આજે થશે સુપ્રીમ કોર્ટમાં આ મહત્વના કેસની સુનાવણી!! સુપ્રીમ કોર્ટનું કરદાતાની તરફેણનો ચુકાદો કરશે હજારો કરદાતાઓને ફાયદો!!!
જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) ની વૈધતાને એક કેસમાં પડકારવામાં આવી છે. આ કેસની વધુ સુનાવણી 19 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.
તા. 19.02.2024: જી.એસ.ટી. કાયદાની સૌથી વિવાદાસ્પદ કલમ માંની એક એવી 16(4) ની બંધારણીય વૈધતા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. જી.એસ.ટી. ની આ કલમ હેઠળ કોઈ પણ કરદાતાએ પોતાને અન્ય રીતે મળતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ, જો 16(4) હેઠળની નિયત મર્યાદામાં ના લેવામાં આવી હોય તો આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કરદાતા માટે ગેરમાન્ય બની જાય છે. પ્રવર્તમાન જોગવાઈ હેઠળ જે તે નાણાકીય વર્ષમાં મળવાપાત્ર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પછીના નાણાકીય વર્ષના 30 નવેમ્બર સુધીમાં લેવામાં આવે તો જ કરદાતાને આ ક્રેડિટ મળી રહે છે. જી.એસ.ટી. લાગુ થયું છે ત્યારબાદ સમગ્ર દેશમાં એવા અનેક કેસ છે જ્યાં કરદાતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આ જોગવાઈને આધીન નકારવામાં આવી છે.
આ પ્રકારનો એક કેસ હવે માનનીય સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવ્યો છે. શાંતિ મોટર્સ વી. યુનિયન ઓફ ઈન્ડિયા [SLP(C) Dy. No.4474/2024 dated February 09, 2024] ના કેસમાં જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) જે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આપવામાં આવેલ સમયમર્યાદા અંગેની છે તેને પડકારવામાં આવી છે. આ કેસની વધુ સુનાવણી 19 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. આ મુદ્દાની ગંભીરતા જોતાં નિષ્ણાંતો માની રહ્યા છે કે આ કેસનો નિકાલ આવવામાં સમય લાગી શકે છે. શું આજે આ કેસમાં આવશે કોઈ મહત્વનો ચુકાદો કે પડશે તારીખ પે તારીખ?? ભવ્ય પોપટ, ટેક્સ ટુડે