શું 50000 થી નીચેના એકથી વધુ બિલોનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય ત્યારે ઇ વે બિલ બનાવવું જરૂરી છે?
બોન કાર્ગોસ પ્રાઈવેટ લી વી. કેન્દ્ર સરકારના કેસમાં કેરેલા હાઇકોર્ટનો ચુકાદો
કેસના તથ્યો: અરજ્કર્તાએ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી છે. તેઓને 10.01.2020 ના રોજ G M Impex Pvt Ltd દ્વારા ઇલેક્ટ્રીકલ માલનું વહન સોપવામાં આવ્યું હતું. આ માલનું વહન થતું હતું તે દરમ્યાન મોબાઈલ સ્કોડ દ્વારા રોકવામાં આવ્યું હતું. અમુક બિલોમાં ઇ વે બિલનો ભાગ B ના હોવાના કારણે માલ જપ્ત કરી ટેક્સ અને દંડ લાદવામાં આવ્યો હતો.
અરજ્કર્તા/કરદાતાઓ તરફે દલીલ:
- જ્યારે બિલની રકમ 50000 થી ઓછી હોય ત્યારે જી.એસ.ટી. નિયમના નિયમ 138 મુજબ ઇ વે બિલ બનાવવું ફરજિયાત નથી.
- 50000 થી વધુના બિલો માટે તો ઇ વે બિલ બનાવવામાં આવ્યું જ છે.
- અલગ અલગ HSN કોડ હોવાના કારણે અલગ અલગ બિલ વેચનાર દ્વારા બનાવવામાં આવ્યા હતા.
જી.એસ.ટી. ખાતા દ્વારા દલીલો:
વેચનાર દ્વારા ઇ વે બિલ બનાવવાથી છટકવા માટેજ અલગ અલગ બિલો બનાવવામાં આવ્યા છે.
વેચનાર દ્વારા એકજ દિવસમાં 3 અલગ અલગ બિલો બનાવવામાં આવ્યા છે.
કોર્ટનો ચુકાદો:
બન્ને પક્ષોની દલીલો સાંભળી ઇ વે બિલ અંગે જે સૌથી મહત્વનો પ્રશ્ન છે તે એ રહે છે કે શું 50000/- નીચેના અલગ અલગ બિલો હોય તો શું ઇ વે બિલ બનાવવું જરૂરી રહે?. આ પ્રશ્ન હાલ કોર્ટ નક્કી કરવા બદલે કોર્ટ હાલ માત્ર માલ જપ્તી અંગે નિર્ણય લઈ રહી છે. હાલ, જપ્તી આદેશમાં દર્શાવવામાં આવેલ રકમ જેટલી બેન્ક ગેરંટી, મેળવી માલ છોડવામાં આવે તેવો આદેશ આ કોર્ટ દ્વારા કરવામાં આવે છે. શું 50000/- નીચેના અલગ અલગ બિલો હોય તો શું ઇ વે બિલ બનાવવું જરૂરી રહે? આ પ્રશ્નનો યોગ્ય નિર્ણય આ કેસના સામેવાળા (કેન્દ્ર સરકાર) દ્વારા અરાજકર્તાની દલીલો સાંભળી ન્યાયિક રીતે લેવામાં આવે તેવું ઠરાવવામાં આવે છે.
કેરેલા હાઇકોર્ટ દ્વારા ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર હાલ કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી. આમ, આ પ્રશ્ન કે શું 50000/- ઉપર ના માલ વહન થતું હોય અને તમામ બિલો જો 50000 થી ઓછા હોય તો શું ટ્રાન્સપોર્ટર દ્વારા ઇ વે બિલ બનાવવું જરૂરી છે?? આ અંગે વાત કરતાં ટેક્સ ટુડે એક્સપર્ટ અને પોરબંદરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવ્યેશ સોઢા જણાવે છે કે આ મુદ્દો ખરેખર ખૂબજ ચર્ચાસ્પદ છે. “કંસાઇનમેંટ” શબ્દ એ ખૂબ મહત્વનો છે. આ અંગેનું અર્થઘટન અંગે સરકાર દ્વારા સર્ક્યુલર બહાર પાડવામાં આવે અથવા તો કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવે તેની રાહ જોવાની રહી. જોકે એકજ વેચનાર અને એકજ ખરીદનાર હોય ત્યારે “મલ્ટિપલ બિલ” બનાવી ઇ વે બિલ બનાવવાથી બચવાનો પ્રયાસ કરવો ક્યારેય હિતાવહ નથી એવું હું ચોક્કસ માનું છું. અમદાવાદના CA અને ટેક્સ ટુડે એક્સપર્ટ મોનીષ શાહ જણાવે છે કે આ પ્રકારના વ્યવહારોને લાગુ થતો નિયમ 138(7) છે જે હજુ લાગુ કરવામાં આવ્યો નથી. તેઓ દિવ્યેશભાઈ સોઢા ના મંતવ્ય સાથે સહમત છે પણ ખોટા “લીટીગેશન” પણ તેઓ માને છે કે આ પ્રકારના કંસાઇનમેંટમાં જો 50000 થી નીચેના બિલો પણ હોય તો પણ જ્યારે કુલ માલનું વહન 50000 થી વધુ હોય તો ઇ વે બિલ બનાવવું હિતાવહ છે. કાયદા પ્રમાણે તેઓના મતે હાલ ટ્રાન્સપોર્ટર દ્વારા આવા કિસ્સામાં ફરજિયાત ઇ વે બિલ બનાવવાનું રહે નહીં. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે