જુલાઇ 2017 થી સપ્ટેમ્બર 2019 સુધી માં ઉઘરાવવા માં આવી 6480.82 કરોડ રૂપિયા ની લેઇટ ફી: RTI હેઠળ ની અરજી દ્વારા ખુલાસો
ઉના: 02.12.2019: જી.એસ.ટી. કાયદા હેઠળ ના રિટર્ન ભરવામાં કરદાતા કસૂર કરે તેઓ તેઓ લેઇટ ફી ભરવા જવાબદાર બને છે. ટેક્સ ટુડે ના એડિટર ભવ્ય પોપટ દ્વારા કરવામાં આવેલ એક RTI અરજી ના જવાબ માં કેન્દ્ર સરકાર ના પ્રિન્સિપાલ ચીફ કંટ્રોલર ઓફ એકાઉન્ટસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા 01 જુલાઇ 2017 થી લઈ ને 30 સપ્ટેમ્બર 2019 સુધીમાં 3240.41 કરોડ રૂ ની રકમ CGST લેઇટ ફી તરીકે બુક કરવામાં આવેલ છે. આ રકમ માત્ર CGST ની છે. SGST ની રકમ સપ્રમાણ હોય તે બાબત નિશ્ચિત છે. આમ, જી.એસ.ટી. લાગુ થયા ના 27 માહિનામાં CGST તથા SGST હેઠળ અંદાજે 6500 કરોડ જેટલી રકમ લેઇટ ફી તરીકે ઉઘરાવવા માં આવેલ છે. આ રકમ નો મોટો હિસ્સો નાના કરદાતાઓ દ્વારા ભરવામાં આવ્યો હશે તે વાત નિશ્ચિત છે. એ બાબત પણ હકીકત છે કે આ પૈકી ખૂબ મોટી રકમ ની લેઇટ ફી પોર્ટલની ટેકનિકલ ખામીઓ ના કારણે ભોગવવી પડી હશે. રિટર્ન ભરવાના છેલ્લા દિવસે પોર્ટલ ઉપર તકલીફો ના કારણે ઘણા કરદાતા ને લેઇટ ફી ભરવી પડી રહી છે તેવી ફરિયાદો અવારનવાર કરદાતાઓ તથા કરવ્યવસાયિકો માં ઉઠતી રહી છે. જી.એસ.ટી. કાયદો હજું નવો છે. સરકાર ને જી.એસ.ટી. સંચાલનમાં ઘણી તકલીફો પડી છે તે વાત સ્પષ્ટ છે. તેવીજ રીતે કરદાતાઑએ પણ અનેક મુશ્કેલી નો સામનો કરવો પડ્યો છે. સરકાર દ્વારા આ અંગે હજું એક વાર કરદાતાઑ ની લેઇટ ફી પરત કરવામાં આવે તેવી માંગ કરદાતાઓ માં ઉઠી રહી છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે