શિક્ષક રત્ન ઍવોર્ડ-2019 તેમજ નેશનલ ઍવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષિકા બહેનોનું ટેક્સ ટૂડે ન્યુઝ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

Spread the love
Reading Time: 4 minutes

 

गुरुर्ब्रह्मागुरुर्विष्णुगुरुर्देवोमहेश्वर😐

गुरुસાक्षातपरब्रह्मतस्मैश्रीगुरवेनम:||

 

ભારત દેશમાં પૌરાણિક સમયથીજ ગુરુ પ્રત્યે સન્માન અને આદરભાવ રાખવાની અતૂટ પરંપરા છે.  મનુષ્યના જીવન માં પ્રથમ સ્થાન તેની માતાનું અને બીજું સ્થાન તેના પિતાનું હોય છે.  આજની 21મી સદીમાં માતા-પિતા પછી મનુષ્ય- જીવનના ઘડતરમાં જો કોઈનો મહત્વનો ફાળો હોય તો તે શિક્ષકનો હોય છે.  સત્ય અને ન્યાયને રસ્તે ચાલવું તે આપણને શિક્ષક શીખવે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ નો સામનો કરી સમાધાન કેમ મેળવવું એ શિક્ષક જ આપણને શીખવે છે.

હાલમાં થોડા દિવસ પૂર્વે જ આપણે સૌએ ગુરુપૂર્ણિમાનો દિવસ આપણાં ગુરુદેવને યાદ કરી ધામધૂમપૂર્વક ઉજવ્યો.  તેવીજ રીતે “ટેક્સ ટુડે ન્યુઝ” દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે બેસ્ટટીચરનોનેશનલ ઍવોર્ડ” પ્રાપ્ત કરનાર છેલ્લા 30 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર દીવ રહેવાસી બે શિક્ષિકા બહેનો પ્રતિભાબહેન ગૌરીશંકર સ્માર્ટ તથા આરાધનાબહેન ગૌરીશંકર સ્માર્ટનું શિક્ષણ ક્ષેત્રમાં આપેલ શ્રેષ્ઠ યોગદાન બદલ તથા દમણ- દીવ પ્રશાસન દ્વારા શિક્ષક-રત્ન ઍવોર્ડ- 2017” અને “શિક્ષક-રત્ન એવોર્ડ-2018” મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું. તેઓ સાથે નો એક ખાસ ઇન્ટરવ્યૂ દીવ ખાતે ના ટેક્સ ટુડે ના પ્રેસ રિપોર્ટર કૌશલ પારેખ દ્વારા લેવામાં આવ્યું.પ્રસ્તુત છે આ ઇન્ટરવ્યૂના મહત્વના મુદ્દાઓની ચર્ચા.

 

1)બેસ્ટ ટીચરનેશનલ ઍવોર્ડ કોનાં દ્વારા એનાયત કરવામાં આવે છે?

આરાધનાબહેન:આ ઍવોર્ડ માનવ સંશાધન મંત્રાલય – ન્યુ દિલ્હી ખાતે માનનીય રાષ્ટ્રપતિશ્રીના વરદ-હસ્તે એનાયત કરવામાં આવે છે.

2)નેશનલ ઍવોર્ડ માટેના નિર્ણાયકોમાં કોણ કોણ સામેલ હોય છે?આ ઍવોર્ડના ચયન માં કયા-કયા પાસાઓ ને ધ્યાન માં લેવામાં આવે છે?

પ્રતિભાબેન: આ એવોર્ડ-ચયનની કમિટીમાં સ્થાનિક સ્તરે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન, કલેકટરશ્રી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ હોય છે.  ઉચ્ચ સ્તરે ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન, સેક્રેટેરી ઓફ એજ્યુકેશન, કલેકટરશ્રી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સામેલ હોય છે.

મારા નોમિનેશન વખતે મને દીવ ખાતે ઓનલાઇન વિડિયો કોલિંગ દ્વારા દમણ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું જેમાં શિક્ષકનું ભાષા પ્રભુત્વ, આત્મવિશ્વાસ તેમજ વિષય પરની પૂરતી પકડ તથા સામાજિક ક્ષેત્રે આપેલું યોગદાન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું..  ફાઇલ માં સામેલ કરેલ અન્ય વિગતોની ખરાઈ કરવામાં આવે છે.  મેં મારો સ્વરચિત કાવ્ય સંગ્રહ “કાવ્યપ્રતિભા” કે જેમાં હિન્દી અને ગુજરાતી મૌલિક કાવ્ય રચનાઓથી નિર્ણાયકગણ મારાં પ્રત્યે ખૂબજ પ્રભાવિત થયા હતા.

 

3) તમે ઘણાં વર્ષો થી શિક્ષણ જગતમાં સેવા આપો છો.  જો તમને દેશનાં શિક્ષણમંત્રી બનાવવામાં આવે તો તમે શિક્ષણ જગતમાંશું ફેરફાર લાવવા પ્રયાસ કરશો?

આરાધનબહેન અને પ્રતિભાબહેન:આજની શિક્ષણ પદ્ધતિ  બાળકની માત્ર સ્મરણ શક્તિને અનુલક્ષીને બનાવવામાં આવી હોય તેવું મહદ અંશે જોવા મળે છે.  અમારું માનવું છે કે બાળક ને માત્ર પરીક્ષાલક્ષી પાઠ ભણાવવાને બદલે મહાત્મા ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો અનુસાર બુનિયાદી તેમજ રસ, રુચિ અને કૌશલ્ય ને આધારે વ્યવસાયલક્ષી જ્ઞાન પણ આપવામાં આવે તો બેકારીની સમસ્યાને દૂર કરી શકાય. સાથે ટેકનિકલ અને ઔદ્યોગિક શિક્ષણ તેમજ હસ્તકળા, ચિત્ર કળા, સંગીત, ફોટોગ્રાફી,ખેતી તથા બાગાયતીને પણ શિક્ષણ માં મહત્વનુ સ્થાન આપવું જોઈએ.  વિદ્યાર્થીઓના દફતરનો ભાર હળવો થાય તે માટે ભાર વિનાના ભણતર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.વિદ્યાર્થીના મનમાં ભય ન ઉત્પન કરે તે પ્રમાણેની પરીક્ષા પદ્ધતિ લાવી શકાય.  ચોરીના દૂષણ ને અંકુશમાં લાવી સ્પર્ધાત્મક વાતાવરણમાં વિદ્યાર્થી આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરી શકાય.  પુસ્તક, નોટબુક, શૈક્ષણિક સાધન-સામગ્રીની  કિંમત વ્યાજબી રાખી શકાય જેથી ગરીબ વિદ્યાર્થીઓ પણ તે આસાનીથી ખરીદી શકે.

વિદ્યાર્થીને પરીક્ષા તેમજ તેના પરિણામનું પ્રમાણપત્ર તેમની વાર્ષિક પ્રગતિ, સ્વાસ્થ્ય, ચરિત્ર, સદગુણ, સ્વભાવ, રસ-રુચિ,તથા સામાન્ય જ્ઞાનના આધારે આપી શકાય.

વર્તમાન શિક્ષણ પ્રણાલીનેએવી બનાવવી જોઈએ કે જેનાથી દેશને સારો નાગરિક, સારા શિક્ષક, આદર્શ નેતા, કુશળ ડોક્ટર, કુશળ એન્જિનિયર, નિપુણ ગૃહિણી તથા દેશના સાચા સપૂત મળી શકે.પુસ્તકીયું જ્ઞાન ગોખીને પરીક્ષા લેવામાં આવેછે તેને બદલે વિદ્યાર્થીઓની રચનાત્મક પ્રતિભાને પારખી તેના ઉપરપણ મૂલ્યાંકન થવું જોઈએ.વિધાર્થીને અક્ષરજ્ઞાનની સાથે વ્યવસાયલક્ષી જ્ઞાન આપવાને મહત્વ આપવું જોઈએ, જેથી બાળક મોટા થતાં પોતાની આવડત મુજબ પોતાની કારકિર્દી ઘડી શકે.  આજે વિશ્વમાં સહુથી વધુ શિક્ષિત અને દુનિયાનો નંબર વન દેશ ફિનલેન્ડ આજ શિક્ષણપદ્ધતિ નું એક યોગ્ય ઉદાહરણ છે.

4) ભારત વિશ્વમાં સહુથી યુવા દેશો માનો એક છે તેમ છતાં ઇનોવેશન ઇંડેક્સમાં ભારતનું સ્થાન ખૂબજ પાછળ છે,આ અંગે આપનું શું કહેવું છે?

આરાધનાબહેન:  આ દેશમાં આજે કોઈપણ વ્યક્તિ પોતાની રચનાત્મક પ્રતિભાને બહાર લાવવા માંગતો હોય તો તેનાં માટે પાયાની સુવિધાઓનો અભાવ હોય છે.  માતા-પિતા પણ પોતાના બાળકોની પ્રતિભાને મહત્વ આપવાં ને બદલે ભવિષ્યમાં કેટલાં વધુ નાણાં કમાશે તેવી આશા સેવતા હોવાથી બાળક પહેલેથીજ બિન જરૂરી સ્પર્ધાત્મક વાતાવરણમાં ઉછરે છે.  આ કારણોસર બાળકનો સર્વાંગી વિકાસ રુંધાઇ જાય છે.  આપણાં દેશમાં વ્યક્તિ પોતે જોબ ગીવર ને બદલે જોવ સીકર્સ બનવાનું વધુ પસંદ કરે છે.  આજે દુનિયાની મોટાભાગની ખ્યાતનામ કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર એક ભારતીય જોવા મળે છે.  તેમણે પણ પોતાના જીવનમાં જોબ શિકર્સ બનવાનું પસંદ કર્યું, જે આજ માનસિકતાનો ભાગ છે.  આજે ઊંચી ડિગ્રી મેળવીને એક વ્યક્તિ સારી નોકરી મેળવે છે જ્યારે એક સામાન્ય ભણતર ભણેલ વ્યક્તિ ચાની લારી બનાવી અન્ય વ્યક્તિને રોજગારી પણ આપે છે, અને સાથે નોકરી કરતાં વ્યક્તિ કરતાં વધુ આવકનું સર્જન કરે છે.આજે આપણાં સમાજના હરેક વ્યક્તિએ કોઈપણ પ્રકારના ઊંચ-નીચ ના ભેદભાવ વગર દરેક સ્વાવલંબી વ્યક્તિ કેજે નાનોમોટો ધંધો ચલાવી સ્વમાનથી જીવન જીવે છે તેનો આદર ભાવ કરવો જોઈએ જેથી સમાજના કોઇપણ વર્ગ પ્રત્યે ભેદ-ભાવ ન રહે.

5) આપ પોતાનાં અનુભવ પ્રમાણે અન્ય શિક્ષકો ને તેમજ વાલીઓ ને શું સંદેશો આપશો?

પ્રતિભાબહેન:  હું મારાં પોતાના અનુભવ પ્રમાણે દરેક શિક્ષક ને એ વિનંતી કરીશ કે આપ જો એક સફળ શિક્ષક બનવા માગતા હોય તો  બાળકોને મૂલ્યલક્ષી શિક્ષણ આપવાં પર વધુ ભાર આપજો. દરરોજ નવું-નવું જાણવાની સાથે વાંચન કરવાની સુટેવ પણ પાડજો.  આપણાં શિક્ષણકાર્યમાં શિક્ષણનાં નૂતન પ્રવાહોથી સતત વાકેફ રહી આધુનિક ટેક્નોલોજીનો વધુ ને વધુ ઉપયોગ કરી શિક્ષણકાર્યને રસમય અને અસરકારક બાનવજો. દરેક બાળકોમાં દેશનું ભાવિ નિર્ભર છે તે ભાવના સાથે તેની રુચિ પ્રમાણે જ્ઞાનનું સિંચન કરજો. ઘણાં વિદ્યાર્થીઓ ખૂબજ તોફાની અને ઉગ્ર સ્વભાવના હોય તો આપણે તેઓની સામે ગુસ્સો કરતાં પહેલાં કે પછી તેઓને કોઈ પણ પ્રકારનીશિક્ષા આપતાં પહેલાં

( જો કે સરકારી નિયમ મુજબ આપણે બાળકોને શારીરિક કે માનસિક શિક્ષા આપી શકતાં નથી) તેમની પારિવારિક,સામાજિક, માનસિક પરિસ્થિતિને સમજી,સાચું કારણ જાણી સ્નેહપૂર્ણ વ્યવહાર સાથેશિક્ષણનું મહત્વ સમજાવજો.  વાલીઓએ પણ પોતાના બાળકો માત્ર આર્થિક-ઉપાર્જન માટે જ નહીં, પરંતુ સાથે સાથે  જીવન માં એક ઉમદા નાગરિક બને તેમાં ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ.  પોતાનાં બાળકની સરખામણી અન્ય બાળક સાથે ક્યારેય પણ ન કરવી જોઈએ. કારણ કે દરેક બાળક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતું હોય છે. એક ઉતમ શિક્ષણ અને સારા સંસ્કારોના બળે બાળક મોટા થતાં પોતાની કારકિર્દી આપમેળે બનાવી લેશે તેવો આત્મવિશ્વાસ દરેક વાલીઓએ રાખવો જોઈએ, જેથી કરી બાળક મોટા થતાં પોતાના ઉચ્ચ સપના પૂરાં કરવાં અનિચ્છનીય પ્રવૃતિનો માર્ગ ન અપનાવે.  દરેક વાલીઓ અને શિક્ષકોએ પોતાનાં વાણી, વર્તન, વિચારસરણીશુદ્ધ, સાત્ત્વિક તેમજ આદર્શમય રાખવાં જોઈએ, જેથી બાળક મોટા થતાં એક આદર્શ નાગરિક બની શકે.  આ માટે બાળ મનોવિજ્ઞાન ને ખાસ સમજી અને બાળકો સાથે વ્યવહાર કરવો જોઈએ તેવો અમારો અભિપ્રાય છે.  આ દ્વારા આપણે પણ ભારતના એક જવાબદાર નાગરિક બની ભારત ને દુનિયાની મહાસતા બનાવવામાં પોતાનું યોગદાન આપી શકીએ.

આજે અમે બન્ને બહેનો ટેક્સ ટુડે ની ટીમ ને ધન્યવાદ પાઠવીએ છીએ કે જેમને અમારું ભાવભર્યું સન્માન તો કર્યું પણ સાથે સાથે અમારા વિચારોપણ સમાજ સુધી પહોંચે તે માટે અમને તક આપી.  આજે અમે બંને બહેનો ભગવદ ગીતાના શ્લોક સાથે સમાપન કરીશુંकर्मण्येवाधिकारस्तेमाफलेषुकदाચન |.  આપ પણ જીવનમાં ફળની આશા રાખ્યાં વિના સારાં કર્મો કરતાં રહેશો તો પરમાત્મા સદૈવ આપની સહાયતા કરશે.  અસ્તુ …

error: Content is protected !!