સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 12th July 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી
- અમારા અસીલ ખેતીની જમીન ખરીદી તેને બિનખેતી કરાવી પ્લોટ પાડી વેચાણનું કામ કરે છે. તેઓનું ટર્નઓવર 40 લાખથી વધુ થાય છે. શું તેઓએ જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત બને? જો આ વ્યવહારમાં જી.એસ.ટી. લાગુ પડે તો વેરાનો દર શું રહે? પિયુષ લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, માંડવી કચ્છ
જવાબ: ના, ખેતીની જમીન ખરીદી તેને બિનખેતી કરવી, પ્લોટ પાડી વેચવાની પ્રવૃતિ જી.એસ.ટી. કાયદાના પરિશિસ્ટ-III (શિડ્યુલ III) ની એન્ટ્રી 5 હેઠળ પડે અને જી.એસ.ટી. લાગુ પડે નહીં. જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત નથી તેવો અમારો મત છે.
- અમે એક કંપનીને મિનિ બસ વિથ ઓપરેટર (દ્રાઇવર સાથે) ભાડે આપવાનો કોન્ટ્રાક્ટ કર્યો છે. આ કોન્ટ્રાક્ટ મુજબ ભાડું 50000/- કંપની દ્વારા આપવામાં આવે છે. ડીઝલના રૂપિયા 5 લેખે અલગથી આપવામાં આવે છે. આ વ્યવહાર ઉપર જી.એસ.ટી.ની જવાબદારી કેવી રીતે આવે? શું અમારી સેવા મેળવનાર કોર્પોરેટ હોય RCM લાગુ પડે? એક વેપારી, અમદાવાદ
જવાબ: અમારા મતે આ વ્યવહાર મોટર વિહીકલ લીઝનો વ્યવહાર ગણાય અને HSN 996601 માં પડે અને 18% લેખે જી.એસ.ટી. લાગુ પડે. આ વ્યવહાર પર RCM ને લાગતું 29/2019 CGST (રેઇટ) લાગુ પડે નહીં કારણે કે એ નોટિફિકેશનમાં ફ્યુઅલ કોસ્ટ સાથે સમાવેશ થયેલ નથી.
- અમારા અસીલ તલ, વરિયાળી, ધાણાદાળ વી. મિક્સ કરી મીઠું/શિંઘવ નાંખી શેકી તેના નાના પાઉચ બનાવી વેચાણ કરે છે. આવા તૈયાર થયેલ મુખવાસ ઉપર કેટલા ટકા GST લાગે અને HSN કોડ શું આવે તે અંગે માર્ગદર્શ્ન આપવા વિનંતી. અશોક બી. ઠક્કર, એડ્વોકેટ, ડીસા
જવાબ: આપના અસીલ તલ, વરિયાળી, ધાણા દાળ વી. મિક્સ કરી મુખવાસ સ્વરૂપે વેચાણ કરે તે વ્યવહાર ઉપર HSN 2106 લાગુ પડે અને 18% લેખે ટેક્સ લાગુ પડે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ દ્વારા એક ખેતીની જમીનનું વેચાણ ફેબ્રુઆરી 2012 માં કરવામાં આવ્યું હતું. તેઓનું અવસાન 2015 માં થયું હતું. તેઓ ઉપર ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 148 હેઠળ ફેરઆકારણીની નોટિસ ડિપાર્ટમેંટ દ્વારા આપવામાં આવેલ છે. શું આ નોટિસ યોગ્ય ગણાય? ભગવતીભાઈ, ટેક્સ કન્સલ્ટન્ટ, સુરત
જવાબ: ઇન્કમ ટેક્સ હેઠળ કલમ 148 હેઠળની નોટિસ મૃત વ્યક્તિને આપવી અયોગ્ય છે. આ અંગે ઊર્મિલાબેન અનિરુદ્ધસિંહ જાડેજા વી. ઇન્કમ ટેક્સ ઓફિસર (C/SCA/15310/2018) બિપિંકુમાર બચુભાઈ કાતરિયા વી. ઇન્કમ ટેક્સ અધિકારી (C/SCA/7850/2019) જેવા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ આપના કામ આવી શકે છે.
- ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 194 Q ની જવાબદારી ટર્નઓવર 10 કરોડથી નીચે હોય તો પણ બને કે તેનાથી ઉપરના ટર્નઓવર માટે જ લાગુ પડે? આ ટર્નઓવર ગણવામાં જી.એસ.ટી. સાથેનું ટર્નઓવર ગણવાનું રહે કે જી.એસ.ટી. વગરનું? ચિંતન શુક્લા, એડવોકેટ, ભાવનગર,
જવાબ: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 194 Q ની જવાબદારી માટે પાછલા વર્ષનું ટર્નઓવર જોવાનું રહે. જો પાછલા વર્ષનું ટર્નઓવર 10 કરોડથી વધુ હોય તો આ વર્ષે TDS ની જવાબદારી આવે. આ ટર્નઓવર ગણવામાં જી.એસ.ટી. વગરનું ટર્નઓવર ગણવાનું રહે.
- તા.૦૧-૦૭-૨૦૨૧ થી નવી આવેલ કલમ ૧૯૪Q હેઠળ ચાલુ વર્ષ પચાસ લાખથી વધુની ખરીદી ઉપર ૦.૧૦% મુજબ ટી.ડી.એસ કાપવાનું છે. જેનું પાછલા વર્ષનું ટર્નઓવર ૧૦ કરોડ થી વધુ છે.પરંતુ અમારે માર્કેટયાર્ડ ના વેપારીઓ જેઓ કમીશનથી માલ વેચે છે. જેમનું રૂ.૧૫૦૦૦/-નું કમીશન થાય છે. ત્યારે ૫% મુજબ TDS કપાય છે. તો કાયદા મુજબ એક જ વાર TDS કાપવાનું થાય તો ખરીદી પર કાપવું કે કમીશન પર કે બંને ઉપર ૧૯૪H કે ૧૯૪.Q ? સ્પષ્ટતા કરવા વિનંતી છે. જગદીશભાઈ વ્યાસ, એડવોકેટ, ડીસા
જવાબ: આવા કિસ્સામાં જો તમારા અસીલ પાક્કા અડતીયા હોય અને તેમના નામથી ખરીદ તથા વેચાણ થતું હોય તો કલમ 194Q હેઠળ TDS લાગુ પડશે. માત્ર કમિશનનું કામ કરતાં (કચ્ચાં આડતિયા) ના કિસ્સામાં 194H હેઠળ TDS લાગુ પડશે તેવો અમારો મત છે.
:ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિતિ થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
- આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.