આવકવેરા કાયદાની કલમ 115BBE… કરચોરી નાથવાનું સાધન કે કરદાતાઓ ને હેરાનગતિ કરવાનું???

Spread the love
Reading Time: 4 minutes

-By ભવ્ય પોપટ, એડવોકેટ, એડિટર, ટેક્સ ટુડે

આવક વેરો એ દેશ ની આવક નો ખૂબ મોટો સ્ત્રોત છે. લોકો પોતાનો ઇન્કમ ટેક્સ પ્રમાણિક્તાથી ભારે તે જરૂરી છે. ઇન્કમ ટેક્સ હેઠળ ભરતા મોટા ભાગ ના રિટર્ન કોઈ પણ ચકાસણી વગર સ્વીકારી લેવામાં આવતા હોય છે. આ રિટર્ન સ્વ આકારણી તરીકે ભરતા હોય છે. કુલ ભરાયેલ રિટર્ન માંથી અંદાજે 1% થી પણ ઓછા રિટર્નની ઇન્કમ ટેક્સ ના અધિકારીઓ દ્વારા ચકાસણી/આકારણી કરવામાં આવતી હોય છે. આ કરદાતાઓ ને કોમ્પ્યુટર દ્વારા સિલેક્ટ કરવામાં આવતા હોય છે. આ આકારણી જે તે નાણાકીય વર્ષ ના અંતથી હાલમાં 2 વર્ષ અને નવ માહિનામાં પુર્ણ કરવાની રહેતી હોય છે. હાલ નાણાકીય વર્ષ 2016 17 ની આવી આકારણી ચાલુ છે. 2016 17 નું વર્ષ એ નોટબંધી નું વર્ષ હતું. આ વર્ષની આકારણી ખૂબ અલગ અને મુશ્કેલ હોય તે સ્વાભાવિક છે. આ વર્ષ માટે કેસો ની પસંદગી પણ સામાન્ય કરતાં ઘણી વધુ થઈ હતી. નોટબંધી ના વર્ષમાં “બ્લેક મની” ને નાથવા સરકાર દ્વારા ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ખૂબ મહત્વના એવા ફેરફારો કર્યા હતા. આ ફેરફાર માં સૌથી વધુ ચર્ચાસ્પદ કલમ જો કોઈ હોય તો તે કલમ છે કલમ 115BBE.

આ કલમ મૂળભૂત રીતે નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ થી અમલી બનાવવા માં આવેલ છે. આ કલમ મુજબ, જો આકારણી અધિકારીના માનવા મુજબ કોઈ રકમ આવકવેરા કાયદા ની કલમ ૬૮, ૬૯, ૬૯A, ૬૯B, ૬૯C, ૬૯D હેઠળ પડે છે તેવા સંજોગો માં વેરા ની ગણતરી સામાન્ય દરો પ્રમાણે ના કરતાં આવક વેરા કાયદા ની કલમ ૧૧૫BBE લેખે ગણવાની રહેશે.

શું છે આ કલમ ૬૮, ૬૯, ૬૯A, ૬૯B, ૬૯C, ૬૯D?

કલમ ૬૮: જ્યારે કોઈ કરદાતા ના ચોપડા માં કોઈ રકમ જમા કરવામાં આવી હોય અને કરદાતા આ જમા રકમ વિષે કોઈ ખુલાસો ના આપી શકે અથવા જે ખુલાસો આપે તે આકારણી અધિકારીને સંતોષકારક ના જણાય તો તે રકમ કરદાતા ની આવક માં ઉમેરી દેવા માં આવશે.

કલમ ૬૯: જ્યારે કોઈ કરદાતા એ એવું રોકાણ કર્યું છે કે જે તેમણે ચોપડે નોંધ્યું નથી અને આ રોકાણ ક્યાં સ્ત્રોત માથી કર્યું છે તે અંગે તે ખુલાસો ના આપી શકે અથવા ખુલાસો આપે તે આકારણી અધિકારી ને સંતોષકારક ના લાગે તો આ રકમ કરદાતા ની આવકમાં ઉમેરી દેવામાં આવશે.

કલમ ૬૯A: જ્યારે કોઈ કરદાતા પાસે પૈસા, સોનું, ઘરેણાં અથવા કોઈ મૂલ્યવાન વસ્તુ મળી આવે જે તેમણે ચોપડા માં નોંધી ના હોય, અને કરદાતા તેના સ્ત્રોત વિષે કોઈ ખુલાસો ના આપી શકે અથવા ખુલાસો આપે તે આકારણી અધિકારી ને યોગ્ય ના જણાય તો આવા સંજોગો માં આ પૈસા, સોનું, ઘરેણાં કે મૂલ્યવાન વસ્તુ ની રકમ તેની આવક માં ઉમેરી દેવામાં આવશે.

કલમ ૬૯B: જ્યારે કોઈ કરદાતા પાસે પૈસા, સોનું, ઘરેણાં અથવા કોઈ મૂલ્યવાન વસ્તુ મળી આવે જે તેમણે ચોપડા માં નોંધી હોય, પરંતુ આકારણી અધિકારીના માટે આ વસ્તુ ની કિમત ચોપડે નોંધ કર્યા કરતાં વધુ હોય અને કરદાતા વધારાના સ્ત્રોત વિષે કોઈ ખુલાસો ના આપી શકે અથવા ખુલાસો આપે તે આકારણી અધિકારી ને યોગ્ય ના જણાય તો આવા સંજોગો માં આ પૈસા, સોનું, ઘરેણાં કે મૂલ્યવાન વસ્તુ ની રકમ તેની આવક માં ઉમેરી દેવામાં આવશે.

કલમ ૬૯C: જ્યારે કોઈ કરદાતાએ કોઈ ખર્ચ કરેલ જણાય જેના સ્ત્રોત બાબતે તે કોઈ ખુલાસો આપી ના શકે અથવા ખુલાસો આપે જે આકારણી અધિકારી ને સંતોષકારક ના લાગે તો આ રકમ તેની આવક માં ઉમેરી આપવામાં આવશે.

કલમ ૬૯D: જ્યારે કોઈ કરદાતાએ હૂંડી સ્વરૂપે કોઈ રકમ “એકાઉન્ટ પેયી ચેક”  સિવાય મેળવેલ હોય અથવા ચૂકવેલ હોય તો આવી રકમ એ કરદાતા ની આવક માં ઉમરી દેવામાં આવશે.

 

ઉપર મુજબ જો કોઈ રકમ જો કરદાતાની આવક માં ઉમેરવાની થાય તો આ રકમ ઉપર 31 03 2016 સુધી 30%  (+ સરચાર્જ) લગાવવામાં આવતો હતો. હવે ૦૧.૦૪.૨૦૧૬ થી કરવામાં આવેલ સુધારા બાદ(નોટબંધી ના વર્ષ થી) આવી આવક એ ૬૦% (+૨૫% સરચાર્જ) ના દરે આકારવા પાત્ર થશે. આ દર વધારનું કારણ સમજી શકાય તેવું છે. નોટબંધી પહેલા સરકારે “ઇન્કમ ડિકલેરેશન સ્કીમ” જાહેર કરી હતી. આ સ્કીમ હેઠળ જો કોઈ કરદાતા પોતાની આવક જાહેર કરે  તો તેમણે 45% જેટલી રકમ ભરવાની થતી હતી. આમ, જે કરદાતા આ યોજના નો લાભ ના લે તેમને સ્વાભાવિક રીતે તે રકમ થી મોટી રકમ ભરવાની થવી જોઈએ. આમ, 1.4.2016 થી હવે જ્યારે ઉપરની કલમો મુજબ કોઈ કાળું નાણું પકડાય તો કરદાતાએ એ રકમ ઉપર 60% ટેક્સ તથા તેની ઉપર સરચાર્જ (હાલ માં 25%) વત્તા વ્યાજ ભરવાનું થાય. આ બાબત ને એક ઉદાહરણ લઈ ને સમજીએ.

ઉદાહરણ:        કોઈ કરદાતા ને ત્યાં સર્વે (ઇન્કમ ટેક્સ ની તપાસ) થાય અને કાળું નાણું પકડાય તો અથવા કોઈ નોટિસ (સ્કૃટીની કે રી એસેસમેન્ટ) અન્વયે કાળું નાણું મળી આવે તો તેની ગણતરી નીચે મુજબ થશે.

કોઈ કરદાતા (ખેડૂતે હોય તો પણ) 300000/- ની રકમ  જૂની બેન્ક નોટ માં  માં જમા કરવી છે. આ રકમ તે ખેતી ની આવક છે તે સાબિત ના કરી શકે, તો આવા સંજોગો માં

કાળું નાણાં ની રકમ:                               300000/-

115BBE (60% ના દરે)                           180000/-

સરચાર્જ (60000 ઉપર 25%)                   45000/-

વ્યાજ (60000 ઉપર 1.4.17 થી વ્યાજ)

કલમ 271AAC હેઠળદંડ                            18000/-

(ટેક્સ ની રકમ ના 10%)

આમ, અંદાજે ભરવા પાત્ર રકમ 300000/- ના કાળા નાણાં સામે લગભગ 300000/- ની રકમ ભરવાની થાય. કરદાતા માટે આ ખૂબ મોટી જવાબદારી રહેવાની છે તે વાત ચોક્કસ છે.

2016 17 ના વર્ષ ની આકારણી હાલ ઇન્કમ ટેક્સ કચેરીઓ દ્વારા હાથ ધરવામાં આવી. આ આકારણી માં સમગ્ર દેશ માં ખૂબ મોટા પ્રમાણમા આ કલમ નો ઉપયોગ કરી માંગણા ઉપસ્થિત કરવામાં આવ્યા છે. કરદાતા પાસે આ મંગણા સામે નીચે મુજબ ના વિકલ્પ રહે છે.

  1. આ મંગણા ની રકમ ભરી આપે.

 

  1. આ મંગણા ની સામે અપીલ દાખલ કરે.

આ મંગણા ની સામે અપીલ:

જો કરદાતા આ મંગણા સામે અપીલ કરવા માંગતા હોય ત્યારે તેમણે આ અંગે નીચેની બાબતો જાણવી તથા સમજવી ખૂબ જરૂરી છે.

  1. અપીલ ક્યાં સુધીમાં કરી આપવાની રહે?

ઇન્કમ ટેક્સ નો આકારણી આદેશ મળ્યા થી 30 દિવસ ની અંદર કરવની રહે છે. જો અપીલ કોઈ કારણોસર મોડી ફાઇલ કરવામાં આવે તો કમિશ્નર ને “ડીલે કોનડોનેશન” અરજી પણ કરવાની રહે. કમિશ્નર ને જો કારણ યોગ્ય જણાય તો મોડી કરાયેલ અપીલ સ્વીકારી શકે.

  1. અપીલ ફાઇલ કરવા કેટલી ફી ભરવાની થાય?

ઇન્કમ ટેક્સ અપીલ ફાઇલ કરવા 500-1000 રૂ ની ફી ભરવાની રહે છે. આ ફી ચલણ દ્વારા ભરવાની રહે છે. આ ઉપરાંત CA કે વકીલ ની ફી પણ ચૂકવવા પત્ર થશે તે ધ્યાન રહે.

 

  1. અપીલ ઓર્ડર ની ડિમાન્ડ સામે શું કોઇ રકમ ભરવી પડે?

હા, આકારણી આદેશ માં રહેલ ડીસ્પ્યુટેડ ડિમાન્ડ સામે 20% રકમ કરદાતા એ ભરવાની રહેશે. તોજ મૂળ ડિમાન્ડ ઉપર સ્ટે મળી શકશે.

 

ઉપરોક્ત, કલમ લાગુ થવાથી હવે કરચોરી કરવી ખૂબ મુશ્કેલ બનશે તે બાબત નિર્વિવાદ છે. કરદાતાએ આ બાબત સમજી યોગ્ય રીતે પોતાના ટેક્સ ની જવાબદારી નિભાવવી જોઈએ. આ તકે, આકારણી અધિકારી એ પણ એ જોવું જરૂરી છે કે પોતે કલમ 115BBE નો ઉપયોગ ન્યાયિક રીતે કરે. દરેક કેસ માં આ કલમ નો ઉપયોગ કરવાથી આપીલો નું ભારણ વધશે જે ડિપાર્ટમેંટ તથા કરદાતા બંને માટે મુશ્કેલી ઊભી કરશે.

error: Content is protected !!