ઇન્કમ ટેક્સ વિવાદ સે વિશ્વાસ ડિમાન્ડ સેટલમેંટ યોજના: તક ખરી પણ માત્ર એવા કરદાતાઓને જેઓની અપીલ પેન્ડિંગ હોય!!!

Spread the love
Reading Time: 4 minutes

તા. 06.02.2020: 01 ફેબ્રુઆરીએ બજેટ માં નાણાંમંત્રીએ જાહેરાત કરેલ ઇન્કમ ટેક્સ ની વેરા સમાધાન યોજના ગઇકાલે સંસદમાં રજૂ કરવામાં આવી છે. આ યોજના ની ગુજરાતી માં સરળ સમજૂતી આપવા આ લેખ માં પ્રયાસ કરવામાં આવ્યો છે.

પ્રશ્ન 1: આ યોજના હેઠળ કોઈ પણ ઇન્કમ ટેક્સ ભરવાનો બાકી હોય તો લાભ લઈ શકશે?

જવાબ: ના, આ યોજનામાં માત્ર એવા કેસ માં લાભ લઈ શકશે જેવા કેસોમાં કરદાતા દ્વારા અથવા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા કોઈ પણ અપીલ કરવામાં આવેલ હોય.

પ્રશ્ન 2: મારા ચોપડા ઉપર અમુક શેર દર્શાવવા ના રહી ગયા છે. શું હું આ યોજના હેઠળ મરજિયાત રીતે આ શેર ની રકમ જાહેર કરી, ટેક્સ ભરી લાભ લઈ શકું છું?

જવાબ: ના, આ યોજના હેઠળ મરજિયાત રીતે કોઈ ડિકલેરેશન કરી લાભ લઈ શકશે નહીં.

પ્રશ્ન 3: આ યોજનાનો લાભ લેવો હોય તો એક કરદાતા તરીકે મારે કેટલી રકમ ભરવાની રહે?

જવાબ: આ યોજના હેઠળ ભરવાની બાકી રકમ ને બે ભાગ માં વેચવામાં આવેલ છે. નીચેના કોષ્ટકમાં આ અંગે સમજૂતી આપવામાં આવી છે.

ક્રમ બાકી રકમ નો પ્રકાર 31 માર્ચ 2020 પહેલા કેટલી રકમ ભરવાની રહે 01 એપ્રિલ થી છેલ્લી તારીખ સુધીમાં કેટલી રકમ ભરવાની થાય
a જ્યારે વિવાદિત રકમમાં ટેક્સ, વ્યાજ અને/કે દંડ ની રકમ નો સમાવેશ થતો હોય ત્યારે માત્ર ટેક્સ ની રકમ ભરવાની થશે. આ રકમ ભરવાથી વ્યાજ તથા દંડ ની રકમ માફ કરવામાં આવશે. ટેક્સ ની રકમ ઉપરાંત ટેક્સ ની રકમ ઉપર 10% વધારાની રકમ ભરવા પાત્ર થશે. જો આ દસ ટકા રકમ વ્યાજ અને દંડ થી વધુ થતી હશે તો આવા કિસ્સાઓમાં 10% થી વધારાની રકમ માંડી વાળવામાં આવશે.
b જ્યારે વિવાદિત રકમ એ માત્ર વ્યાજ તથા/કે દંડ કે ફી નો સમાવેશ થતો હોય ત્યારે આવા વ્યાજ, દંડ કે ફી ની રકમ ના 25% રકમ ભરવામાં આવશે તો બાકી ની રકમ માફ કરવામાં આવશે. આવા વ્યાજ, દંડ કે ફી ની રકમ ના 30% ભરવામાં આવશે તો બાકી રકમ માફ કરવામાં આવશે.

 

પ્રશ્ન: 4: આ યોજનાનો લાભ લેવા અરજી ક્યાં ફોર્મ માં અને કોને કરવાની રહે?

જવાબ: આ યોજના અંગે ના નિયમો હજુ બહાર પાડવાના બાકી છે. આ અરજી કોને કરવામાં આવે તથા તે ક્યાં ફોર્મમાં કરવાની છે તે અંગે હજુ ખુલાસા નિયમો દ્વારા કરવામાં આવશે.

પ્રશ્ન 5: અમે દાખલ કરેલ અપીલ, આ યોજના હેઠળ અરજી કર્યા પહેલા ખેંચવાની રહે?

જવાબ: હા, અરજદારે કોઈ પણ તબક્કે ચાલતી અપીલ પરત ખેચવાની રહશે. આ ઉપરાંત અરજદારે પોતે આ ડિમાન્ડ માટેના અન્ય તમામ હક જતાં કરે છે તે અંગેનું અંડરટેકિંગ રજૂ કરવાનું રહેશે.

પ્રશ્ન 6:  આ યોજના હેઠળ અમે કરેલ અરજી નો નિકાલ કેટલા સમય માં કરવામાં આવશે?

જવાબ: આ યોજનાની અરજી મળ્યેથી યોગ્ય સતાધિકારીએ અરજી મળ્યા ના દિન 15 માં એક આદેશ કરી કરદાતાએ ભરવાની રકમની જાણ એક સર્ટિફિકેટ દ્વારા કરશે.

પ્રશ્ન 7: આ યોજના હેઠળ અરજદારને સર્ટિફિકેટ આપવામાં આવે એના કેટલા દિવસ માં રકમ ભરવાની રહશે?

જવાબ: સત્તાધિકારી દ્વારા રકમ ભરવા અંગેનું સર્ટિફિકેટ મળે તેના 15 દિવસમાં કરદાતા દ્વારા રકમ ભરી આપવા રહેશે. આ રકમ ની જાણ કરી ને આ સમય દરમ્યાન નિયત ફોર્મમાં રકમ ભરવાની જાણ કરવાની રહશે.

પ્રશ્ન 8: અરજદાર રકમ ભરી અધિકારીને જાણ કરે ત્યારબાદ સત્તાધિકારીએ કોઈ વિધિ કરવાની રહે?

જવાબ: હા, સતાધિકારીએ આ રકમ ભર્યા નો આદેશ પસાર કરવાનો રહશે.

 

પ્રશ્ન 9: આ યોજના હેઠળ રકમ ભર્યા અને અધિકારી દ્વારા આદેશ મળ્યા બાદ શું આવક વેરા કાયદા હેઠળ રી એસેસમેંટ કે રિવિઝનની કાર્યવાહી થઈ શકે?

જવાબ: ના, આ યોજના ની કલમ 5(3) માં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ યોજના હેઠળ પસાર કરવામાં આવતા આદેશ માં થયેલ રકમ બાબતે કોઈ રીએસેસ્મેંટ કે અન્ય કાર્યવાહી કરી શકાશે નહીં.

પ્રશ્ન 10: આ યોજના હેઠળ ગણતરી કરતાં કોઈ રકમ નું રિફંડ ઊભું થાય તો આ રિફંડ મળી શકે?

જવાબ: આ યોજના હેઠળ કોઈ પણ સંજોગો માં કોઈ રિફંડ આવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે.

પ્રશ્ન 11: આ યોજના હેઠળ તમામ પ્રકારની વિવાદિત રકમ નો સમાવેશ થાય છે કે આમાં કોઈ અપવાદ છે?

જવાબ: આ યોજના હેઠળ અમુક અપવાદ આપવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે. નીચેના કિસ્સા વળી વિવાદિત ડિમાન્ડનો/ કરદાતાનો સમાવેશ થશે નહીં:

  • બ્લોક એસેમેંટના કેસો.
  • પ્રોસીક્યૂશન લાગુ કરવામાં આવ્યું હોય તેવા કેસો.
  • ભારત બહારની “ના” જાહેર કરેલ રકમ અંગે વિવાદીત રકમ ના કેસો.
  • ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કલમ 90 તથા 90A હેઠળ ના એગ્રીમેન્ટ વાળા વિવાદિત રકમ ના કેસો.
  • સ્મગલિંગ કાયદા સહિત ના કાયદા હેઠળ ડિટેનશન ઓર્ડર પસાર કરવામાં આવ્યા હોય તેવા કેસો

 

પ્રશ્ન 12: આ યોજના હેઠળ અરજી કરવાની તારીખ કઈ છે?

જવાબ: આ યોજના હેઠળ અરજી કરવાની તારીખ હજુ જાહેર થયેલ નથી. આ તારીખો હવે પછી જાહેર થશે.

પ્રશ્ન 13: આ યોજના હેઠળ રકમ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ: આ યોજના હેઠળ રકમ ભરવાની છેલ્લી તારીખ હજુ જાહેર થયેલ નથી. 31 માર્ચ પહેલા રકમ ભરનાર ને વધુ રાહતો મળશે તે બાબત ચોક્કસ છે.

પ્રશ્ન 14: આ યોજના હેઠળ આજદિન સુધી દાખલ કરવામાં આવેલ તમામ અપીલ માટે લાભ લઈ શકાય છે?

જવાબ: ના, આ યોજના ની “કટઓફ ડેટ” 31 જાન્યુઆરી (બજેટ પહેલાનો દિવસ) જાહેર કરવામાં આવેલ છે. 31 જાન્યુઆરી સુધી કરવામાં આવેલ અપીલ સંદર્ભે આ યોજના નો લાભ મળી શકશે.

આ યોજના ના સારા નરસા પાસાઓ ઉપર પ્રકાશ ફેકતાં, ટેક્સ ટુડે એક્સપર્ટ CA દિવ્યેશ સોઢા, જણાવે છે કે, જે આકારણી આદેશોમાં અપીલ ની મુદત બાકી હોય, તેવા કેસો ને 31 જાન્યુઆરી પછી પણ લાભ આપવો જોઈએ. હાલ જે મુદત આપવામાં આવેલ છે તે ખૂબ ઓછી છે, તેમાં વધારો આવશે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. આ યોજના વિષેની સફળતાની વાત કરતાં ટેક્સ ટુડે એક્સપર્ટ એડવોકેટ લલિત ગણાત્રા જણાવે છે કે આ યોજનાની જોગવાઈ જોતાં, યોજના ની સફળતા વિષે પ્રશ્નો ઉદભવે છે. ટેક્સ ટુડે એક્સપર્ટ અને અમદાવાદ ના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મોનીષ શાહ પણ આ વાત માં સૂર પુરવતા જણાવે છે કે 31 માર્ચ નો સમય છે તે ખૂબ ઓછો કહેવાય. આ સમય દરમ્યાન કરદાતા અરજી કરે અને સતાધિકારી આ અરજી નો નિકાલ કરે અને કરદાતા તુરંત ટેક્સ ભારે તો પણ 31 માર્ચ સુધીનો લાભ વધારે કરદાતાઓને મળે તેવું પ્રેક્ટિકલી શક્ય નથી. આકારણી વર્ષ 2017 18 માટે ખૂબ મોટા પ્રાણમાં કલમ 115BBE હેઠળ મોટી ડિમાન્ડ ઊભી થયેલ છે. જો આ કલમમાં અને આવા કેસોમાં કોઈ રાહત આપવામાં આવેલ હોત તો મારા મત મુજબ આ  યોજના વધુ સફળ થઈ શકી હોત અને સરકાર અને કરદાતા બંને માટે રાહતરૂપ સાબિત થાત.

ઉપરોક્ત સમસ્યાઓ સમજી શકાય તેવી છે. પરંતુ એક બાબત ચોક્કસ છે કે જે કરદાતાઓની અપીલ કોઈ પણ તબક્કે પડતર હોય તેમણે પોતાના એડવોકેટ, CA કે ટેક્સ પ્રેકટીશનર ને મળી આ યોજના ના લાભ ની ગણતરી તો ચોક્કસ કરાવવી જોઈએ. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!