ગુજરાત વેટમાં રિટર્ન ભરવા પરવાનગી આપવામાં થઈ રહી છે ઢીલાશ: પેટ્રોલ પંપના વેપારીઓને પડી રહી છે હાલાકી
પેટ્રોલ પંપના નવા નોંધાયેલ વેપારીને પરમીશન આપવામાં 6 મહિના થઈ જતાં હોવાની ઉઠી રાવ
તા. 21.08.2020: દેશભરમાં જી.એસ.ટી. લાગુ થઈ ગયો છે. પણ પેટ્રોલ ડીઝલ ઉપર હાલ પણ જી.એસ.ટી. નહીં પણ વેટ લાગુ પડે છે. આમ, પેટ્રોલિયમ ચીજવસ્તુઓનો વેપાર કરતાં વેપારીઓએ જી.એસ.ટી. ઉપરાંત વેટ કાયદા હેઠળ પણ નોંધાવું ફરજિયાત છે. આવા વેપારીઓ એ જી.એસ.ટી. ઉપરાંત વેટ કાયદાના રિટર્ન ભરવાના હોય છે. જી.એસ.ટી.ની અમલવારી બાદ ગુજરાત વેટની વેબસાઇટમાં પેટ્રોલ પંપના રિટર્ન ભરવાં ખાસ પરવાનગી લેવી પડે છે. આ પરવાનગીની અરજી જે તે ઘટક ઓફિસે કરવાની રહે છે. ઘટક ઓફિસ આ અરજી ઉપરની કચેરીઓમાં પરવાનગી માટે મોકલતી હોય છે. કોઈ પણ કારણસર આ અરજીઑનો નિકાલ કરવામાં મોટા વિલંબ થતાં હોવાની રાવ વેપારીઓ તથા ટેક્સ પ્રેકટિશનરો કરી રહ્યા છે. આ પરવાનગી કોણ આપે છે તે અંગે પણ સ્પસ્ષ્ટતાનો અભાવ હોવાનું કરવેરા નિષ્ણાતો જણાવે છે. આ અંગે વાત કરતાં જુનાગઢના ટેક્સ એડવોકેટ હેમંગ શાહ જણાવે છે કે વેટમાંથી જી.એસ.ટી. માં માઈગ્રેશન વખતે તો આવી પરવાનગી લેવાની વાત સમજી શકાય છે પણ હવે જ્યારે નવા નંબર પેટ્રોલ પંપના વેપારી મેળવે છે ત્યારે આ પરવાનગી લેવી એ કોઈ પણ રીતે વ્યાવહારિક જણાતું નથી. નવા વેપારીઓ પેટ્રોલ પંપના વેપારી હોય તો જ વેટ નંબર માટે અરજી કરે. પેટ્રોલ સિવાયના વેપારીઓ હવે જ્યારે વેટ કાયદા હેઠળ નોંધણી માટે અરજી કરતાં ના હોય આ પ્રકારે પરવાનગી મેળવવાની પદ્ધતિ વેપારી, ટેક્સ પ્રેકટિશનર તથા ડિપાર્ટમેંટ ત્રણે માટે કામના ભારણમા ખોટો વધારો કરાવે છે. નવા પેટ્રોલિયમ વેપારીઓ માટે રિટર્ન ભરવાની પરવાનગી મેળવવાની વિધિ બંધ કરી દેવામાં આવે અને આવા નવા વેપારી નંબર મેળવતા પોતાના વેટ રિટર્ન ભરી શકે તેવી વ્યવસ્થા વેટ ડિપાર્ટમેંટ ગોઠવે તેવી માંગ વેપારીઓમાં ઉઠવા પામી છે. ભવ્ય પોપટ, એડિટર ધ ટેક્સ ટુડે.