01 ઓક્ટોબર 2020 થી લાગુ થઈ છે TCSની નવી જોગવાઇઓ… શું અસર કરશે આ જોગવાઈ તમારા ઉપર???

Spread the love
Reading Time: 5 minutes

CA મોનીષ શાહ        CA દિવ્યેશ સોઢા,

ADV. લલિત ગણાત્રા   ADV ભવ્ય પોપટ

01 ઓક્ટોબર 2020 થી ઇન્કમ ટેક્સ કાયદા કલમ 206C(1H) હેઠળ TCS ની જોગવાઈ લાગુ થઈ છે. આ અંગે પૂછાતા સામાન્ય પ્રશ્નો વાંચો સરળ ભાષામાં     

01 ઓક્ટોબર 2020થી ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ નવી જોગવાઈ 206C(1H) લાગુ થઈ છે. આ જોગવાઈ જાણવી સૌ માટે જરૂરી છે. વાંચકોની સરળતા માટે આ લેખમાં નવા નિયમો અંગે વારંવાર પૂંછતા પ્રશ્નો રજૂ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

  1. શું છે આ TCSની નવી જોગવાઈ? શું જવાબદારી આવશે વેચનાર ઉપર આ નવી જોગવાઇઓના કારણે?

જવાબ: અગાઉ પણ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 206 ની વિવિધ કલમો હેઠળ TCS ની જોગવાઈ લાગુ પડતી હતી. હવે 01 ઓક્ટોબર 2020 થી નવી જવાબદારી એવા કરદાતાઓ માટે નાખવામાં આવેલ છે જેમનું ટર્નઓવર પાછલા વર્ષમાં 10 કરોડથી વધુ હતું. આ પ્રકારના કરદાતાએ પોતાના ગ્રાહકો (B2B તથા B2C બન્ને) જેમની પાસેથી 50 લાખથી વધુ રકમ માલના વેચાણ પેટે મેળવવામાં આવેલ હોય તેમની પાસેથી વેચાણની રકમ, જી.એસ.ટી. ઉપરાંત TCS પણ ઉઘરાવવાનો રહેશે. આ TCS 0.1% ના દરે ઉઘરાવવાનો રહેશે. જો કે હાલ કોરોનાકાળ મે TDS/TCS માં જે રાહતો આપવામાં આવી છે તે મુજબ હાલ 0.075% TCS 31 માર્ચ 2021 સુધી લાગુ રહેશે. અગાઉ જે વ્યવહારો ઉપર TDS-TCS લાગુ હોય તેમને આ નવી જોગવાઇઓ લાગુ પડશે નહીં.

 

  1. શું આ TCSની જોગવાઈ માત્ર માલ ઉપર લાગુ પડે કે સેવા ઉપર પણ લાગુ પડે?

જવાબ: આ TCS ની જોગવાઈ માત્ર માલ ઉપર લાગુ પડે. સેવા ઉપર લાગુ પડે નહીં.

 

  1. શું આ 10 કરોડની જે લિમિટ વેચનાર માટે આપવામાં આવી છે તેમાં તમામ વેચનાર નો સમાવેશ થઈ જાય કે આમાં કોઈ આપવાદો રહે છે?

જવાબ: હા, પાછલા વર્ષમાં 10 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા તમામ કરદાતાઑ ઉપર આ TCS ની જોગવાઇઓ લાગુ થઈ જાય છે.

 

  1. શું આ 10 કરોડની લિમિટ એ ચાલુ નાણાકીય વર્ષ માટેની ગણાશે કે અગાઉના વર્ષ માટેની?

જવાબ: 10 કરોડની લિમિટ અગાઉના વર્ષના ટર્નઓવર ના આધારે ગણવાની રહેશે.

 

  1. શું આ 50 લાખ ની લિમિટ એ ખરીદનાર દીઠ છે?

જવાબ: હા, 50 લાખની મર્યાદા છે એ ખરીદનરદીઠ છે અને જે ખરીદનાર પાસેથી વર્ષ દરમ્યાન 50 લાખથી વધુની રકમ મેળવવામાં આવે તેમના ઉપરજ TCS કરવાનો રહેશે.

 

  1. આ જોગવાઈ 01 ઓક્ટોબર 2020 થી લાગુ થયેલ છે. વેચનાર માટે 10 કરોડ કે ખરીદનાર 50 લાખની લિમિટ ગણવા માટે ટર્નઓવર 01 એપ્રિલથી ગણવાનું રહે કે 01 ઓક્ટોબરથી?

જવાબ: વેચનાર માટે 10 કરોડની મર્યાદા ગણવા માટે પાછલું વર્ષ (2020-21 ના વર્ષ માટે ટર્નઓવર 2019-20 નું જોવાનું રહે)નું ટર્નઓવર જોવાનું રહે. જ્યારે 50 લાખની ખરીદનારની મર્યાદા જોવા માટે 01 એપ્રિલથી વર્ષ જોવાનું રહે, નહીં કે 01 ઓક્ટોબરથી.

 

  1. શું 01 ઓક્ટોબર 2020 પહેલા થયેલ વેચાણ બાબતે TCSની આ જોગવાઇઓ લાગુ પડશે?

જવાબ: આ TCSની જોગવાઈ માં વેચાણ કરતાં વધુ મહત્વ ચુકવણીનું છે. જો 01 ઓક્ટોબર પહેલા થયેલ વેચાણ માટેની રકમ 01 ઓક્ટોબર 2020 બાદ મળે તો TCS કરવાનો રહેશે.

 

  1. અમારા ગ્રાહક દ્વારા 1 કરોડનો માલ માર્ચ 2021માં ખરીદવામાં આવ્યો છે, જેનું ચૂકવણું એ એપ્રિલ માહિનામાં કરે તો TCS 2020-21 ના નાણાકીય વર્ષ માટે થાય કે 2021-22 ના વર્ષ માટે?

જવાબ: આ કિસ્સામાં ચુકવણી 2021-22 માં કરવામાં આવતી હોય TCS ની જવાબદારી 2021-22 ના વર્ષમાં આવશે, ભલે વેચાણ 2020-21 માં કરવામાં આવ્યું હોય.

 

  1. સામાન્ય રીતે વેચનાર પોતાના બિલ બનાવવા સમયે આ TCS દર્શાવતા હતા. જ્યારે આ જોગવાઈ માં વેચાણ કરતાં વધુ મહત્વ ચુકવણીને આપવામાં આવ્યું છે. તો શું આ બાબતે રિસીપ્ટ બુકમાં TCS ઉઘરાવવો જરૂરી બનશે?

જવાબ: અમારા મટે TCSની આ જોગવાઈ સૌથી વધુ મુશ્કેલી આ બાબતે ઊભી કરશે. પ્રવર્તમાન TCS ની મોટાભાગની જોગવાઇઓ વેચાણ આધારિત છે જ્યારે આ નવી લાગુ થયેલ જોગવાઈ “રિસીપ્ટ” આધારિત છે. અમારા મતે TCS કરનારએ આ બાબતે ડેબિટ નોટ આપવાનો વિકલ્પ પસંદ કરવો સારો રહે.

 

  1. શું સ્થાવર મિલ્કત જેવીકે ફ્લેટ, મકાન વી. ના વેચાણ ઉપર TCSની આ જોગવાઇઓ લાગુ પડે?

જવાબ: ના, આ અંગે બહાર પાડવામાં આવેલ પ્રેસ વિજ્ઞપ્તિમાં સ્પષ્ટ રીતે જાહેર કરાયું છે કે ફ્લેટ-મકાન વગેરે સ્થાવર મિલ્કત સંદર્ભે આ જોગવાઇઓ લાગુ પડશે નહીં. આમ પણ આ જોગવાઇઓ ઉપર અમુક મર્યાદા ઉપરની ચુકવણી ઉપર TDSની જોગવાઈ લાગુ છે.

 

  1. મોટર વિહીકલના વેચાણ ઉપર અત્યાર સુધી પણ અમુક નિયમોને આધીન પણ TCS લાગુ પડતો. હવે આ TCSની જોગવાઇઓ થી મોટર વિહીકલના વેચાણ ઉપર શું અસર પડશે?

જવાબ: હાલ જે 10 લાખની TCS ની જોગવાઈ મોટર કારના વેચાણ ઉપર લાગુ છે તે માત્ર “એન્ડ યુઝર” માટે છે. ગ્રાહકજો 10 લાખ ઉપરની કારની ખરીદી કરે તો વેચનાર દ્વારા TCS કરવાનો રહે છે. એ જોગવાઈતો ચાલુજ રહેશે. હાલ લાગુ થયેલી જોગવાઈ એ કાર નિર્માતા કંપની જ્યારે પોતાના ડીલરને મોટર વિહીકલનું વેચાણ કરે ત્યારે પણ લાગુ થઈ જશે.

 

  1. આ જોગવાઇઓથી સોનાના ધંધા સાથે જોડાયેલ વેપારીઓ ખાસ્સા પરેશાન છે. સોની ઉપર આ નવી જોગવાઈની શું અસર પડશે?

જવાબ: સોનાના વેપાર સાથે જોડાયેલ ધંધાર્થીઑને પણ આ જોગવાઈ લાગુ પડશે. પણ એ બાબત જાણવી જરૂરી છે કે રિટેઈલ વેપાર કરતાં વેપારીએ TCS કરવાની જવાબદારી આવશે તે અંગેનો ડર ખોટો છે. તેઓજો એકજ વેપારી પાસેથી માલ ખરીદી બાબતે ચૂકવણું કોઈ નાણાકીય વર્ષમાં 50 લાખથી વધુ કરશે તો તમનો TCS વેચનાર વેપારી કાપશે. આ TCSની ખરીદનારને ક્રેડિટ મળશે. આવા સોનાના રિટેલર દ્વારા આ TCS નો અંદાજ કરી પોતાનો એડવાન્સ ટેક્સ એડ્જેસ્ટ કરી લેવો જોઈએ. રિટેઈલ વેચાણ કરતાં સોની પાસેથી કોઈ ગ્રાહકની ખરીદી અંગે ચૂકવણું 50 લાખથી વધે તો TCS કરવાની જવાબદારી આવે. આની શક્યતા ખૂબ ઓછી છે. આમ, સામાન્ય સોની વેપારી ઉપર આ જોગવાઈની કોઈ ખાસ અસર પડશે નહીં.

  1. શું આ જોગવાઈ એક્સપોર્ટર ને લાગુ પડે?

જવાબ: ના, આ જોગવાઈ એક્સપોર્ટના વ્યવહારને લાગુ નથી પડતી. પરંતુ અમારા મતે જો એક્સપોર્ટર ડોમેસ્ટિક વ્યવહાર કરે તો આ વ્યવહાર સંબધી આ જોગવાઇઓ લાગુ પડી જાય.

 

  1. APMC ના નોંધાયેલ કમિશન એજન્ટ ઉપર આ નવી જોગવાઈની શું અસર પડી શકે?

જવાબ: APMC ના રજિસ્ટર્ડ કમિશન એજન્ટના વ્યવહારને  મુખ્યત્વે બે ભાગમાં વહેચી શકાય. એક કાચા આડતિયા અને બીજું પાક્કા આડતીયા. જો કાચા આડતીયા માત્ર કમિશન લઇ અને ખરીદનાર અને વેચનારના વ્યવહાર અંગે મધ્યસ્થી કરતાં હોય તો આ નવી TCS ની જોગવાઈ તેમને લાગુ પડે નહીં. પરંતુ જો પાક્કા આડતિયા જો પોતાના નામે ખરીદ-વેચાણ કરતાં હોય તો આ જોગવાઈ તેમના ઉપર પણ લાગુ પડી જાય.

 

  1. કોઈ વેપારીને એડવાન્સ મેળે તો શું તેના ઉપર TDS કરવાનો રહે?

જવાબ: હા, આ જોગવાઈ રકમની ચુકવણી સાથે જોડાયેલ હોય, ટર્નઓવર તથા ચુકવણીની અન્ય મર્યાદાઓ પૂર્ણ થઈ હોય તો 01 ઓક્ટોબર 2020 પછી મળતા એડ્વાન્સ ઉપર પણ TCS કરવાનો રહે છે.

 

  1. TCS ની વેલ્યૂ નક્કી કરવા જી.એસ.ટી. સાથેની રકમ ગણવી જોઈએ?

જવાબ: હા, TCS એ માલની કિમત તથા તેના ઉપર લગતા જી.એસ.ટી. ની કુલ રકમ ઉપર કરવાનો રહે છે.

 

  1. ક્રેડિટ નોટ-ડેબિટ નોટ આવે તો શું અગાઉ કરેલ TCSમાં કોઈ ફેરફાર કરવાનો રહે?

જવાબ: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે આ જોગવાઇઓ હેઠળ ક્રેડિટ કે ડેબિટ નોટ ની કોઈ અસર લાગુ પડશે નહીં. ક્રેડિટ-ડેબિટ નોટના કારણે કોઈ રકમમાં ફેરફાર થાય તો પણ TCSની રકમમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં.

 

  1. TCS ની રકમ જમા કેવી રીતે કરવાની રહે? ડ્યુ ડેટ કઈ ગણાશે

જવાબ: TCS ની ચુકવણી આ નવી ઉમેરેલ કલમ હેઠળ પણ અન્ય TDS-TCS મુજબ જે તે મહિના પછીના 7 દિવસની અંદર કરવાની રહે છે.

 

  1. TCS ના કરવામાં આવે તો શું થાય?

જવાબ: જો આ જોગવાઈ મુજબ TCS કરવામાં નહીં આવે તો TCS કરવા જવાબદાર કરદાતા “એસેસી ઇન ડિફોલ્ટ” ગણાશે. TDS-TCS ના કરવા બદલ લાગતી તમામ પેનલ્ટી તથા ઇન્ટરેસ્ટ તેના ઉપર લાગુ થઈ જશે.

 

  1. શું આ જોગવાઈની સરળતા માટે TCS કરવા જવાબદાર કરદાતા એડ્વાન્સમાં વેચાણ સમયેજ TCS કરી અને જમા કરવી દે અને જ્યારે પેમેન્ટ મળે ત્યારે TCS ના દર્શાવે તો શું એ યોગ્ય કહેવાય?

જવાબ: ના, આ રસ્તો જોખમી છે. આમ કરવાથી ઘણી કયદાકીયા સમસ્યા ઊભી થઈ શકે છે. ખાસ કરીને જ્યારે એક વર્ષમાં ખરીદી થઈ હોય અને પેમેન્ટ અન્ય વર્ષમાં કરવામાં આવે ત્યારેતો અનેક ગૂંચવાડો કરદાતા માટે ઊભી થઈ જાય છે. આમ, આ પદ્ધતિ અપનાવવી જોઈએ નહીં.

આ નવી જોગવાઇઓ લાગુ પડવાથી ઘણા કરદાતાઓમાં ડર પેસી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે.  અમારા મતે આ જોગવાઈથી ડરવાની જરૂર નથી. સૌ પ્રથમ તો આ જોગવાઈ ખૂબ મર્યાદિત કરદાતાઓને (ટર્નઓવરની મર્યાદા જોતાં) લાગુ પડશે. જેમને લાગુ પડશે તેમાં પણ ખરીદનાર તરીકે TCS થશે તેટલી રકમ જે તે કરદાતાએ પોતાના એડવાન્સ ટેક્સ સામે એડ્જેસ્ટ કરી શકાશે. વેચનારની જવાબદારી જો આ ટર્નઓવર મર્યાદાને આધીન લાગુ પડે તો તેમના મતે ચોક્કસ એક નવી જવાબદારી નિભાવવી પડશે.

(આ પ્રશ્નના જવાબો ટેક્સ ટુડે એક્સપર્ટ્સ દ્વારા પોતાના કાયદા અંગેના અર્થઘટન ઉપરથી આપવામાં આવ્યા છે.)

5 thoughts on “01 ઓક્ટોબર 2020 થી લાગુ થઈ છે TCSની નવી જોગવાઇઓ… શું અસર કરશે આ જોગવાઈ તમારા ઉપર???

  1. is it applicable in sales and purchase of fish and prawns/shrimps or sea food which are already exempt from gst.

  2. Finally બિલ માં TCS લગાડવો के નહીં??
    Please guide
    98240 41849
    Bharat Barai

    1. નહીં, 01 ઓક્ટોબર 2020થી લાગુ થયેલ TCS ની નવી જોગવાઈ પ્રમાણે બિલમાં TCS લેવો જોઈએ નહીં. જ્યારે ખરીદનાર પાસેથી પેમેન્ટ આવે ત્યારે ડેબિટ નોટ વડે આ TCS ઉઘરાવવો જોઈએ તેવો અમારો અભિપ્રાય છે.

Comments are closed.

error: Content is protected !!