મુસાફિર હું યારો: સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત નું પ્રવાસ વર્ણન…
Reading Time: 4 minutes
નમસ્કાર મિત્રો……..
ફરવાનો શોખ અને નવું જાણવાની મ્હેછાં ને કારણે હું અવાર નવાર નવા સ્થળ ની મુલાકાત લેતી હોવ છું. એક શિક્ષક તરીકે ના વ્યવસાય માં હું જોડાયેલી છું. એક શિક્ષક તરીકે મારું માનવું છે કે દરેક શિક્ષક એ પોતાના જ્ઞાન માં વધારો કરતા રહેવું જોઈએ અને તે બાળક ને આપવું જોઈએ. કહેવાય છે કે શિક્ષક એ એક મીણબત્તી સમાન છે જે પોતે બળી પોતાના બાળકો ને જ્ઞાન આપે છે. મારી હંમેશા એ જ આશા અને ઉદેશ્ય હોય છે કે મારાં બાળકો (વિદ્યાર્થી )કંઈક નવું જાણે. મેં ક્યારે પણ કોઈ લેખ લખ્યો નથી, પણ શ્રી ભવ્ય ભાઈ પોપટ ના માર્ગદર્શન થી લેખ લખવાની પેરણા મળી અને તે દિશા માં નાનો સરખો પ્રયત્ન કર્યો છે.
હું અમદાવાદ ની છું અને એવું સાંભળવા મળે છે કે અમદાવાદી ઓ કંજૂસ હોય છે, પણ હા એ કરકસર ની આદત ને કારણે જ હું સમય મળે ત્યારે નવા સ્થળ ની મુલાકાત લેવા નીકળી પડું છું. આ વખતે સાતમ -આઠમ ની રજા અને રવિવાર એટલે એક મીની વેકેશન, જેમાં મેં અને મારાં પતિ બીરેને ગુજરાત નું જ નહિ પણ ભારત ના ગૌરવ સમાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી ની મુલાકાત લેવાનું નક્કી કરીયુ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારત ની સ્વતંત્ર ચળવળ માં મહત્વ નો ભાગ ભજવનાર અને ભારત ને અખંડ ભારત બનાવવા માટે 162 રજવાડા નું વિલીનીકારણ જેમના અથાગ પ્રયત્નો થકી થયું તેવા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની છે જે વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા છે.
તો ચાલો મિત્રો….. હું મારી નજરે ગુજરાત નું ગૌરવ સમા સ્ટેટ્યૂ ઓફ યુનિટી ની મુસાફરી કરાવું.
સ્ટેટ્યૂ ઓફ યુનિટી એ વડોદરા થી 90km દૂર સરદાર સરોવર ડેમ ની સામે 3.2km દૂર સાધુ બેટ પર બનાવામાં આવી છે.
આ પ્રતિમા નો શિલાન્યાસ 31/9/2013માં શ્રી નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી દ્વારા કરવા માં આવ્યો હતો. જે સરદાર પટેલ ની જન્મજયંતિ 13/9/2018 ના દિવસે પૂર્ણ કરવા માં આવ્યું.
આ જગ્યા એ જવા માટે ની બસ સુવિધા:
આ પ્રતિમા તરફ જવા માટે કેવડિયા કોલોની થી ગુજરાત સરકાર દ્વારા મફત એ. સી બસ સેવા આપવામાં આવે છે. પ્રતિમા સુધી જવા માટે ફરજીયાત પણે તે બસ નો ઉપયોગ કરવો પડે છે, જે ગુજરાત સરકાર નો નવતર પ્રયોગ ખુબ જ વંદનીય છે.
[
પ્રવેશ:
પ્રતિમા પાસે બસ દ્વારા પહોંચતા જ એક સૂત્ર નજરે પડે છે (એક ભારત શ્રેઠ ભારત ) જે મને અને તમને પણ ભારતીય હોવાનો ગર્વ કરાવે છે.
પ્રતિમા:
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ 182મીટર છે, જે વિશ્વ ની સૌથી ઊંચી અને ન્યૂ યોર્ક ની સ્ટેટ્યૂ ઓફ લિબર્ટી કરતા બમણી છે અને પ્રતિમા ની સામે આવેલા 138 મીટર ઊંચા સરદાર સરોવર બંધ કરતા દોઢ ગણી છે. આ પ્રતિમા નો સમગ્ર વિસ્તાર 20, 000 ચો. મી માં ફેલાયેલ છે. આ પ્રતિમા ની ડિઝાઇન ભારતીય શિલ્પકાર રામ. વી સૂત્રા દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ પ્રતિમા બનાવવા પાછળ કેટલાક તથ્યો પણ છે, જેમ કે પ્રતિમા ની ઊંચાઈ 182 મી છે, જે વિધાનસભા ની 182 બેઠક ના આધારે નક્કી કરવામાં આવી છે. લોખંડ ની પ્રતિમા બનાવવા પાછળ નો હેતુ એ છે કે સરદાર પટેલ એક લોખંડી પુરુષ કહેવાતા અને એક ખેડૂત પુત્ર હતા, તેથી આ પ્રતિમા બનાવવા માટે ભારત ના અનેક ગામના ખેડૂતો પાસે થી ખેતી ને લગતું એક -એક લોખંડ નું ઓજારો એકત્ર કરી તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં દેશ ની જાજવતો નું લોખંડ અને અરમાનો ની ઈંટો અને પથ્થર લાગ્યા છે.
અદ્ભુત સુવિધા:
પ્રવેશ દ્વાર થી પ્રતિમા સુધી જવા માટે ત્યાં એક્સેલેટ ની સુવિધા છે, જેનાથી તેની આધુનિકતા ના દર્શન કરાવે છે. આટલા વિશાલ વિસ્તાર ને ફરવા માટે કોઈ અગવડ ના પડે તેથી ત્યાં માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા છે. પ્રતિમા પાસે પહોંચતા ત્યાંથી સાતપુડા ની ટેકરી જોઈ શકાય છે અને કુદરતી સૌંદર્ય થી ભરપૂર અને કુદરત ના ખોળા માં રમતા હોય તેવો અનુભવ થાય છે.
પ્રતિમા ના હૃદય પર વહીયુ ગેલેરી છે ત્યાં સુધી જવા માટે લિફ્ટ ની વ્યવસ્થા છે. ત્યાં થી સરદાર સરોવર ડેમ દેખાય છે. પણ કહે છે ને કે બધા ને બધું સર્વસ્વ મળતું નથી, તેમ ટેકનિકેલ ખામી ના કારણે અમે ત્યાં ન જઈ શક્યા, અફસોસ………
મ્યુઝિયમ:
મ્યુઝિયમ માં પહોંચતા જ તમે જાણે વિદેશ પહોંચી ગયા નો અનુભવ થાય છે. તેટલી આધુનિક સુવિધા ઓ થી સજ્જ. ત્યાં શરૂઆત માં જ શ્રી નરેન્દ્ર મોદી દ્વાર સરદાર પટેલ ને લેખ સમર્પિત કરવામાં આવ્યો છે. મ્યુઝિયમ ની બિલકુલ મધ્ય માં જ સરદાર પટેલ નું પ્રભાવશાળી મસ્તક રૂપી મોડેલ મુકવામાં આવ્યું છે. અને મૂળ પ્રતિમા જેવી જ બીજી પ્રતિમા મુકવામાં આવી છે.
પ્રતિમા બનાવવા માં ખેડૂતો ના જે ઓજારો નો ઉપયોગ થયો છે, તે ઓજારો રૂપી એક મોડેલ બનાવવામાં આવેલું છે. પ્રતિમા ની રચના કેવી રીતે થઇ તેનું ઓડિયો વિઇયુજિયલ પ્રદર્શન, તેમનું જીવન અને તેમને કરેલા કર્યો નું શો બતાવામાં આવે છે. ડેમ ની પ્રતિકૃતિ, 162 રાજા -રજવાડા ના ફોટા અને એવું ઘણું બધું તે મ્યુઝિયમ બતાવામાં આવેલું છે. પ્રતિમા ને અવકાશ માંથી જોવા ત્યાં હેલિકોપ્ટર ની સુવિધા પણ કરવામાં આવી છે. રાત્રી સમયે આ પ્રતિમા ઉપર લેઝર શો બતાવામાંઆવે છે, જે તેમના જીવન પર આધારિત છે અને પ્રતિમા નું નિર્માણ કેમ થયુ તે આ શો માં રજૂ કરવામાં આવે છે.
આથી આગળ વધતા સરદાર સરોવર ડેમ પાસે એક ફ્લાવર વેલી બનાવામાં આવી છે, પણ કહેવાય છે ને કે સમય કોઈ ની રાહ જોતો નથી તેમ રાત થઇ જતા અને સમય ન હોવાથી અમે એ જોઈ શક્યા નહિ. છતાં પણ આ અદભુત પ્રતિમા ને જોતા મને જે ગર્વ થયો છે. અને એક શિક્ષક તરીકે હું તમામ શાળા અને વાલિઑ ને વિનંતી કરું છું કે તમારા જીવન માંથી થોડો સમય કાઠી આ સ્થળ ની મુલાકાત લેજો અને બાળકો ને ખાસ લે તેવી વ્યવસ્થા કરશો.
આ મુસાફરી માં મારાં પતિ ના સાથ ને કારણે જ શક્ય બની છે. જે બધી જ પરિસ્થિતિ માં મારી સાથે અડગ ઉભા રહે છે. આમ, સામાન્ય રીતે તેમનો આભાર શબ્દો માં માનવો શક્ય ના હોય પણ આ લેખ ના અંતે ખાસ તેમનો મારા આ ફરવા ના શોખ માં ઉપયોગી બનવા વિશેષ આભાર.
મિત્રો હું એમ માનું છું કે આપણે આપણી ભાગ દોડ વાળી જિંદગી માંથી થોડો સમય કાઢી પોતાની જાતને જાણવા અને માણવા માટે ફરવા નીકળવું જોઈએ. અહીં હું મારી કલમ ને વિરામ આપું છું.
આ ગૌરવપ્રદ પ્રવાસવર્ણન નો અંત ચોક્કસ જય હિન્દ, જય સરદાર સાથે જ કરીશ.
|
|
|