ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં શું કરવા નથી શરૂ કરવામાં આવ્યા GSTR 2 અને GSTR 3??? દિલ્હી હાઇકોર્ટ
GSTR 2 તથા 3 શરૂ ના થવાના કારણે ખરીદનારાઓને પડી રહી છે અનેક મુશ્કેલી
તા. 23.08.2021: દિલ્હી હાઇકોર્ટમાં યુનાઈટેડ કન્સ્ટ્રકશન કંપની દ્વારા રિટ પિટિશન ફાઇલ કરી જી.એસ.ટી.ના મૂળ માળખા મુજબના ફોર્મ્સ GSTR 2 તથા GSTR 3 શરૂ કરવા દાદ માંગવામાં આવી છે. કરદાતાની દલીલ છે કે હાલ આ ફોર્મ્સ ચાલુ ના કરવામાં આવ્યા હોય ખરીદનાર તરીકે રિફંડ મેળવવામાં તેઓને ખૂબ તકલીફ પડે છે. અરજ્કર્તા દ્વારા એમ પણ દલીલ કરવામાં આવી છે કે આ ફોર્મ્સ શરૂ ના થવાથી અનેક ઈન્પુટ ટેક્સ ક્રેડિટના કૌભાંડો પણ સામે આવી રહ્યા છે. સરકારી વકીલને નોટિસ આપી 24 સપ્ટેમ્બર 2021 સુધીમાં એફિડેવિટ ફાઇલ કરવા જણાવવામાં આવ્યું છે કે શું કરવા ચાર વર્ષ જેવો સમય થઈ ગયો હોવા છતાં આ ફોર્મ્સ લાગુ કરવામાં આવ્યા નથી?
ઉલ્લ્ખનિય છે કે જી.એસ.ટી. હેઠળના મૂળભૂત માળખામાં GSTR 1, 2,3 જેવા ફોર્મ્સ રાખવામા આવ્યા હતા. આ પૈકી હાલ માત્ર GSTR 1 ને જ જી.એસ.ટી. પોર્ટલ ઉપર કાર્યરત કરવામાં આવ્યું છે. GSTR 2 તથા GSTR 3 ચાર વર્ષ થઈ ગયા હોવા છતાં પણ કાર્યરત કરવામાં આવ્યા નથી. GSTR 3 કે જે મુખ્ય રિટર્ન હતું તેના સ્થાને GSTR 3B જેવુ સમારી રિટર્ન દાખલ કરી દેવામાં આવ્યું છે. હાલ, જી.એસ.ટી. નિયમોના નિયમ 36(4) હેઠળ અનેક ખરીદનારાઓની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વેચનારાઓ દ્વારા GSTR 1 માં તેઓને કરવામાં આવેલ વેચાણ ના દર્શાવવાના અભાવે માન્ય રાખવામા આવતી નથી. આ મુદ્દા ઉપર વિભિન્ન વડી અદલતોમાં અનેક કેસો દાખલ થયા હવાના અહેવાલો સૂત્રો પાસેથી મળી રહ્યા છે. નિષ્ણાંતો માને છે કે GSTR 2 અને GSTR 3 મુજબની રિટર્નની પદ્ધતિ ઉપર તો સરકાર દ્વારા ઘણો સમય પહેલા પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે. સરકાર તરફે આ બાબતે એફિડેવિટમાં શું રજૂ કરવામાં આવે છે અને કરદાતા દ્વારા ઉઠાવવામાં આવેલ તકલીફ અંગે શું બચાવ આ એફિડેવિટમાં લેવામાં આવે છે તે બાબત ચોક્કસ રસપ્રદ રહેશે. માત્ર GSTR 1 માં સપ્લાયરની ભૂલના કારણે ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમાન્ય કરવાની પદ્ધતિ ખરેખર “પાડાના વાંકે પખાલીને ડામ” જેવી સ્થિતિ ઊભી કરતી હોય આ મુશ્કેલીનું જલ્દી નિવારણ થાય તેવી આશા કરદાતાઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે