લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાંથી ઇંડેક્સેશન હટાવવાનો નિર્ણયમાં ફેરફાર થાય થે જરૂરી!!

Spread the love
Reading Time: 3 minutes

-By ભવ્ય પોપટ, ટેક્સ એડવોકેટ

તા. 06.08.2024:

બજેટ 2024માં ઇન્કમ ટેક્સ કાયદા તથા તેને લગતી વિધિમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારોમાં કરદાતાઓ માટે ફાયદા ઓછા અને નુકસાન વધુ છે. આ નુકસાનો પૈકી સૌથી મોટા નુકસાનની વાત કરીએ તો આ બજેટમાં નાણાંમંત્રી દ્વારા વર્ષોથી ચાલી આવતી “કોસ્ટ ઇંડેકસેશન” ની પદ્ધતિ જે લાંબા ગાળાના મૂડી નફા સામે મળે છે તે નાબૂદ કરવા પ્રસ્તાવ રાખવામા આવ્યો છે તે ગણી શકાય. 1992 ના બજેટમાં આકારણી વર્ષ 1992-93 થી “ઇંડેક્સસેશન” ની જોગવાઈનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. 34 વર્ષથી કરદાતા માટે મિલ્કત વેચાણ સમયે ટેક્સની ગણતરી કરવા જે પદ્ધતિ અમલમાં હતી તે પદ્ધતિ એક ઝટકામાં રદ્દ કરવાનો આ નિર્ણય ફરી વિચારણા માંગે છે.

લાંબા ગાળાની મિલ્કતનો ટેક્સ ઘટાડવામાં આવ્યો:

ઉલ્લેખનીયા છે કે આ બજેટમાં લાંબાગાળાની મિલ્કત વેચાણ ઉપરનો ટેક્સનો દર 20% થી ઘટાડી 12.5% કરવામાં આવ્યો છે. આ એક આવકારદાયક પગલું ગણી શકાય. આ ઉપરાંત સ્થાવર મિલ્કતને લાંબા ગાળાની મિલ્કત ગણવાનો સમય ઘટાડી 24 મહિના કરી નાંખવામાં આવ્યો છે. અગાઉ આ સમય 36 મહિનાનો હતો. આ પણ એક ફાયદાકારક જોગવાઈ ગણી શકાય.

શું છે ઇંડેકસેશન?

ઇંડેકસેશન મિલ્કત વેચાણ સમયે મિલ્કતની ખરીદ કિંમંત ફુગાવા સાથે “એડજસ્ટ” કરી તે મિલ્કતની ફુગાવા સાથેની પડતર ગણતરીની એક ગાણિતિક પદ્ધતિ છે. સરળ ભાષામાં કહીએ તો કોઈ વ્યક્તિએ મિલ્કતની ખરીદી 2001 ની સાલમાં કરી છે. તે સમયે જે મોંઘવારી હતી, જે બજારભાવ હતા તે ભાવે તે મિલ્કત ખરીદી કરવામાં આવી હતી. હવે જ્યારે  તે વ્યક્તિ 2024 ની સાલમાં આ મિલ્કતનું વેચાણ કરે છે ત્યારે મોંઘવારી 2001 ના પ્રમાણમાં ઘણી વધુ હશે, બજાર કિંમત પણ ઘણી વધુ હશે. આ વધારાની કિંમત બાબતે મિલ્કત પડતર બાબતે કરદાતાને લાભ આપવા ઇંડેકસેશનની જોગવાઈ લાગુ કરવામાં આવી હતી.

શું છે કોસ્ટ ઇન્ફલેશન ઇંડેક્સ?

કોસ્ટ ઇન્ફ્લેશન ઇંડેક્સ એક એવી રકમ છે જે સરકાર દ્વારા જેતે વર્ષના ફુગાવાને ધ્યાને લઈ બહાર પાડવામાં આવતી હોય છે. આ કોસ્ટ ઇન્ફલેશન ઇંડેક્સ (CII) દર વર્ષે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે. આ રકમ 01.04.2001 ની “બેઇઝ” વર્ષના સાપેક્ષમાં જાહેર કરવામાં આવતી હોય છે. 01.04.2001 ના વર્ષને મૂળવર્ષ ગણી તેની CII 100 નક્કી કરવામાં આવી હતી. ત્યાર બાદ દરેક વર્ષ માટે સરકાર દ્વારા CII બહાર પાડવામાં આવતી હોય છે. 2024 ના વર્ષ માટેની CII 363 બહાર પાડવામાં આવી છે. સાદી ભાષામાં કહીએતો જે મિલ્કતનું 01.04.2001 ના રોજ બજાર મૂલ્ય 100 રૂપિયા હતું, તેનું ઇન્કમ ટેક્સની ગણતરી કરવાના હેતુસર 01.04.2024 એ મૂલ્ય 363 ગણવાનું રહેશે. આમ કરદાતાએ 100 રૂ માં ખરીદેલ મિલ્કત વેચાણ કરવામાં આવે તો તેઓને તે મિલ્કતની પડતર તરીકે 100 રૂપિયા નહીં પણ 363 રૂપિયા બાદ મળશે.

23 જુલાઇના બજેટ પહેલા શું  છે પરિસ્થિતી?

23 જુલાઇના બજેટ પહેલા ઉપર જણાવેલ ઇંડેકસેશન નો લાભ કરદાતાને મળતો હતો. કરદાતાએ અગાઉ ખરીદેલ મિલ્કતની પડતરને ઇંડેકસેશનનો લાભ મળી તે મિલ્કતની પડતર તરીકે વધુ રકમ બાદ મળતી હતી. ઉદાહરણ તરીકે જોઈએ તો શ્રી અમદાવાદીએ પોતાના રહેઠાણ માટે ફ્લેટ 2001 ની સાલમાં ખરીદેલ છે. આ ફ્લેટની તેઓએ 300000/- રૂપિયામાં ખરીદી કરી હતી. હવે તેઓ 23 જુલાઇ 2024 પહેલા (બજેટ રજૂ થયું તે પહેલા) આ ફ્લેટનું વેચાણ 15 લાખમાં કરે છે તો તેની ટેક્સની જવાબદારી નીચે મુજબ આવશે.

300000*363/100= 1089000/-

ઉપરોક્ત ઉદાહરણમાં 300000 એ મૂળ ખરીદેલ કિંમત છે, 363 એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ઇંડેક્સની રકમ છે. 100 એ ખરીદીના વર્ષની સરકાર દ્વારા બહાર પાડેલ ઇંડેક્સ કિંમત છે. 1089000 તે આ મિલ્કત પરની ઇંડેક્સ થયેલ કિંમત છે.

હવે જ્યારે શ્રી અમદાવાદી એ મકાન 1500000 માં વેચાણ કરે છે ત્યારે તેના ઉપર નીચેની ગણતરી લાગુ પડશે.

1500000-1089000= 411000/-.

ઉપરોક્ત ઉદાહરણમાં 1500000 તે વેચાણ કિંમત છે, 1089000 તે ઇંડેકસ પડતર છે તથા 411000 એ આ મિલ્કત વેચાણ ઉપરનો શ્રી અમદાવાદીનો નફો છે. આ નફા ઉપર તેઓ 20 % ટેક્સ એટલેકે 82200/- ઇન્કમ ટેક્સ ભરવા જવાબદાર બનશે.

23 જુલાઇ બજેટ બાદ પછી શું છે પરિસ્થિતી?

23 જુલાઇમાં નાણાંમંત્રી દ્વારા ઇંડેક્સ કરવાની પદ્ધતિને જાકારો આપવામાં આવ્યો છે. હવે આજ મિલ્કતનું વેચાણ થાય તો કેવી રીતે શ્રી અમદાવાદીની ટેક્સ ભરવાની જવાબદારી આવશે તે જોઈએ.

1500000-363000= 1137000/-

ઉપરોક્ત ઉદાહરણમાં 1500000 તે મિલ્કતની વેચાણ કિંમત છે. 363000 તે મિલ્કતની પડતર કિંમત છે. 1137000 તે શ્રી અમદાવાદીનો નફો છે. હવે 23 જુલાઇના બજેટ પછી કરદાતાને ઇંડેકસેશનનો કોઈ લાભ મળતો નથી. હા, હવે ટેક્સ 20 % ના સ્થાને 12.5% ગણાશે. આમ, 1137000 ઉપર કરદાતા 12.5% લેખે 142125/- ટેક્સ ભરવા જવાબદાર બનશે.

કરદાતાની મિલ્કત વેચાણ ઉપર વધશે ટેક્સની જવાબદારી:

નિષ્ણાંતો એવું માને છે કે મોટાભાગના કરદાતાઓને આ “ઇંડેક્સેશન” ની જોગવાઈ હટાવવામાં આવતા નુકસાન થશે. આ બજેટમાં ટેક્સનો દરમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં “ઇંડેક્સેશન” ની જોગવાઈ હટાવવાના કારણે મિલ્કત વેચાણ બાબતે કરનું ભારણ વધશે.

મિલ્કતના ખરીદ વેચાણ ઉપર શું પડશે અસર?

મારુ અંગત રીતે માનવું છે કે મિલ્કતના ખરીદ વેચાણ ઉપર બજેટમાં જાહેર કરવામાં આવ્યા આ ફેરફારથી “નેગેટિવ” અસર થશે. જરૂરીયાત હોય તેવી મિલ્કતની ખરીદી તથા વેચાણ થશે પરંતુ જે બિનજરૂરી હોય માત્ર રોકાણ માટે કરવામાં આવેલ મિલ્કતના ખરીદ વેચાણના સોદાઑમાં ઘટાડો થઈ શકે છે. “ઇંડેક્સેશન” હટાવવાથી એક બાબત જે રહેણાંકી મિલ્કત માટે “પોઝિટિવ” સાબિત થઈ શકે તે છે ટેક્સની જવાબદારીમાં વધારો થતાં લોકો ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 54 તથા 54 F નો ઉપયોગ વધુ કરી ટેક્સ ભરવાના બદલે રહેણાંકી મકાનમાં રોકાણ કરવું વધુ આકર્ષક રહેશે.

“ઇંડેક્સેશન” હટાવવાની જોગવાઈ ઉપર ફરી થાય વિચારણા!!

બજેટ 2024, 23 જુલાઇના રોજ રજૂ કરવામાં આવ્યું છે. બજેટ સત્ર હજુ ચાલુ જ છે અને આ બજેટ ઉપર ચર્ચા ચાલી રહી છે. જરૂરી છે કે આપણાં સાંસદસભ્યો આ બાબતે પૂરતી ચર્ચા કરે અને આ જોગવાઈની ગંભીરતા સમજી “ઇંડેક્સેશન” હટાવવાની જોગવાઈ દૂર કરવાના નિર્ણય ઉપર આવે તે જરૂરી છે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં પ્રકાશિત થયેલ છે)

error: Content is protected !!