સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 01st April 2023
Tax Today-The Monthly News Paper
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
- અમારા અસીલ રીફેક્ટરી બ્રિક્સનો ધંધો કરે છે. આ ધંધામાં પેમેન્ટનો ધારો 365 દિવસ ચુકવણી નો છે. આવા સંજોગોમાં શું 180 દિવસમાં પેમેન્ટ ના કરવાના કારણે દર વખતે ક્રેડિટ રિવર્સ કરી રી ક્લેઇમ કરવી પડે કે આ સિવાય કોઈ વિકલ્પ રહેલ છે? જિગ્નેશ દેત્રોજા, ધોરાજી
જવાબ: હા, જી.એસ.ટી. ની કલમ 16 મુજબ આ 180 દિવસમાં ચુકવણીની જોગવાઈમાં કોઈ છૂટ છાટ આપેલ ના હોય આપના અસિલે દર વખતે ક્રેડિટ રિવર્સ કરી ચુકવણી કરવામાં આવે ત્યારે આ ક્રેડિટ રી ક્લેઇમ કરવાની રહે છે.
- અમારા અસીલ માલ મેળવે ત્યારે માત્ર ડિલિવરી ચલણ દ્વારા માલ મેળવે છે. તેઓના વેચનારાઓ બે કે ત્રણ મહિને આ સમયગાળા દરમ્યાન મોકલવામાં આવેલ માલનું બિલ બનાવે છે. તો આવા સંજોગોમાં પ્રશ્ન એ થાય છે કે અમારા અસિલે 180 દિવસમાં ચુકવણીની શરત માટે માલ મેળવ્યો હોય તે તારીખ ગણવાની રહે કે બિલ બન્યું હોય તે તારીખ ગણવાની રહે? જિગ્નેશ દેત્રોજા, ધોરાજી
જવાબ: આ સંજોગોમાં આપના અસીલ માલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માત્ર બિલ મળે ત્યારે જ ક્લેઇમ કરતાં હશે. આ બિલ મળ્યેથી આ 180 દિવસની ગણતરી કરવાની રહે તેઓ અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલના ખાતામાં એમના પતિનું પેન્શન આવે છે. આ પેન્શન તેઓના ઇન્કમ ટેક્સ રિટર્નમાં સેલેરી આવકમાં દર્શાવવી કે ફેમિલી પેન્શનમાં દર્શાવવાની રહે? તેમના પતિના નામની એક મિલ્કતનું ભાડું પણ તેના ખાતામાં આવે છે. આ મિલ્કત હજુ તેમના પતિના નામે જ છે. તો શું પત્ની આ આવક દર્શાવવા ફરજિયાત બને? વિરલ જડવાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ
જવાબ: હા, આપના અસીલના પતિની પેન્શનની આવક આપના અસીલના ઇન્કમ ટેક્સ રિટર્નમાં ફેમિલી પેન્શન તરીકે દર્શાવવાની રહે તેવો અમારો મત છે. મિલ્કત ભાડા સંદર્ભે પણ તમારા અસીલ ઇન્કમ ટેક્સ ભાડાની આવક તરીકે દર્શાવવા જવાબદાર બને તેવો અમારો મત છે.
- અમારા અસિલે નાણાકીય વર્ષ 2018 19 માં ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન (રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ) ની ખરીદી કરેલ હતી. આ ખરીદી માટે તેઓ દ્વારા જંત્રીની કિંમતથી ખૂબ નીચો અવેજ દર્શાવેલ હતો. અમારા અસિલે એ જ વર્ષમાં તે જમીનનું વેચાણ પણ કરી આપેલ છે. હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ પાસેથી આ ખરીદીના વ્યવહાર સબબ નોટિસ મળેલ છે. અમારા અસીલનું અવસાન એક વર્ષ પહેલા થઈ ગયું છે. પિયુષ લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, કચ્છ
જવાબ: ખરીદી બાબતે ઓછો અવેજ દર્શાવેલ હોય ત્યારે ખરીદનાર ઉપર ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 56(2)(x) લાગુ પડે છે. આ કલમમાં “કેપિટલ એસેટ” શબ્દના સ્થાને “ઇમુવેબલ એસેટ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. આમ, એક મંતવ્ય પ્રમાણે ખરીદનાર માટે “રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ” માટે પણ ગિફ્ટ તરીકે જવાબદારી આવી શકે છે. પણ હા, રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ હોય આ બાબતે તકરાર લઈ લડત ચોક્કસ કરી શકાય છે. તદ્દઉપરાંત, મૃત વ્યક્તિને નોટિસ બજાવવામાં આવેલ હોય તે અંગે તકરાર લેવાના પણ વિકલ્પ છે અને આ અંગે કરદાતાની તરફેણના ચુકાદા ગુજરાત હાઇકોર્ટ સહિતના ઉપલબ્ધ છે.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.