01 સપ્ટેમ્બર થી બેન્ક માંથી રોકડ ઉપાડ પર ક્યાં સંજોગોમાં કાપશે 2% TDS.. વાંચો વિશેષ અહેવાલ
ઉના,તા. 30.08.2019: જુલાઈમાં રજૂ થયેલ બજેટ 2019 ની કરદાતા માટે સૌથી મુશ્કેલ જોગવાઈ જો હોઈ તો તે બેન્ક માંથી જો નાણાકીય વર્ષમાં 1 કરોડ થઈ વધુ રકમ ઉપાડવામાં આવે તો 2% TDS ની જોગવાઈ ને ગણી શકાય. બજેટ 2019 થી ઇન્કમ ટેક્સ કાયદા માં કલમ 194N દાખલ કરવામાં આવી છે. આ જોગવાઈ મુજબ નાણાકીય વર્ષમાં 1 કરોડ થી ઉપર ની રકમ રોકડ માં કોઈ બેન્ક માંથી ઉપડવામાં આવે તો બેન્ક દ્વારા આ રકમ માંથી 2 % TDS કરી ને રકમ તમને આપશે. આ લિમિટ દરેક બેન્ક દીઠ ગણવામાં આવશે. ઉદાહરણ તરીકે જો SBI ની ઉના બ્રાન્ચ માં 1 કરોડ નો ઉપાડ થઈ ગયો હશે તો SBI ની કોઈ પણ બ્રાન્ચ ભલે તે સનાખડા ગામ ની બ્રાન્ચ હોઈ, તો પણ TDS લાગુ થઈ જશે. પણ જો રોકડ નો ઉપાડ ઉના પીપલ્સ બેન્ક માંથી કરવામાં આવે તો અગાઉ SBI બેન્ક માંથી કરેલ લિમિટ ગણાશે નહીં. આવીજ રીતે કોઈ ચેક દ્વારા પેમેન્ટ કરવામાં આવે તો પણ આ લિમિટ લાગુ પડશે નહીં.
એક પ્રશ્ન કરવેરા નિષ્ણાતો માં પણ ચર્ચાનો વિષય હતો કે 2019 20 ના વર્ષ માટે 1 કરોડ ની લિમિટ 01 એપ્રિલ થીં ગણાશે કે 01 સપ્ટેમ્બર થી??? ઇન્કમ ટેક્સ ખાતાએ આ ચર્ચાઓ નો આજે અંત લાવી દઈ ને એક અખબારી યાદી બહાર પડેલ છે. આ યાદીમાં સ્પષ્ટ પણે એવું જણાવાયું છે કે 1 કરોડ ની લિમિટ ગણવા 01 એપ્રિલ થી શરૂ થતાં નાણાકીય વર્ષ ને ગણવાનનું રહેશે. આમ, કોઈ કરદાતા જો 30 ઓગસ્ટ સુધીમાં 1 કરોડ કે વધુ રકમ ઉપાડી ચુક્યા હશે તો 01 સપ્ટેમ્બર પછી કરેલ રોકડ ઉપાડ ઉપર 2% TDS કાપી ને બેન્ક દ્વારા આપવામાં આવશે. આ અંગે વધુ સમજ આપતા ટેક્સ ટુડે ના ઇન્કમ ટેક્સ ના સ્પેશિયલ કરસપોન્ડન્ટ દિવ્યેશ સોઢા CA જણાવે છે કે આ પ્રકારની જોગવાઈથી ખેત પેદાશ ઉપર આધારિત ધંધા ને ખૂબ મોટી અસર થશે. સરકાર ને કાયદા દ્વારા અમુક પ્રકારના ધંધા ને આ જોગવાઈ થી મુક્તિ આપવા ની સત્તા આપવામાં આવેલ છે. આશા રાખીએ કે આ સતા નો ઉપયોગ કરી ખેત પેદાશ આધારિત ઉદ્યોગોને મુક્તિ આપવામાં આવે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.