સ ભરવામાં સતત વધારો થઈ રહ્યો છે તેનું કારણ આ પ્રેસ વિજ્ઞપ્તિમાં દર્શાવેલ છે તેમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં આવેલ મહેનત ચોક્કસ ગણાય પરંતુ આ ઉપરાંત તેનું એક મોટું કારણ ટેક્સ ચુકવણી અંગે લોકોમાં આવેલ જાગરુકતા પણ ગણી શકાય. વધુને વધુ ટેક્સ મેળવતી સરકાર દ્વારા દેશમાં વધુમાં વધુ વિકાસ કર્યો હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે. વધુ ટેક્સ કલેક્શનના પગલે વિકાસના કામોમાં ઔર તેજી આવશે તેવી આશા કરદાતાઓ તથા આમ આદમી સરકાર પાસે રાખી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.