ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા ખોટી કપાતો, કરમુક્તિઓ બાદ લેતા કરદાતાઓ પર આવશે તવાઈ!!

14 જુલાઇએ દેશના વિભિન્ન સ્થળો ઉપર આ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી: આ ચકાસણીમાં કરદાતા, ટેક્સ રિટર્ન પ્રિપેરર તથા ટેક્સ પ્રોફેશનલ્સ છે સામેલ
તા. 15.07.2025: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા 14 જુલાઇના રોજ સમગ્ર દેશના વિભિન્ન સ્થળોએ બોગસ ઇન્કમ ટેક્સ કપતો અને કરમુક્તિઓના દાવા કરનાર કરદાતાઓ તથા તેમને મદદ કરનાર સરકાર દ્વારા માન્ય ટેક્સ રિટર્ન પ્રિપેરર તથા ટેક્સ પ્રોફેશનલ્સને ત્યાં તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ તપાસ વિગતવાર માહિતી મેળવી, જમીની સ્તરે માહિતીની મુલવણી કરી હાથ ધરવામાં આવેલ છે. આ માહિતીમાં એવું ફલિત થતું હતું કે ઘણા મોટાપાયે કરદાતાઓ ખોટા અને બોગસ કર કપાતો અને કરમુક્તિઓના દાવા કરી રહ્યા છે. આ કામમાં અમુક ટેક્સ રિટર્ન પ્રિપેરર અને ટેક્સ પ્રોફેશનલ્સ પણ સામેલ હોવાની માહિતી પણ ડિપાર્ટમેંટને મળેલ હતી. અમુક કેસોમાં તો ખોટા TDS ની રકમ દ્વારા વધારાના રિફંડ લેવામાં આવેલ હોય તેવી માહિતી પણ ફલિત થઈ હતી. આ માહિતી ઉપરાંત દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પંજાબ અને મધ્ય પ્રદેશમાં હાથ ધરવામાં આવેલ સર્વે અને સર્ચમાં પણ આ અંગે માહિતી ઇન્કમ ટેક્સ વિભાગને મળી હતી.
ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 10(13A) કે જે હેઠળ ઘર ભાડાને લગતી કપાતો મળે છે, 80 GGC કે જે હેઠળ રાજકીય પક્ષોને આપવામાં આવેલ દાન બાદ મળે છે, 80 E હેઠળ મળતી શૈક્ષણિક લોનની કપાત, 80D હેઠળ મળતી મેડિકલેમની કપાત, 80G હેઠળ લેવામાં આવતી દાન અંગેની કપાત જેવી અનેક કપાતો માન્ય ના હોય તે અંગેની જાણકારી હોવા છતાં બોગસ લેવામાં આવી રહી હોવાની માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને મળી હતી. આ બોગસ કપાતો લેવામાં સરકારી પબ્લિક સેક્ટર યુનિટના કર્મચારી, મલ્ટી નેશનલ કંપનીના કર્મચારી, વિવિધ શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓ, ધંધાકીય એકમો નો સમાવેશ થાય છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને મળેલ માહિતી મુજબ અમુક ટેક્સ રિટર્ન પ્રિપેરર્સ તથા ટેક્સ પ્રોફેશનલ્સ આ પ્રકારની બોગસ ક્પાતો લેવા કમિશન કે ઊચી ફી લઈ સેવા પૂરી પાડે છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને એવું પણ માલૂમ પડ્યું છે કે અમુક વ્યવસાયીઓ બલ્કમાં ઇ મેઈલ બનાવી પછી આ ઇ મેઈલ બંધ કરી આપતા હોય છે જેના કારણે અધિકારીક નોટિસના મેઈલ વાંચવામાં આવતા નથી.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા “ટ્રસ્ટ ટેક્સ પેયર્સ ફર્સ્ટ” નું વલણ રાખી તેઓને સામેથી આ બોગસ કપતો રિવર્સ કરી લાગુ ટેક્સ વ્યાજ સાથે ભરી આપવા SMS તથા ઇ મેઈલ દ્વારા જણાવવામાં આવેલ છે. આ બાબતે ઇન્કમ ટેક્સ ઓફિસ દ્વારા કરદાતાઓને જાગૃત કરવા ઘણા કાર્યેક્રમો પણ કરવામાં આવેલ છે. આ ઝુંબેશને કારણે છેલ્લા ચાર મહિનામાં અંદાજે 40 હજાર જેવા કરદાતાઓએ પોતાના રિટર્ન અપડેટ કર્યા છે. આ અપડેટેડ રિટર્નના કારણે કરદાતાઓએ 1045 કરોડ જેવી રકમની બોગસ કપતો રિવર્સ કરી છે. આમ છતાં હજુ ઘણા કરદાતાઓએ આ બાબતે કશું કરેલ નથી. આ કરદાતાઓ આ કૌભાંડના સૂત્રધારોની બાંહેધરીના કારણે આમ ના કર્યું હોય તેવું બની શકે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા આ પ્રકારે બોગસ કપતો લેનાર વિરુદ્ધ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેમાં કરદાતા તથા તેના સહયોગી ઉપર દંડ અને ક્રિમિનલ ફરિયાદ પણ થઈ શકે છે. 150 સ્થળોએ હાલ ચાલી રહેલી કામગીરીમાં અનેક સ્ફોટક વિગતો અને માહિતી બહાર આવી શકે છે. આ પ્રેસ રીલીઝ દ્વારા કરદાતાઓને આ પ્રકારની ખોટી કપતો બાદ લેવામાં આવેલ હોય તો તાત્કાલિક રિવર્સ કરી લાગુ ટેક્સ અને વ્યાજ ભરી આપવા તાકીદ કરવામાં આવેલ છે.
ખોટી કપાતનો દાવો કરી ટેક્સ બચાવવાની વૃતિ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ સાંખી લેશે નહીં તેવું આ પ્રેસ રીલીઝમાં સ્પષ્ટ થઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2024-25 ના વર્ષમાં 7 લાખ સુધીની આવક ઉપર કોઈ ટેક્સ લાગતો નથી અને 2025 -26 થી 12 લાખ સુધીની આવક ઉપર ટેક્સ લાગુ થશે નહીં. આ પ્રકારે ઊચી મર્યાદા હોવા છતાં કરદાતાઓ આ પ્રકારે ખોટી કપાતો અને કરમુક્તિઓનો દાવો કરે તે યોગ્ય નથી. માત્ર કરદાતા જ નહીં ટેક્સ પ્રોફેશનલ્સ પણ આ અંગે સજાગ થઈ ખોટી કપાતો કે કરમુક્તિઓ ને રોકવામાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને મદદરૂપ બને તે અપેક્ષિત ગણી શકાય. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.