ઇન્ટરનેટ ફ્રોડ: જ્યાં જાણકારી તથા સાવચેતી તેજ સમાધાન…..

Spread the love
Reading Time: 5 minutes

 

     By Ronak Palan, CA Student, Ahmedabad-Keshod:

કહેવાય છે ને Prevention Is Always Better Then Cure. મારા એક સબંધીએ એક મોબાઈલ વેચવા OLX પર મૂક્યો. મોબાઈલ સામાન્ય હતો. એવું પણ નહતું કે આ મોબાઈલની માર્કેટ માં શૉર્ટેજ હતી. પણ OLX પર મૂક્યાની એક મિનિટમાં તો તેમને એક ખરીદનાર નો ફોન આવ્યો. તેમને પૂછ્યું કે તમે 12500 માં જે મોબાઈલ વેચાણ માટે મૂક્યો છે તેનો છેલ્લો ભાવ કહો. તેમણે મને “ઇમોશનલ” બનાવવા તેમને જણાવ્યુ કે તેઓ ઈંડિયન આર્મીમાંથી બોલે છે. જ્યારે જ્યારે 12000 નો છેલ્લો ભાવ કહ્યો ત્યારે તેમણે વધુ રકજક કર્યા વગર મોબાઈલ ખરીદવાનું સ્વીકારી લીધું. ખરીદનારે કહ્યું કે તે એક બારકોડ મોકલે છું તેને સ્કેન કરશે એટ્લે તમને રકમ મળી જશે અને તેમનો ફ્રેન્ડ વેચનારની પાસે આવી મોબાઈલ લઈ જશે. મારા આ સબંધીના નસીબ સારા કે એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ ના અનુભવના કારણે તેમને તરત શંકા ઊપજી કે સવારે 7 વાગ્યે OLX પર સામાન્ય ફોન વેચવા મૂકીએ ને તેની એક મિનિટ માં ફોન આવે તે કેમ બને??? ગૂગલ ઉપર તેમણે ચેક કર્યું તો સૌ પ્રથમ OLX ફ્રોડ (ચિટિંગ) માં આ પ્રકાર ના ફ્રોડ વિષે વાંચ્યું. એ વ્યક્તિએ તેમને પોતાનો બાર કોડ સેકેન કરવા પણ મોકલી આપ્યો હતો. પણ તેમને આ ચિટિંગ અંગે ની માહિતી મળી જતાં તેમના બેન્કમાંથી રકમ કપાતા બચી ગઈ!!! તેઓ તો બેંકિંગ સાથે નિયમિત રીતે જોડાયેલ વ્યક્તિ છે. આમ છતાં તેમનાથી બારકોડ સ્કેન કરવાની ભૂલ થઈ જાત. આજથી બે વર્ષ પહેલા એક સ્કૂલ રિક્ષાના એક ડ્રાઈવરને ઈનામ આપવાની લાલચ આપી OTP પુછવામાં આવ્યા અને તેમણે તે OTP આપી દીધા. આ OTP આપતાજ તેના ખાતામાંથી રકમ ઉપડી ગઈ હતી. મારા સબંધી નસીબદાર હતા, પણ શું બધા તેમની જેમ નસીબદાર સાબિત થતાં હોય છે??? આનો જવાબ છે ના. મોટાભાગે આ પ્રકાર ના ફ્રોડ કરવા વાળા જ નસીબદાર થતાં હોય છે.

મારી સાથે ફ્રોડ ના થાય તે બાબતે કઈ તકેદારીઓ રાખવી જોઈએ?

1. બારકોડ્સ અથવા QR કોડ્સ જે અજાણ્યા સ્રોતમાંથી આવ્યા છે તેને સ્કેન ન કરવા જોઈએ. એક બાબતને સમજવાનો પ્રયત્ન કરો કે પોતાના મોબાઈલમાં પેમેન્ટ બારકોડ્સ સ્કેન કરવું તે ફક્ત અન્ય લોકોને ચુકવણી કરતી વખતે જ જરૂરી છે, જ્યારે બીજી વ્યક્તિપાસેથી ચૂકવણી સ્વીકારતી વખતે નહીં.

2. તમારા મોબાઇલ ફોનને USB કેબલથી જાહેર સ્થળોનાં ચાર્જિગ પોઈન્ટ પર ચાર્જ કરવા ન મૂકો કારણ કે ત્યાંથી તમારા ફોનમાંથી ડેટા લીક થવાની સંભાવના છે. હાલ એક સાધન જે ‘USB CONDOM’ તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ તમે જાહેર સ્થળોનાં ચાર્જિગ પોઈન્ટ પર ચાર્જ કરવા માટે કરી શકો છો અને તમારા મોબઈલ ને હેકર્સથી પણ સુરક્ષિત કરી શકો છો.

3. તમે તમારું ડેબિટ / ક્રેડિટ કાર્ડ ગુમાવ્યા પછી તરત જ તમારી બેંકનો સંપર્ક કરો અને છેતરપિંડીથી બચવા માટે તમારા કાર્ડને તાત્કાલિક અવરોધિત (Block) કરવા માટે તમારી ફરિયાદ નોંધાવો .

4. લિન્કસ, વેબસાઇટ્સની લિન્કસ જે તમને અજાણ્યા સ્ત્રોતોથી મેસેજ, મેઈલ વગેરેના માધ્યમથી મળે છે તેનાથી દુર રહો અને તેને ખોલવાનો પ્રયાસ કરશો નહીં કારણ કે તે 99.99% કેસમાં છેતરપિંડી કરવા માટે બનાવવામાં આવે છે અને તે બધા માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે. જાણીતી વેબસાઇટ ની લિન્કસ નો ઉપયોગ કરવા માં આ તકલીફ નથી.

5. એવી ઘણી એપ્લિકેશન છે જે તમને પ્રથમ વખત એપ્લિકેશન શરૂ કરતી વખતે ફાઇલો, સંપર્ક, ઓડિઓ, ગેલેરી વગેરેની અતિરિક્ત મંજૂરીની માંગ કરે છે તેથી સંમતી તો જ આપો જો માત્ર અને માત્ર તે વિશ્વસનીય એપ્લિકેશન હોય અને સંમતી આપવી જરૂરી હોય. તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે અવિશ્વસનીય એપ્લિકેશનમાં આવી મંજૂરીઓ આપશો નહીં.

6. જ્યાં સુધી તમને ખુબ આવશ્યકતા ન હોય ત્યાં સુધી જાહેર સ્થળો જેવા કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, કાફે વગેરે સ્થળો પર WiFi નો ઉપયોગ કરશો નહીં, કેમ કે ત્યાં હેકર્સ આવા WiFi માં કોડિંગ સેટ કરતા હોય છે, જ્યાંથી જો તમે WiFi ઉપયોગ કરતા હોવ તો તેઓ સરળતાથી તમારા આખા મોબઈલમાં તમારી પરવાનગી વિના પ્રવેશ કરી શકે છે, જેથી તેઓ તમારા ફોનમાં જે ઇચ્છે તે કંઇ પણ કરી શકે જે તમારી નજર સામે પણ નહીં આવે. તેથી સાવચેત રહો અને જાહેર સ્થળોના WiFiનો ઉપયોગ ન કરો જ્યાં સુધી તમને ઇન્ટરનેટની ખુબ આવશ્યકતા ન હોય અને ખુબ આવશ્યકતા હોય તો પણ શક્ય હોય તો તમારા મિત્રને તમારા માટે Hotspot ચાલુ કરવા પૂછો જે જાહેર સ્થળોના WiFi કરતાં ખુબ સુરક્ષિત હોઈ છે.

7. કેટલાક હેકર્સ એવા પણ છે જે તામારા મોબઈલ નંબર પર મિસકોલ કરે છે જે અજાણ્યો નંબર ભારતનો નથી હોતો અને જો તમે ફરીથી તે નંબર પર કોલ કરવાનો પ્રયાસ કરશો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને તમારા મોબઈલ પરથી બધી માહિતી (Data) હેક થઇ શકે છે.તેથી આવા બિન ભારતીય અજાણ્યા નંબરોના કોલ સ્વીકારસો નહિ અને કોલ કરવાનો પ્રયાસ પણ કરવો ના જોઈએ.

8. આવા હેકર્સ પણ છે જે તમને જાહેર સ્થળો પર એક આકસ્મિક આવશ્યકતા માટે કોલ કરવા માટે તમારો મોબાઇલ આપવા મદદ માંગે છે અને કોલ કરવાને બદલે તેઓ તમારી જ જાણકારી વગર એક વેબસાઇટ ખોલશે તે પછી તેઓ તમારી બધી ફાઇલો, વિગતો, દસ્તાવેજો, સંદેશાઓ, બેંક વિગતો વગેરે જે પહેલાથી તમારા ફોનમાં છે તે પ્રાપ્ત કરી શકે છે અને તમારા ફોનથી ઓટીપી જેવા મેસેજ પણ પ્રાપ્ત કરવા સક્ષમ બની જતા હોઈ છે, જેથી તેનાથી પરિચિત થાઓ અને જેને તમે જાણતા નથી તે કોઈને તમારો મોબાઇલ પ્રદાન કરશો નહીં. કોઈ ફોન કરવા માંગે તો તમે તેને નંબર ડાયલ કરી આપી શકો છો જેથી તે વાત કરવા સિવાય કોય ઉપયોગ કરી શકે નહીં.

9. એવી વેબસાઇટ્સ પણ છે જે પાઇરેટેડ મૂવીઝ, એપ્લિકેશન વગેરે પ્રદાન કરે છે તેથી કૃપા કરીને આવી વેબસાઇટ્સથી દૂર રહો કારણ કે આવી વેબસાઇટ્સમાં છેતરપિંડી થવાની સંભાવના વધારે છે કારણ કે આ પ્રકારની વેબસાઇટ્સ ફક્ત આવા કપટપૂર્ણ હેતુ માટે બનાવવામાં આવે છે.

10. કેટલાક એવા હકેર્સ પણ છે જે Flipkart,Amazon વગેરે વેબસાઈટ જેવા જ સમાન વેબસાઈટ પેઇઝ બનાવી અને લોકોને આકર્ષિત કરવા માટે મોબઈલ,લેપટોપ જેવા ઉત્પાદનોને ખુબ ઓછી કિંમતે દર્શાવે છે. અને આ વેબસાઈટ મૂળ વેબસાઈટ સમાન જ લાગે છે તેથી લોકો ઓછી કિંમતથી આકર્ષાઈને આપમેળે જ ઉત્પાદનો ખરીદવા ખાતરી થાય છે. આવી વેબસાઈટસમાં COD(Cash On Delivery) નો પણ વિકલ્પ નથી હોતો તેથી લોકો Online Payment કરે છે અને તે રકમ તુરતજ હકેર્સના ખાતામાં જમા થઇ જાય છે અને કોઈ ઓડરની વિગતો પણ નથી મળતી. આવી વેબસાઈટસની લીંક અવારનવાર મેઈલ અથવા મેસેજ દ્વારા આવતી હોઈ છે તથી તેનાથી સાવધાન રહો અને આવી કોઈ પણ વેબસાઈટ પર ઓડર કરશો નહિ.

11. ઘણી વેબસાઇટ એવી હોય છે કે જે તમને પોતાનામાં લૉગિન કરવા આગ્રહ કરશે અને તમને તેમના નિયમો તથા શરતો મંજૂર કરવા જણાવશે. મોટાભાગે આ નિયમો તથા શરતો વાંચ્યા વગર લોકો સ્વીકારી લેતા હોય છે. આ પ્રકાર ની વેબસાઇટ માં એવી શરતો હોય છે કે તમે તે સાઇટ ને તમારો ડેટા (વિગતો) મેળવવા હકદાર બનાવો છો. તમારી આ માહિતી વેચી ને પણ આવક મેળવતી સાઇટ ઘણી છે.

મારી સાથે ફ્રોડ થયો છે પણ આ અંગે ફરિયાદ હું ક્યાં કરી શકું???

આ પ્રશ્ન જેમની સાથે ફ્રોડ થયો હોય તેમને સામાન્ય રીતે થાય. ઓનલાઈન ફ્રોડ નો શિકાર બનેલ વ્યક્તિ મોટાભાગે પોતાની નજીકના પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતાં હોય છે. દરેક પોલીસ સ્ટેશન માં આ અંગે સાઇબર સેલ ડિવિઝન હોય છે. પરંતુ લોકલ પોલીસ સ્ટેશનોમાં આ અંગે પોલીસ ડિપાર્ટમેંટ ને પણ પૂરતી માહિતીનો અભાવ હોય છે. જો લોકલ પોલીસ સ્ટેશન પર થી મદદ મળે તો તે ઉત્તમ બાબત છે. પરતું ના મળે તો બીજો એક વિકલ્પ www.cybercrime.gov.in પર જઈ પોતાની ફરિયાદ નોંધાવવા નો છે. તમે તમારી સાથે બનેલ બનાવ અંગે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. આ ફરિયાદ ઉપરથી પોલીસ તપસ કરે છે. તમારી તપસ હાલ ક્યાં તબક્કે છે તે પણ તમે ઓનલાઈન જાણી શકો છો.

ફ્રોડ માટે સિસ્ટમ જવાબદાર છે કે વ્યક્તિ?

ઘણી વાર ફ્રોડ માટે સિસ્ટમ પણ જવાબદાર હોઈ છે પણ મોટા ભાગનાં કિસ્સામાં વ્યક્તિની ભૂલ અથવા વ્યક્તિના અજાણતા ને કારણે જ છેતરપીંડીના બનાવો બનતા હોઈ છે તો દરેકે તેનાથી સાવચેતી રાખવી જોઇએ.

Use Technology But Be Alert!!

મિત્રો, હું ચોક્કસ પણે માનું છું કે ઇન્ટરનેટ અને આધુનિક ટેકનોલોજી વગર આજે જીવન શક્ય નથી. આ બધી સેવાઓ ખૂબ ઉપયોગી છે. પણ ગુજરાતીમાં કહેવત છે ને “ચેતતો નર સદાય સુખી” તેમ આ તમામ સગવડો નો ઉપયોગ સમજણથી તથા સાવચેતી થી કરવો જરૂરી છે.

નોંધ:- કોઈપણ બેંક અથવા આવી કોઈપણ નાણાકીય સંસ્થાઓ તમને ઓટીપી, ATM પિન, ડેબિટ/કાર્ડ વિગતો વગેરે જેવી કોઈ માહિતી માટે ક્યારેય ફોન કરતી નથી તેથી કોઈની અજાણ્યા વ્યક્તિ સાથે આવી વિગતો શેર ન કરવી જોઈએ.

નોંધ:- ઉપર દર્શાવેલ વેબસાઇટ્સનાં નામ ફક્ત વર્ણનાત્મક હેતુ માટે છે.

Be Aware
Stay Alert
Stay Safe

error: Content is protected !!