આજે રજૂ થશે બજેટ 2024: થોડા હે થોડે કી ઝરૂરત હે….

Spread the love
Reading Time: 5 minutes

 

 

 

  • By Bhavya Popat, Advocate

23 જુલાઇ 2024 ના રોજ જ્યારે મોદી સરકાર 3.0 પોતાનું પ્રથમ બજેટ રજૂ કરશે ત્યારે ગુજરાતવાસીઓ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ મોટી આશાઓ રાખીને બેઠા હશે તે ચોક્કસ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટેક્સ સિસ્ટમમાં “ઓનરિંગ ધ ઓનેસ્ટ” દાખલ કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. ખરેખર ઇન્કમ ટેક્સ કે જી.એસ.ટી. નિયમિત અને યોગ્ય રીતે ભરનાર કરદાતાઓનું સન્માન થાય તે સમયની માંગ પણ છે જ. જેવી રીતે કોઈ પણ ઘરના કામનાર દીકરાનું માન અન્ય સભ્ય કરતાં વધુ રહેતું હોય છે તેવી રીતે ટેક્સ સિસ્ટમમાં પણ સરકારના કમાઉ દીકરા એવા ટેક્સ પેયર્સને ચોક્કસ વધુ માન મળે તે ટેક્સ સિસ્ટમ માટે પણ સારું છે અને કરદાતાના માટે પણ સારું છે.

નિર્મલા સિથારમણ જ્યારે આ બજેટ રજૂ કરશે ત્યારે ટેક્સ પેયર્સ તરીકે ઘણી આશાઑ સેવી રહ્યા છીએ. આ આશાઑને સરળતા ખાતર હું બે ભાગમાં વહેચણી કરીશ. 1) ઇન્કમ ટેક્સ 2) જી.એસ.ટી.

  • ઇન્કમ ટેક્સ

કરમુક્તિ મર્યાદામાં વધારો

ઇન્કમ ટેક્સ હેઠળ દરેક કરદાતા એક બાબતે તો ચોક્કસ આશા સેવી રહ્યા છે કે ઇન્કમ ટેક્સની મુક્તિ મર્યાદા જે હાલ 300000 (ત્રણ લાખ) છે તેમાં વધારો કરવામાં આવે. મારા અંદાજ મુજબ આ મર્યાદા ત્રણ લાખથી વધારી 500000/- (પાંચ લાખ) કરવામાં આવી શકે છે.

ઇન્કમ ટેક્સ દરોમાં ઘટાડો

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ હાલ જે દરો પ્રવર્તમાન છે તેમાં ઘટાડો કરવા અંગેની આશા પણ કરદાતાઓ સેવી રહ્યા છે. મારા અંદાજ પ્રમાણે 5 લાખની મુક્તિ મર્યાદા બાદ 7.5 લાખની રકમ સુધી 5% અને 7.5 લાખ થી 10 લાખ સુધી 10% નો દર લાગુ કરવામાં આવી શકે છે. આ દરોમાં 10 લાખ સુધી 10% નો કોમન  દર પણ લાગુ કરી શકાય છે. ઇન્કમ ટેક્સના દર ઘટાડાના કારણે વધુ રકમ “પેરેલલ ઇકોનોમી” માંથી ઓછી થઈ “મેઇન ઈકોનોમી” માં આવશે અને આ કારણે સમગ્ર અર્થતંત્રને વધુ ગતિ મળશે.

શેર બજારમાં થતાં વ્યવહારો ઉપર ટેક્સમાં ઘટાડો

શેર માર્કેટમાં ટ્રેડિંગ તથા રોકાણમાં હાલ ખૂબ મોટા પ્રમાણમા વધારો થયો છે. એક ટેક્સ એડવોકેટ તરીકે હું માનું છું કે હાલ દર 10 માંથી 5 જેટલા કરદાતાઓ શેર ટ્રેડિંગ અથવા શેર ઈન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલ છે અને શેરના નફાના કારણે ટેક્સ ભરવા જવાબદાર બની જતાં હોય છે. શેર બજારની આવકમાં પણ હાલ જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 15% લાગુ કરવામાં આવેલ છે તેમાં પણ ઘટાડો કરી 10% કરવામાં આવે તેવી આશા સેવાઇ રહી છે. તદદુપરાંત હાલ લોંગ ટર્મ કેપિટલ ગેઈન માટે જ્યાં 1 લાખ સુધીની રકમને છૂટ આપવામાં આવેલ છે તેમાં વધારો કરી 3 લાખ કરવામાં આવે તેવી પણ આશા રાખવામા આવી રહી છે. આ સુધારાથી શેરબજારને પણ સારો ફાયદો થઇ શકે છે. આમ, નાણાંમંત્રી આ ફેરફાર કરી એક તીરથી બે શિકાર કરી શકે છે.

બિનહિસાબી આવક ઉપરની જોગવાઇઓમાં કરવામાં આવે કરદાતા તરફે સુધારા:

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કોઈ પણ રિટર્નની ચકાસણી દરમ્યાન કે કોઈ તપાસ દરમ્યાન કોઈ રકમ બિન હિસાબી માલૂમ પડે તો તેના ઉપર ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 68, 69 હેઠળ ગણી આ રકમ ઉપર 115BBE કલમ હેઠળ ખૂબ મોટા ટેક્સ લાગુ કરવામાં આવે છે. આ ટેક્સની રકમ એટલી મોટી થઈ જાય છે કે ક્યારેક બિન હિસાબી આવક કરતાં પણ ટેક્સની રકમ વધુ થઈ જતી હોય છે. આ આવક ઉપર અગાઉ 30% ના દરે ટેક્સ લાગતો. નોટબંધી સમયે આ 30% ના દરોમાં ખૂબ મોટા પાયે વધારો કરી 60% કરી નાંખવામાં આવ્યો હતો. આ દરોને ફરી ઘટાડી 30% કરવા જોઈએ. આ બાબતે સ્લેબની પદ્ધતિ પણ દાખલ કરી શકાય. જે કરદાતાની બેનામી આવક 50 લાખ કે વધુ થતી હોય તેના ઉપર 60% નો દર યથાવત રાખી શકાય છે પરંતુ સામાન્ય કરદાતા માટે આ દરો ઘટે તે ખૂબ જરૂરી છે.

હું, આ દરો ઘટાડવાની વાત કોઈ કરચોરોને સપોર્ટ કરવા નથી કરી રહ્યો. પરંતુ મારા અંદાજ મુજબ એવા કેટલા કરદાતાઓ છે જેઓ ટેકનિકલ ક્ષતિઓના કારણે પણ આ ગંભીર જોગવાઈના શિકાર બની ગયા છે અને નાની ભૂલોના કારણે તેમનું જીવન દુશ્વાર થઈ ગયું છે.

ઇન્કમ ટેક્સ હેઠળ આપવામાં આવતા રિબેટ શોર્ટ ટર્મ તથા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર પણ આપવામાં આવે!!

હાલ, -5 જુલાઇથી ઇન્કમ ટેકસ પોર્ટલમાં સુધારો કરી “સ્પેશિયલ રેઇટ ઇન્કમ” ઉપર ઇન્કમ ટેક્સની કલમ 87A ના રિબેટનો લાભ આપવામાં આવતો નથી. આ માટે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 115BAC ના અર્થઘટન એવું કરવામાં આવે છે કે નવી સ્કીમ હેઠળ ટેક્સ ભરતા કરદાતા માટે રિબેટનો લાભ માત્ર સામાન્ય દરોએ ભરવામાં આવતા ટેક્સ ઉપર જ મળે અને જે  “સ્પેશિયલ રેઇટ ઇન્કમ” છે તેના ઉપર આ રિબેટનો લાભ મળે નહીં. લોટરી, ગેમિંગ આવક વગેરે જેવી આવક ઉપર આ લાભ ના મળે તે સમજી શકાય તેવી બાબત છે. પરંતુ શેર બજારમાંથી ઉદ્દભવતા લાંબા અને ટૂંકા ગાળાના નફા ઉપર પણ આ લાભ આપવામાં ના આવે તે અવ્યવહારિક ગણી શકાય. આ બજેટમાં આ જોગવાઈમાં સુધારો કરી શોર્ટ ટર્મ તથા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર પણ આ રિબેટનો લાભ આપવામાં આવે તેવી આશા સેવાઇ રહી છે.

અધિકારીની જવાબદારી નક્કી થવી જરૂરી

            ઇન્કમ ટેક્સ હેઠળ પસાર કરવામાં આવતા ઘણા આદેશ કાયદાકીય ક્ષતિઓ થી ભરપૂર હોય છે. ઘણા આદેશમાં કુદરતી ન્યાયનો સદંતર અભાવ હોય છે. આ પ્રકારે ક્ષતિયુક્ત આદેશો બાબતે જે તે અધિકારી કે જેઓ દ્વારા આ આદેશ પસાર કરવામાં આવ્યા છે તેની કોઈ વ્યક્તિગત જવાબદારી નક્કી થતી નથી. આવા આદેશો સામે કરદાતા લાંબી લડત કરી જ્યારે જીતે છે ત્યારે પણ જે તે અધિકારી માટે આ બાબતે કોઈ ફર્ક પડતો હોતો નથી. “ઓનરિંગ ધ ઓનેસ્ટ” ત્યારે જ શક્ય બનશે જ્યારે કોઈ કાયદા હેઠળ અમલદાર-અધિકારી ને પણ તેની ભૂલ બદલ સજા આપવામાં આવે.

  • જી.એસ.ટી. કાયદા હેઠળ અપેક્ષાઓ

જી.એસ.ટી. કાયદા હેઠળ પણ અનેક સુધારાઓ ની અપેક્ષા સેવાઇ રહી છે.

એમ્નેસ્ટી સ્કીમ-માફી યોજના

            જી.એસ.ટી. કાઉન્સીલની 53 મી મિટિંગમાં એમ્નેસ્ટી સ્કીમ (માફી યોજના) અંગે સરકારને સૂચન કરી આપવામાં આવ્યું છે. આમ, આ યોજના તો આવશે તે ચોક્કસ છે. પરંતુ કરદાતાઓ આશા સેવી રહ્યા છે કે આ યોજનાની શરતો સરળ અને કરદાતા તરફે રાખવામા આવે અને ખોટી ટેકનિકલ ક્ષતિઓ અને શરતો મૂકવામાં ના આવે. આ ઉપરાંત જી.એસ.ટી. કાયદાની કલમ 74 હેઠળ પસાર કરવામાં આવેલ આદેશોનો પણ આ યોજનામાં કોઈ વધારાની શરતો સાથે પણ લાગુ કરવામાં આવે તો કરદાતાઓને ઘણી રાહત થઈ શકે છે.

ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની અડચણો દૂર કરવામાં આવે;

            જી.એસ.ટી. કાયદા હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો “ફ્રી ફ્લો” જરૂરી છે. જી.એસ.ટી. કાયદાની કલમ 17(5) માં મૂકવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની અડચણો દૂર કરવામાં આવે કે હળવી કરવામાં આવે તેવી આશા પણ સેવાઇ રહી છે.

વેચનાર વેપારી ચૂક કરે તો ખરીદનાર વેપારી જવાબદાર બને તે જોગવાઈમાં આવે આમૂલ પરીવર્તન

હાલની જી.એસ.ટી. ની જોગવાઈ પ્રમાણે વેચનાર વેપારી જી.એસ.ટી. ભરવામાં ચૂક કરે ત્યારે ખરીદનાર વેપારી આ રકમ ભરવા જવાબદાર બની જતો હોય છે. આ કારણે વેપારીએ ઉપર જી.એસ.ટી. નું બેવડું ભારણ આવી જતું હોય છે અને આ ઉપરાંત વ્યાજ અને દંડ ભરવા પણ ખરીદનાર વેપારી પોતાની કોઈ પણ ભૂલ વગર જવાબદાર બની જતો હોય છે. આ જોગવાઈમાં આમૂલ પરીવર્તન આવે તે જરૂરી છે. આ જોગવાઈમાં સુધારો કરી ખરીદનારની જવાબદારીમાં ઘટાડો કરવામાં આવે તે જરૂરી છે. ખરીદનાર વેપારી તો જ આ વ્યવહારો માટે જવાબદાર બનવો જોઈએ જો તેની વેચનાર સાથે કોઈ મિલીભગત સાબિત થતી હોય. કરચોરીમાં કોઈ પણ રીતે હાથ હોય તેને ચોક્કસ જવાબદાર ગણવો જોઈએ પણ નિર્દોષ વેપારી ઉપર આ ખૂબ આકરી જોગવાઈ લાગુ થઈ શકે નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ થવી જોઈએ. આ જોગવાઈમાં કરચોરીમાં સંડોવણી સાબિત કરવાની ફરજ અધિકારીની હોય તે પણ જરૂરી છે.

ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની સમયમર્યાદા દૂર કરવામાં આવે:

હાલ, જી.એસ.ટી. ની કલમ 16(4) હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા 30 નવેમ્બર સુધીની સમય મર્યાદા દાખલ કરવામાં આવી છે. આ પ્રકારની સમયમર્યાદા દૂર કરવામાં આવે તો જ જી.એસ.ટી. નો જે મુખ્ય હેતુ છે તે સાર્થક થઈ શકે. કોઈ શરત ચૂકને કારણે કોઈ જેન્યૂન ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની રહી ગઈ હોય તો આકારણી સુધી પણ આ ક્રેડિટ લેવા વેપારીને હક્ક હોવો જોઈએ.

જી.એસ.ટી. રિટર્ન રીવાઇઝ કરવાની છૂટ આપવામાં આવે

જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી જી.એસ.ટી. રિટર્ન રિવાઈઝ કરવાની છૂટ અંગે કરદાતાઓ માંગણી કરી રહ્યા છે. આજે સાત વર્ષ પછી પણ આ જ માંગણી કરદાતાઓ એ કરવી પડે છે તે ખૂબ આકરું કહેવાઈ. પોતાની ભૂલો સુધારવની તક વેપારીને મળવી જ જોઈએ અને એ રિવાઈઝ રિટર્ન દ્વારા જ તેઓને આપવામાં આવે તે જરૂરી છે. એટલું જ નહીં, આ રિવાઈઝ રિટર્ન ભરવાં કરદાતાને ઓછામાં ઓછા એક વર્ષની છૂટ આપવી જોઈએ. આમ, નાણાકીય વર્ષ 2023 24 નું રિટર્ન માર્ચ 25 સુધી રિવાઇઝ કરી શકે તેવી જોગવાઈ હોવી જરૂરી છે.

ઉપરમાંની ઘણી માંગ શેખ ચિલ્લીની માંગ જેવી પણ લાગશે. પણ પોતે એડવોકેટ હોવા ઉપરાંત વેપારી કુટુંબ અને મિત્રો સાથે જોડાયેલો છું તો ચોક્કસ ઘણું માંગવા પ્રયત્નો કરીશ અને આશા પણ રાખીશ. બની શકે કે આ પૈકી ઘણી માંગ બજેટમાં પૂરી પણ કરવામાં આવી હોય. હવે 23 તરીકે જોઈએ બજેટ કેટલી આશાઓ પૂરી કરે છે અને કેટલી આશાઓ વિષે ફરી લખવા મને આગામી બજેટમાં તક આપે છે!!

અંતમાં હું જાણું છું કરદાતા એટલું જ કહેશે કે… થોડા હે થોડે કી ઝરૂરત હે… ઝીન્દગી ફીર ભી યહાં ખૂબસુરત હે……

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિકમાં તા. 22.07.2024 ના રોજ પ્રકાશિત થયેલ છે)

error: Content is protected !!