જી.એસ.ટી. નંબર સરકાર દ્વારા રદ્દ કરી નાખવામાં આવ્યો છે??? તો નંબર પુનઃસ્થાપિત કરાવવા ની છે છેલ્લી તક…
તા. 26.06.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશન હેઠળ નો વેપારી સતત 3 રિટર્ન ના ભરે અને કંપોઝીશન સિવાય નો વેપારી સતત 6 રિટર્નના ભરે ત્યારે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા આવા વેપારીઓ નો નંબર રદ્દ કરી નાંખવામાં આવે છે. આ રદ્દ કરેલ નંબર બાકી તમામ રિટર્ન તથા ટેક્સ ભરી નંબર રદ્દ થયા નો ઓર્ડર થયેથી 30 દિનની અંદર પુનઃજીવિત (રિવોકેશન) કરવા અરજી કરી શકાય છે.
મોટા પ્રમાણમાં એવા વેપારીઓ કે જેમનો નંબર જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રદ્દ કરી નાંખવામાં આવ્યા છે તેઓ આ 30 દિવસની મુદતમાં નંબર પુનઃ સ્થાપિત કરી શકયા નથી. આવા વેપારીઓ ને ફરી એક તક આપવા 25 જૂન ના રોજ એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, જી.એસ.ટી. કાયદા નો અમલ શરૂ થયો છે ત્યારથી (01.07.2017 થી) 12 જૂન 2020 સુધી જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા “સુઓ મોટો” કરવામાં આવેલ તમામ રદ્દના આદેશની બજવણી ની તારીખ નીચેમાંથી જે પછી હોય તેમ માનવમાં આવશે.
1. ખરેખર આદેશની બજવણી થઈ તે તારીખ
2. 31 ઓગસ્ટ 2020
આમ, ઉપરમાંથી જે તરોખ પછી હોય તે તારીખ ને બજવણી ની તારીખ ગણી આ 30 દિવસના સમયની ગણતરી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, કોઈ કરદાતા નો જી.એસ.ટી. નંબર રદ્દ કરવા અંગેનો ઓર્ડર 10 જૂન 2018 ના રોજ બજાવેલ હશે તો તેવા કરદાતા માટે આ ઓર્ડર 31 ઓગસ્ટ 2020 સુધી મળ્યો છે એમ માની લેવામાં આવશે.
આ 31 ઓગસ્ટથી 30 દિવસની અંદર રિવોકેશન ની અરજી કરદાતાએ કરી આપવાની રહેશે. આ તકે એ બાબત જાણવી જરૂરી છે કે જી.એસ.ટી. હેઠળ રિટર્ન ભરવા લગતી લેઇટ ફી વ્યાજ વગેરે ભરવા કરદાતા જવાબદાર બનશે. આ અંગે પણ રાહતો આપી આ લેઇટ ફી ને શરતોને આધીન ખૂબ ઓછી કરી નાંખવામાં આવેલ છે.
કરદાતા કે જેઓનો નંબર જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રદ્દ કરવામાં આવેલ હોય તેમના માટે આ સુવર્ણ અવસર છે. તેઓએ પોતાના નોંધણી દાખલા ને પુનઃ સ્થાપિત કરી લેવો જરૂરી છે.