જી.એસ.ટી. હેઠળ ના કંપોઝીશન માટે ના રિટર્ન/ચલણ ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઇ, પણ પોર્ટલ પણ ફોર્મ છે હજુ ગાયબ!!!
તા: 11.07.2019: જી.એસ.ટી. લાગુ થયા ના 2 વર્ષ ની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી. જી.એસ.ટી. કાયદો ચોક્કસ એક જરૂરી કાયદો છે તે અંગે બેમત નથી. પરંતુ જી.એસ.ટી. પોર્ટલ તે જી.એસ.ટી. ની સૌથી નબળી કડી છે તે અંગે પણ કોઈ શંકા ને સ્થાન નથી. જી.એસ.ટી પોર્ટલ નું સર્વર બબ્બે બબ્બે વર્ષ ના ગાળા બાદ પણ હજુ અવાર નવાર ઠપ્પ થઈ જતું હોય છે. જી.એસ.ટી. પોર્ટલ પર અવાર નવાર એ અંગે ના સૂચનો આપવામાં આવતા હોય છે કે જી.એસ.ટી. રિટર્ન ભરવા માટે છેલ્લા દિવસ સુધી રાહ ના જુવો. એક સાથે બધા કરદાતા રિટર્ન ભરવા આવતા હોવાથી આ સર્વર ઠપ્પ થઈ જતું હોવાનું GSTN દ્વારા અગાઉ સ્વીકારવામાં પણ આવેલ છે.
પણ હાલ તો ઉલ્ટી ગંગા વહી રહી હોવાની પરિસ્થિતી છે. જી.એસ.ટી. હેઠળ એપ્રિલ થી જૂન 2019 ના કંપોઝીશન ના રિટર્ન ભરવા માટે ની છેલ્લી તારીખ 18 જુલાઇ 2019 છે. પણ હજુ સુધી આ ફોર્મ જી.એસ.ટી. પોર્ટલ ઉપર ઉપલબ્ધ નથી. કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા કરદાતાઓ નાના કરદાતા છે. ટેકનૉલોજિ થી તમામ પરિચિત પણ નથી. હવે જ્યારે ફોર્મ લાવવા માં આવશે ત્યારે એક સાથે આ કરદાતાઑ ના રિટર્ન ભરવા ધસારો રહેશે અને પોર્ટલ નું સર્વર ફરી ઠપ્પ થઈ જાય તો નવાઈ નથી.
સૌથી વધુ આશ્ચર્ય એ બાબત નું છે કે ઘણા સમય પહેલા જ્યારે આ ફોર્મ ને CBIC (સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ, અપ્રત્યેક્ષ કરવેરા નું સંચાલન કરતી સર્વોચ્ચ સત્તા) દ્વારા જાહેર કરવામાં આવેલ હોય તો ક્યાં કારણસર GSTN ને આ ફોર્મ પોર્ટલ ઉપર લાવવા આટલો સમય કેમ લાગે છે??? GSTN ને આટલો સમય લાગતો હોય તો કેમ સરકાર દ્વારા આ અંગે તેઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી?? આ સવાલ પણ કરદાતાઓ માં તથા કર વ્યવસાયિકો માં ચર્ચા નો વિષય બની રહ્યો છે.
ટેક્સ ટુડે ના મધ્યમ થી અમે GSTN ને આ ફોર્મ સાઇટ ઉપર જલ્દીથી લાવવા ખાસ અપીલ કરીએ છીએ. આ ઉપરાંત ફોર્મ જેટલા દિવસ મોડું આવ્યું હોય એટલા દિવસ નો વધારો કરવા સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ ને પણ ખાસ અનુરોધ કરીએ છીએ.
ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે